યુદ્ધવિરામની ઐસી કી તૈસી, હીઝબુલ્લાહનો કચ્ચરઘાણ કાઢીશું
- ઇઝરાયેલે શાંતિનો પ્રસ્તાવ ફગાવી દીધો : આઇડીએફની લેબનોનમાં ગમે ત્યારે એન્ટ્રી થશે
- લેબનોન પરના હુમલામાં 23 સીરિયનના મોત, ડ્રોન હુમલાનો માસ્ટર માઇન્ડ સરૂરનો પણ સફાયો
તેલઅવીવ : ઇઝરાયેલે હીઝબુલ્લાહ સાથે૨૧ દિવસના તાત્કાલિક યુદ્ધવિરામના અમેરિકાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેનું કહેવું છે કે આ યુદ્ધવિરામનો પ્રસ્તાવ હીઝબુલ્લાહને બેઠા થવાની તક આપશે. તેણે જણાવ્યું હતું કે હવે અમે હમાસની જેમ જ હીઝબુલ્લાહને કચ્ચરઘાણ કાઢવાના છીએ. અમે તેમમને હમાસની જેમ મરણતોલ ફટકો મારવા માંગીએ છીએ, જેથી તે ક્યારે બેઠું ન થઈ શકે અને ઇઝરાયેલ પર હુમલો ન કરી શક. તેની સાથે ઉત્તરી ઇઝરાયેલના નાગરિકો કાયમ શાંતિથી રહી શકે.
અમેરિકા અને ફ્રાંસે શાંતિ-મંત્રણા સરળતાથી ચાલી રહે તે માટે ૨૧ દિવસના યુદ્ધ વિરામ માટે અનુરોધ કર્યો હતો, જેને ઇઝરાયેલે ફગાવી દીધો હતો.
ઇઝરાયેલ તેથી આ વખતે હીઝબુલ્લાહને કચડી નાખવાની તક જતી કરવા માંગતું નથી. તેણે છેલ્લા ત્રણ દિવસમાં લેબનોનમાં હીઝબુલ્લાહના બે હજાર ઠેકાણા ખતમ કર્યા છે. ઇઝરાયેલે લેબનોનમાં તાજેતરમાં જ કરેલા હવાઈ હુમલામાં ૨૩ સીરિયન નાગરિકોના મોત નીપજ્યા હતા અને આઠ ઇજાગ્રસ્ત છે. આ દરમિયાન ઇઝરાયેલની જોડાણવાદી સરકારના જમણેરી ભાગીદાર પીએમ નેતન્યાહુને ધમકી આપી છે કે જો વર્તમાન સ્થિતિમાં હીઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ કરવામાં આવ્યો તો તે સરકારમાંથી ખસી જશે.
ઇઝરાયેલે દક્ષિણ અને પૂર્વી લેબનોનમાં ૭૫ સ્થળોએ એકસાથે હુમલો કર્યો છે. જ્યારે લેબનોન તરફથી ૪૫ રોકેટ છોડવામાં આવ્યા છે. ઇઝરાયેલે હીઝબુલ્લાહના એકસાથે ૧,૬૦૦ સ્થળને લક્ષ્યાંક બનાવીને કરેલા હુમલામાં ૬૫૦થી પણ વધુના મોત થયા છે.
ઇઝરાયેલના લશ્કરી વડા લેફ્ટનન્ટ જનરલ હર્જી હલેવીએ એક ટેન્ક બ્રિગેડને બુધવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે લેબનોનમાં ઘૂસવાની સંભાવનાનો આધાર તૈયાર કરવા માટે તેના પર હુમલા કરી રહ્યા છીએ.ઇઝરાયેલ હીઝબુલ્લાહ પર ભૂમિ આક્રમણ કરતાં પહેલા તેને હવાઈ હુમલામાં જ બને તેટલું ખોખરું કરી લેવા માંગે છે.
ઇઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહુ કસમ ખાઈ ચૂક્યા છે કે હીઝબુલ્લાહ સામે તેનું લશ્કરી અભિયાન ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી સરહદ પરના સંઘર્ષોથી વિસ્થાપિત સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ન ફરી શકે. ઉલ્લેખનીય છે કે હીઝબુલ્લાહના હવાઈ હુમલાના લીધે ઉત્તરી ઇઝરાયેલના દસ હજારથી વધુ લોકોએ વિસ્થાપિત થવું પડયું છે.
ઉલ્લેખનીય છે કે લેબનોનની ૬૦ લાખની વસ્તીમાં આઠ લાખ તો સીરિયન શરણાર્થી છે.
દરમિયાનમાં ઇઝરાયેલી ફાઇટર જેટ્સે લેબનોનના બૈરુત શહેરમાં ગુરુવારે કરેલા હવાઈહુમલામાં હીઝબુલ્લાહ દ્વારા કરવામાં આવતા ડ્રોન હુમલાનો માસ્ટર માઇન્ડ અને કમાન્ડર મુહમ્મદ હુસૈન સરૂર માર્યો ગયો. તે ડ્રોન યુનિટનો વડો હતો. ઇઝરાયેલી ફાઇટર જેટ્સે તેના પર ત્રણ મિસાઇલ છોડયા. તેની સાથે હીઝબુલ્લાહના ચાર આતંકવાદીઓ પણ માર્યા ગયા અને બીજા અનેક ઇજા પામ્યા છે. બૈરૂતના દક્ષિણમાં હીઝબુલ્લાહના ગઢ મનાતા વિસ્તારમાં સરૂર છૂપાયેલો હતો.
ભારતની નાગરિકોને લેબનોન છોડવા વિનંતી
જેરૂસલેમ : લેબનોનનમાં ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને વિનંતી કરી છે કે તેઓ ત્યાંથી નીકળી જાય. ભારતીય રાજદૂતાવાસે જણાવ્યું છે કે લેબનોનનમાં રહેતા ભારતીયો જ્યાં હોય ત્યાંથી નીકળી જાય, જો તેઓ નીકળી શકવાની સ્થિતિમાં ન હોય તો બિનજરૂરી ઘરોમાંથી બહાર ન નીકળે અને ઓફિસના કામ પણ બને ત્યાં સુધી ઘરેથી જ પતાવે. આ ઉપરાંત જણાવ્યું છે કે હાલમાં જે પણ ભારતીયો લેબનોનનો પ્રવાસ ખેડવાનું આયોજન ધરાવતા હોય તે અહીં આવવાનું આયોજન પડતું મૂકે. આ ઉપરાંત બૈરુત જેવા શહેરોમાં રહેતા ભારતીયો તેમની હરવાફરવાની પ્રવૃત્તિ એકદમ મર્યાદિત રાખે.
અમેરિકન વિદેશ પ્રધાન બ્લિન્કેન બૈરુત જશે
અમેરિકન પ્રમુખ જો બાઇડેનની ઓલ આઉટ વોરની ચેતવણી
- આઠ લાખ સીરિયન શરણાર્થીઓનો બોજો વેઠતા લેબનોનના માથા થોપાઈ ગયું વણજોઈતું યુદ્ધ
ઇઝરાયલ હમાસ અને હીઝબુલ્લાહ વચ્ચે ચાલતુ યુદ્ધે લેબનોનની દક્ષિણ સીમા અને ઇઝરાયલની ઉત્તર સીમાએ પહોંચી ગયું છે. યુએસ પ્રમુખ બાઇડેને સ્થિતિ વકરતી જોતાં ઓલઆઉટ વોરની ચેતવણી આપી છે. યુ.એન.ની સલામતી સમિતિની વાર્ષિક પરિષદમાં અમેરિકાએ જણાવ્યું હતું કે તે અને તેના મિત્ર દેશો ટૂંક સમય પુરતો યુદ્ધ વિરામ કરવા પ્રયત્નો કરી રહ્યા છે. જેથી શાંતિ મંત્રણા થઇ શકે.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકેને બંને પક્ષોને ઓલ આઉટ વોરથી પાછાં ફરવા જણાવ્યું હતું. કારણ કે જો તેમ નહીં થાય તો પરિણામો ભયંકર આવશે. તેથી તે વિસ્તારની જનતા દુ:ખી થશે. ફ્રાંસના વિદેશમંત્રી જીન નોએલ બેરટે કહ્યું હતું કે તેમનો દેશ પણ અમેરિકાએ સૂચવેલા ૨૧ દિવસના યુદ્ધ વિરામને પુષ્ટિ આપે છે જેથી ઇઝરાયલ હીઝબુલ્લાહ વચ્ચે મંત્રણા યોજી શકાય.
જો કે બેરટે તે સંભવિત શાંતિ-મંત્રણાની વિગતો આપી હતી પણ કહ્યું હતું કે તે એ સમયે જાહેર કરાશે બ્લિન્કેન આગામી સપ્તાહે બૈરૂતની મુલાકાતે જવાના છે.યુએન સ્થિત ઇઝરાયલ રાજદૂત ડેની ડેગેને કહ્યું હતું કે, તેમનો દેશ યુદ્ધ તીવ્રતા તરફ જતો અટકે તે માટે તમામ વિચારો આવકાર્ય જ છે. તે માટે રાજદ્વારી પદ્ધતિએ આગળ વધવા પણ અમે તૈયાર છીએ.
લેબનોનના વડા પ્રધાન નજીબ મિલ્કાનીએ સલામતી સમિતિને અનુરોધ કર્યો હતો કે ઇઝરાયલને લેબનોનની ભૂમિ ઉપરનો કબ્જો છોડી દેવા તમારે આદેશ આપવો જોઇએ.
દરમિયાન પ્રમુખ બાઇડેને તત્કાળ યુદ્ધ વિરામ કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે જો તેમ નહીં કરવામાં આવે તો ગાઝા અને વેસ્ટબેન્કનું યુદ્ધ લેબનોન પહોંચતા ઓલ આઉટ વોર થઇ જશે.
યુએસના મહામંત્રી એન્ટોનિયો ગુટેરર્સ તત્કાળ યુદ્ધ બંધ કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે જે તેમ નહીં થાય તો ભારે ખાના ખરાબી થશે. ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી હજી સુધીમાં બે લાખ લોકો લેબનોનમાં વિસ્થાપિત થયા છે જે પૈકી ઇઝરાયલે કરેલા હવાઈ હુમલાને લીધે એક લાખ તો છેલ્લા પાંચ દિવસમાં જ વિસ્થાપિત થયા છે.
ઉલ્લેખનીય છે કે લેબનોનની ૬૦ લાખની વસ્તીમાં આઠ લાખ તો સીરિયન શરણાર્થી છે.આમ બધા જ પ્રકારની અસ્થિરતામાંથી પસાર થઈ રહેલા લેબનોનના માથા પર વણજોઈતુ યુદ્ધ આવ્યું છે. તેમા પણ લડવાના ઇઝરાયેલ અને હીઝબુલ્લાહ છે, પણ ખો લેબનોનનો નીકળવાનો છે. ગાઝાપટ્ટી પછી વધી એક દેશ વિસ્થાપિત થશે તે નક્કી છે.