હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલ PMનો મોટો દાવો, 'નસરલ્લાહના ઉત્તરાધિકારીને ઠાર માર્યો'
Israel PM Netanyahu Video Message : ઈઝરાયલ અને લેબેનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હિઝબુલ્લાહ ઈઝરાયલમાં હવાઈ હુમલા કરી રહ્યું છે ત્યારે લેબેનોનમાં ઈઝરાયલનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ વચ્ચે ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે કહ્યું કે, ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહના ઠાર મરાયેલા ચીફ હસન નસરલ્લાહના ઉત્તરાધિકારીને ઠાર માર્યો છે.
પહેલાથી રેકોર્ડ કરાયેલા વીડિયો મેસેજમાં નેતન્યાહૂએ કહ્યું કે, 'અમે હિઝબુલ્લાહની તાકાતને ઓછી કરી દીધી છે. અમે હજારો આતંકવાદીઓને ઠાર માર્યા, જેમાં ખુદ નસરલ્લાહ, તેના ઉત્તરાધિકારી અને ત્યાં સુધી કે ઉત્તરાધિકારીનો વિકલ્પ પણ સામેલ છે.'
This is a message to the people of Lebanon: pic.twitter.com/btMQR0Xwtn
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 8, 2024
રક્ષા મંત્રીએ પણ કર્યો હતો દાવો
જોકે, નેતન્યાહૂએ કોઈના નામનો ખુલાસો નથી કર્યો. આ પહેલા ઈઝરાયલી રક્ષા મંત્રી યોવ ગૈલેન્ટે કહ્યું હતું કે, ઠાર મરાયેલા હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાના સંભાવિત ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનને કદાચ ઠાર મરાયો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું કે એ સ્પષ્ટ નથી કે નેતન્યાહૂએ કયા ઉત્તરાધિકારીને વિકલ્પ કહ્યો.