અમેરિકાએ પુષ્ટિ આપેલી યુદ્ધ વિરામ યોજના ઈઝરાયેલે ફગાવી દીધી : બીરૂત પર ફરી પ્રચંડ બોમ્બ વર્ષા શરૂ કરી
- ઈઝરાયેલનાં આવા વલણ છતાં અમેરિકા અને ફ્રાંસ આશા રાખે છે કે છેવટે ઈઝરાયેલ 21 દિવસના યુદ્ધ વિરામ માટે સહમત થશે જ
તેલઅવિવ : અમેરિકાએ પણ જેને પુષ્ટિ આપી છે તેવી હીઝબુલ્લાહ સાથેની ૨૧ દિવસની યુદ્ધ વિરામ યોજના ઈઝરાયેલે ફગાવી દીધી છે. આ રીતે ઈઝરાયેલ તેના સૌથી મોટા સહાયક અમેરિકાની પણ અવગણના કરી છે. તેટલું જ નહીં પરંતુ લેબેનોન ઉપર અનરાધાર બોંબ વર્ષા ચાલુ રાખી છે. આ સાથે આ વિસ્તારમાં ઓલ આઉટ રીજીયોનલ વોર ફાટી નીકળવાની ભીતિ વ્યાપી રહી છે.
ઈઝરાયેલના આ વલણ છતાં અમેરિકા અને ફ્રાંસ હજી પણ આશા રાખે છે કે છેવટે ઈઝરાયેલ ૨૧ દિવસના યુદ્ધ વિરામ માટે સહમત થશે. અમેરિકાએ બુધવારે રજૂ કરેલી આ યોજના વિષે યુએનની જનરલ એસેમ્બલીમાં હાજરી આપવા ગયેલા યુએસ અને ફ્રાંસના પ્રતિનિધિ મંડળો વચ્ચે મંત્રણાઓનો દોર શરૂ થઈ ગયો છે.
આ તરફ ઈઝરાયેલ વિમાનોએ લેબેનોનનાં પાટનગર બીરૂતના પરાઓ ઉપર બોંબ વર્ષા ચાલુ રાખી છે તેથી ૨નાં મૃત્યુ થયાં છે. ૧૫ને ઇજાઓ થઇ છે, જેમાં એક મહિલાની હાલત ગંભીર છે, તેમ લેબેનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આ સાથે સોમવારથી વધી રહેલો મૃત્યુ આંક ૬૦૦ સુધી પહોંચ્યો છે.
ઈઝરાયેલ એર ફોર્સના કમાન્ડર મેજર જનરલ તોમેર બારે ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે, અમે ઈઝરાયેલના (ભૂમિદળના) નોર્ધન કમાન્ડની સાથોસાથ કામ કરી રહ્યાં છીએ. અમોને હુકમ થાય તેની જ રાહ જોઈએ છીએ. તે સાથે ઈઝરાયેલી ભૂમિદળને છત્ર પુરુ પાડવા અને હુમલામાં સહાય કરવા તૈયાર છીએ.
દરમિયાન ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનને સ્પર્શીને રહેલી તેની ઉત્તરની સીમાએ લશ્કરી કવાયત શરૂ કરી દીધી છે. તે ક્યારે હુમલા કરશે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પરંતુ તે સ્પષ્ટ છે કે હવે, ઓલ આઉટ રીજીયોનલ વોર શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે.