હમાસની માંગ સામે ઘૂંટણ ટેકવીશું તો અમારી હાર ગણાશે, ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂની સ્પષ્ટ વાત
Image Twitter |
ISRAEL- HAMAS WAR : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બંધકોને છોડાવવા માટે ગાઝામાં યુદ્ધનો અંત લાવવાની હમાસની માગણી સામે આત્મસમર્પણ કરવું એ ઈઝરાયેલ માટે ભયંકર હાર હશે.
નેતન્યાહુ કેબિનેટે કર્યો મોટો નિર્ણય
બેન્જામિન નેતન્યાહુની કેબિનેટે ઈઝરાયેલમાં અલ જઝીરાના સંચાલનને અસ્થાયી ધોરણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એક રિપોર્ટ મુજબ ઈઝરાયેલ કેબિનેટે કહ્યું કે અલ જઝીરાએ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો પેદા કર્યો છે. નેતન્યાહુએ કહ્યું કે, અલ જઝીરાના પત્રકારોએ ઈઝરાયલની સુરક્ષાને નુકસાન પહોંચાડ્યું છે અને ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સના સૈનિકો વિરુદ્ધ ભડકાવ્યા છે. પરંતું હવે સમય આવી ગયો છે કે, હમાસના મુખપત્રને અમારા દેશમાંથી બહાર કાઠવામાં આવે. તેમણે કહ્યું કે, ભડકાઉ ચેનલ અલ જઝીરા હવે ઈઝરાયેલમાં બંધ કરી દેવામાં આવશે.
ઈઝરાયેલમાં બંધ થશે અલ જઝીરાની ઓફિસ
સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કે ઇઝરાયેલના સંચાર મંત્રીએ તાત્કાલિક પગલાં લેવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ આ પગલાને સમર્થન આપનારા એક સાંસદ સભ્યેએ કહ્યું કે, અલ જઝીરા આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે. સરકારી આદેશ અનુસાર ઈઝરાયેલમાં અલ જઝીરાની ઓફિસો બંધ કરવામાં આવશે. તેના પ્રસારણ ઉપકરણ જપ્ત કરવામાં આવશે અને ચેનલને કેબલ અને સેટેલાઇટ કંપનીઓથી ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે. આ ઉપરાંત કંપનીની વેબસાઈટ પણ બ્લોક કરવામાં આવશે.
કતાર સરકાર આપે છે અલ-જઝીરાને ફંડ
માહિતી પ્રમાણે, અલ જઝીરાને કતાર સરકાર દ્વારા ફંડ આપવામાં આવે છે. અલ જઝીરા ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના સૈન્ય અભિયાનની સતત ટીકા કરી રહ્યું છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે કતાર યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે સમજૂતી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનાથી ગાઝામાં લડાઈ અટકી શકે છે. ગયા મહિને ઈઝરાયેલની સંસદ નેસેટે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાતા ઈઝરાયેલમાં વિદેશી સમાચાર નેટવર્કને અસ્થાયી રૂપે બંધ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જેને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માનવામાં આવે છે.
ઈઝરાયેલ સરકારના નિર્ણયને પડકારવાની તૈયારી
આ અંગે ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન પ્રદેશોમાં અલ જઝીરાના પ્રમુખ વાલિદ ઓમેરીએ ઇઝરાયેલ કેબિનેટના નિર્ણયને ખતરનાક ગણાવ્યો હતો. કંપનીએ કહ્યું કે, આ નિર્ણય વ્યાવસાયિક વિચારણાને બદલે રાજનીતી પ્રેરિત હતો. તેમણે કહ્યું કે, અલ જઝીરાની કાનૂની ટીમ ઈઝરાયેલ સરકારના નિર્ણયને પડકારતી અરજી તૈયાર કરી રહી છે.