Israel-Hamas War : ઈઝરાયેલમાં હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના મોત

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા હમાસના હુમલામાં US નાગરિકોના મોત થયાની પુષ્ટી કરી

બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત, 4000થી વધુ ઈજાગ્રસ્ત

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
Israel-Hamas War : ઈઝરાયેલમાં હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના મોત 1 - image

જેરુસલેમ, તા.09 ઓક્ટોબર-2023, સોમવાર

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન (Israel-Palestinians War)ના યુદ્ધમાં ભારે ખુંવારી સર્જાઈ છે. હમાસ (Hamas) આતંકવાદીઓના હુમલામાં 1000થી વધુ લોકોના મોત નિપજ્યા છે, તે સેંકડો ઈજાગ્રસ્ત થયા છે. હુમલાખોરોએ ઘણા ઈઝરાયેલી નાગરિકોને પણ બંધક બનાવ્યા છે. ઈઝરાયેલમાં જ્યાં જુઓ ત્યાં અફરાતફરી જોવા મળી રહી છે, ત્યારે અમેરિકી અધિકારીઓએ પુષ્ટી કરી છે કે, હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના પણ મોત નિપજ્યા છે. અમેરિકી અધિકારીઓએ ઘણા લોકોના મોત થયાના તેમજ ઘણાને બંધક બનાવાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.

ઈઝરાયેલમાં US નાગરિકોને શોધવાના પ્રયાસો : અમેરિકી વિદેશ વિભાગ

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યૂ મિલરે કહ્યું કે, હાલ અમે 9 અમેરિકી નાગરિકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. ઉપરાંત ઈઝરાયેલમાં અમેરિકી નાગરિકોને શોધવાના માટે ઈઝરાયેલ સાથે કામ કરી રહ્યા છીએ. દરમિયાન અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાને ટાંકીને સમાચાર એજન્સી એએફપીએ ગઈકાલે જણાવ્યું હતું કે, અમે ઘણા અમેરિકી નાગરિકોના મોતની પુષ્ટી કરીએ છીએ. પીડિતો તથા અસરગ્રસ્ત પરિવારો પ્રતિ અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

અમેરિકી રાષ્ટ્રપતિનો જહાજો-યુદ્ધ વિમાનો તૈનાત કરવાનો આદેશ

દરમિયાન આ ઘટનાઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને રવિવારે જ ઈઝરાયેલમાં અમેરિકી જહાજો અને યુદ્ધ વિમાનો તૈનાત કરવાનો આદેશ કર્યો છે, જેમાં સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, હમાસના હુમલાનો સામનો કરી રહેલ સહયોગી દેશ ઈઝરાયેલ માટે અમેરિકાનું અતુટ સમર્થન છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનના જણાવ્યા મુજબ, તેઓ અમેરિકી જહાજ યુએસએસ જેરાલ્ડ અને ફોર્ડને પૂર્વીય ભૂમધ્ય સાગરમાં મોકલી રહ્યા છે ઉપરાંત ફાયર ફાયટરની સ્ક્કડ્રોનની સંખ્યા પણ વધારી રહ્યા છીએ.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધનો આજે ત્રીજો દિવસ

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલ પણ આક્રમક જવાબ આપી રહ્યું છે. બંને દેશો તરફથી બોંબમારમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એટલું જ નહીં આતંકવાદીઓ રસ્તે-આવતા જતા હાથે ચડતા તમામનું અપહરણ કરી રહ્યા છે, તો મહિલાઓ પર પણ ક્રુરતા આચરવામાં આવી રહી છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ-પેલેસ્ટાઈનનું યુદ્ધ વિશ્વભર માટે ફરી મુસીબત બની શકે છે.

700 ઈઝરાયેલી, 450 પેલેસ્ટાઈનીઓના મોત

યુદ્ધની તાજેતરની સ્થિતિની વાત કરીએ તો ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે આજે યુદ્ધનો ત્રીજો દિવસ છે. શનિવારે ઈઝરાયેલના ઘણા શહેરોમાં પેલેસ્ટાઈની ગ્રુપ હમાસે ધડાધડ રોકેટ છોડ્યા બાદ અને પેરાશૂટમાં આવેલા આતંકવાદીઓ દ્વારા આડેધડ ગોળીબાર શરૂ કર્યા બાદ યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તો ઈઝરાયેલે પણ વળતો જવાબ આપતા ગાઝામાં હુમલો શરૂ કરી દીધો છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 700થી વધુ ઈઝરાયેલી અને 450 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે, તો હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે.


Google NewsGoogle News