હૉસ્પિટલમાં સારવાર વચ્ચે નેતન્યાહૂ બન્યા નિ:સહાય, અચાનક જ સંસદ પહોંચવું પડ્યું, જાણો મામલો
Benjamin Netanyahu: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના સ્વાસ્થ્યને બાજુમાં મૂકીને એક મહત્ત્વપૂર્ણ બીલ પર મતદાન માટે સંસદ (ક્નેસટ) જવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ સારવાર દરમિયાન પ્રોસ્ટેટ સર્જરી કરાવનાર 75 વર્ષના નેતન્યાહૂને ડૉક્ટરે સંપૂર્ણ આરામની સલાહ આપી હતી. પરંતુ, નેતન્યાહૂ ગભરાયેલા જોવા મળ્યા અને યુદ્ધના ખર્ચને લઈને પસાર થતાં બીલની ચર્ચામાં સામેલ થવા માટે હૉસ્પિટલમાંથી રજા લઈ લીધી.
કેમ ગભરાયા નેતન્યાહૂ?
નેતન્યાહૂની ગભરાહટનું કારણ 2025નું બજેટ અને યુદ્ધના ખર્ચ માટેનું બીલ છે, જેને વડાપ્રધાન નેતન્યાહૂની ગઠબંધન સરકારમાં સંપૂર્ણ રીતે સમર્થન નથી મળ્યું. ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન-ગવીરે આ બિલનો વિરોધ કરતાં કહ્યું કે, આ પોલીસ બળને નુકસાન પહોંચાવનારુ છે. તેઓએ નાણાંમંત્રી બેજલાલ સ્મોટ્રિચ પર બજેટને લઈને વાતચીત ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચોઃ નવા વર્ષે વૈશ્વિક વસતી 8.09 અબજને આંબી જશે, એક વર્ષમાં 7.1 કરોડનો ઉમેરો, મુસ્લિમો વધશે
નેતન્યાહૂએ ન માની ડૉક્ટરની સલાહ
ઇદાસાહ મેડિકલ સેન્ટરની પ્રવક્તા હદાર એલ્બોઇમે જણાવ્યું કે, ડૉક્ટર્સે નેતન્યાહૂને હૉસ્પિટલની બહાર ન જવાની સલાહ આપી હતી. પરંતુ, વડાપ્રધાનને સંસદમાં પહોંચવાનું મન બનાવી લીધું હતું. જોકે, આ દરમિયાન તેમના અંગત ડૉક્ટર તેમની સાથે જ રહેશે. મળતી માહિતી મુજબ, નેતન્યાહૂ સંસદમાં મતદાન કર્યા બાદ હૉસ્પિટલ પરત ફરશે.
હકીકતમાં નેતન્યાહૂ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ અને 82 વર્ષીય નેતા જો બાઇડન, નવનિયુક્ત રાષ્ટ્ર પ્રમુખ અને 78 વર્ષીય નેતા ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રાઝીલના રાષ્ટ્ર પ્રમુખ અને 79 વર્ષીય નેતા લુઈસ ઇનાસિયા લૂલા દા સિલ્વા અને 88 વર્ષીય પોપ ફ્રાંસિસ સહિત દુનિયાના એવા વૃદ્ધ નેતાઓની યાદીમાં સામેલ છે, જે પોતાની ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓના કારણે ચર્ચામાં રહે છે.