એક જમીનના ટુકડા માટે ત્રણ ધર્મ વચ્ચે યુદ્ધ, જાણો શું છે ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ

ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પર સંદેશ જારી કરી યુદ્ધની જાહેરાત કરી

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
એક જમીનના ટુકડા માટે ત્રણ ધર્મ વચ્ચે યુદ્ધ, જાણો શું છે ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ 1 - image


Israel-Palestine Conflict: સાત વર્ષ બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ફરી વિવાદ વકર્યો છે. સતત થઇ રહેલી ગોળીબારી અને હવાઈ હુમલાઓ દ્વારા ફરી બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. આ પહેલીવાર નથી જ્યારે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ થયું હોય. 2021માં પણ બંને વચ્ચે યુદ્ધ થયું હતું. આ ઉપરાંત બંને દેશ વચ્ચે વર્ષ 2014માં પણ 50 દિવસીય યુદ્ધ ચાલ્યું હતું. તો આખરે ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે એવો શું વિવાદ છે કે જેના કારણે આ વખતે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે અથડામણ થઈ છે. બે દેશો ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષની વાર્તા શરૂ કરતા પહેલા આપણે આ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ જોઈએ. 

ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ - પરિચય

હકીકતમાં, ઇઝરાયેલ પ્રમાણમાં નાનો યહૂદી દેશ છે. ઈઝરાયેલની ઉત્તરે લેબનોન,  દક્ષિણમાં ઈજીપ્ત, જોર્ડન અને સીરિયા ઈઝરાયેલના પૂર્વમાં સ્થિત છે. જે વેસ્ટ બેંક તરીકે ઓળખાય છે. જ્યારે ઈઝરાયેલના પશ્ચિમ ભાગમાં ખૂબ જ પ્રખ્યાત 'મેડિટેરેનિયન સી' આવેલો છે. તેમજ દક્ષિણ પશ્ચિમે ગાઝા સ્ટ્રીપ આવેલી છે. વેસ્ટ બેંક અને ગાઝા સ્ટ્રીપને પેલેસ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે.

આ ભૌગોલિક પરિસ્થિતિ પરથી કહી શકાય કે ઈઝરાયેલ જે દેશોથી ઘેરાયેલું છે તે 'આરબ દેશો' તરીકે ઓળખાય છે. ઈઝરાયલની આસપાસ હાજર આ દેશો સિવાય અન્ય દેશો પણ આરબ ક્ષેત્રમાં સામેલ છે. આ તમામ આરબ દેશો સાથે મળીને ઈઝરાયેલ સામે હુમલો કરે છે, પરંતુ ઈઝરાયેલ ટેકનિકલી, લશ્કરી અને આર્થિક રીતે એટલું સક્ષમ છે કે તે એકલા હાથે તેની આસપાસના આ દેશોનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે.

આ તમામ આરબ દેશો એકસાથે પેલેસ્ટાઈનને સમર્થન આપે છે અને તેઓ ઈચ્છે છે કે અહીંથી યહૂદીઓનો સંપૂર્ણ સફાયો થઈ જાય અને આ આખો વિસ્તાર પેલેસ્ટાઈનને સોંપી દેવામાં આવે. આ તમામ આરબ દેશો ઈઝરાયેલનું અસ્તિત્વ ખતમ કરીને માત્ર પેલેસ્ટાઈનનું અસ્તિત્વ જાળવવા આતુર છે. તો હવે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને સમજવાનો પ્રયત્ન કરીએ.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષની પૃષ્ઠભૂમિ

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષની શરૂઆત કોઈ તાજેતરની ઘટના નથી, પરંતુ તે 19મી સદીના અંતમાં શરૂ થઈ હતી. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઓટોમન શાસનની હર બાદ પેલેસ્ટાઈન તરીકે જાણીતા આ ભાગને બ્રિટને તેના હસ્તક લીધો. એ સમયે ઈઝરાયેલ નામનો કોઈ દેશ અસ્તિત્વ ધરાવતો જ ન હતો. ઈઝરાયેલથી લઈને વેસ્ટ બેંક સુધીના વિસ્તારને પેલેસ્ટાઇન તરીકે જ ઓળખવામાં આવતો. ત્યાં અલ્પસંખ્યક યહૂદી અને બહુસંખ્યક અરબ લોકો વસવાટ કરતા હતા. જેમાં પેલેસ્ટાઇનના લોકો અહીના જ મૂળ નિવાસી હતા જયારે યહુદીઓ બહારથી આવી ને અહી વસવાટ કર્યા હોવાનું જાણવા મળે છે. 

પેલેસ્ટાઈન અને યહુદીઓ વચ્ચે વિવાદની શરૂઆત ત્યારે થઇ, જયારે બ્રિટનએ પેલેસ્ટાઈનને યહૂદી લોકો માટે 'નેશનલ હોમ' તરીકે સ્થાપિત કરવા કહ્યું. યહૂદીઓ માનતા હતા કે આ તેમના પૂર્વજોનું ઘર હતું. બીજી બાજુ, પેલેસ્ટિનિયન આરબો અહીં પેલેસ્ટાઈન નામનો નવો દેશ બનાવવા માંગતા હતા. તેમણે બ્રિટનના નવા દેશ બનાવવાના પગલાનો સખત વિરોધ કર્યો. આ રીતે પેલેસ્ટાઈન-ઈઝરાયેલ સંઘર્ષ શરૂ થયો.

નવો દેશ બનાવવાની શરુઆત 

1920 અને 1940 વચ્ચે યુરોપમાં યહૂદીઓ પર અત્યાચારો થયા હતા. યહૂદીઓ ત્યાંથી ભાગી ગયા અને દેશની શોધમાં અહીં આવવા લાગ્યા. યહૂદીઓ માનતા હતા કે આ તેમની માતૃભૂમિ છે અને તેઓ અહીં પોતાનો દેશ બનાવશે. આ દરમિયાન યહૂદીઓ અને પેલેસ્ટાઈન વચ્ચે હિંસા પણ થઈ હતી. 1947માં યુનાઈટેડ નેશન્સે યહૂદીઓ અને આરબો માટે અલગ દેશ બનાવવા માટે મત માંગ્યો. સંયુક્ત રાષ્ટ્રએ પણ કહ્યું કે જેરુસલેમને આંતરરાષ્ટ્રીય શહેર બનાવવામાં આવશે.

જો કે યહૂદીઓએ સંયુક્ત રાષ્ટ્રના આ નિવેદનનો સ્વીકાર કર્યો હતો, પરંતુ આરબ લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આ કારણોસર તેનો ક્યારેય અમલ થયો નથી. જ્યારે બ્રિટન દ્વારા આ સમસ્યાનો ઉકેલ ન આવી શક્યો ત્યારે તેને પીછેહઠ કરી. પછી 1948 માં, યહૂદી નેતાઓએ ઇઝરાયેલ બનાવવાની જાહેરાત કરી. પેલેસ્ટિનિયનોએ તેનો વિરોધ કર્યો અને આ રીતે બંને પક્ષો વચ્ચે પ્રથમ યુદ્ધ શરૂ થયું. યુદ્ધવિરામ અમલમાં આવ્યો ત્યાં સુધીમાં ઇઝરાયેલે જમીનનો એક મોટો હિસ્સો જીતી લીધો હતો.

જેરૂસલેમ પર વિવાદ

જોર્ડન અને ઇજિપ્ત જેવા આરબ દેશો પેલેસ્ટિનિયન લોકો માટે લડ્યા. પરંતુ તેમની હારને કારણે પેલેસ્ટાઈન એક નાના ભાગ સુધી સીમિત રહી ગયું. જોર્ડનના તાબામાં આવેલી જમીનનું નામ વેસ્ટ બેંક હતું. જ્યારે ઇજિપ્તના કબજામાં આવેલ વિસ્તારને ગાઝા પટ્ટી કહેવામાં આવતું હતું. તે જ સમયે, જેરુસલેમ શહેરને પશ્ચિમમાં ઇઝરાયેલી સુરક્ષા દળો અને પૂર્વમાં જોર્ડનના સુરક્ષા દળો વચ્ચે વહેંચવામાં આવ્યું હતું. આ બધુ કોઈપણ શાંતિ કરાર વિના કરવામાં આવ્યું હતું.

જ્યારે 1967 માં ફરીથી યુદ્ધ શરૂ થયું, ત્યારે આ સમયે ઇઝરાયેલે પૂર્વ જેરુસલેમ, પશ્ચિમ કાંઠે અને ગાઝા પટ્ટી પર કબજો કર્યો. ઇઝરાયેલ ગાઝામાંથી ખસી ગયું, પરંતુ પશ્ચિમ કાંઠે નિયંત્રણ ચાલુ રાખ્યું. ઇઝરાયેલ પૂર્વ જેરુસલેમને તેની રાજધાની તરીકે દાવો કરે છે, જ્યારે પેલેસ્ટિનિયન તેને તેમની ભાવિ રાજધાની માને છે. મોટાભાગના પેલેસ્ટિનિયન હજુ પણ પશ્ચિમ કાંઠે રહે છે, જ્યારે કેટલાક લોકો ગાઝા પટ્ટીમાં રહે છે.

જેરુસલેમ શહેર ત્રણેય ધર્મો, યહુદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અલ-અક્સા મસ્જિદ જેરુસલેમમાં હાજર છે, જે ઇસ્લામની સૌથી પવિત્ર મસ્જિદોમાંની એક માનવામાં આવે છે. અહીં ટેમ્પલ માઉન્ટ પણ છે, જ્યાં યહૂદી ધર્મના લોકો પ્રાર્થના કરે છે. તે જ સમયે, ચર્ચ ઓફ હોલી સ્પિરિટ જેરુસલેમમાં ખ્રિસ્તીઓના ક્વાર્ટરમાં હાજર છે, જે તેમનું મુખ્ય સ્થાન છે. આ સ્થાન ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાનની વાર્તાનું કેન્દ્ર છે. આ જ કારણ છે કે આ શહેરને લઈને ત્રણેય ધર્મના લોકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

એક જમીનના ટુકડા માટે ત્રણ ધર્મ વચ્ચે યુદ્ધ, જાણો શું છે ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ 2 - image

બંને પક્ષો વચ્ચે તાજેતરના વિવાદો

બે દેશો ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો હિંસક વિવાદ વર્ષ 2021માં ફરી શરૂ થયો, જ્યારે ઇઝરાયલી સૈનિકોએ પૂર્વ જેરૂસલેમમાં 'હરમ અલ શરીફ' નામની જગ્યા પર સ્થિત 'અલ અક્સા મસ્જિદ' પર હુમલો કર્યો. અલ અક્સા મસ્જિદ મક્કા અને મદીના પછી મુસ્લિમો માટે વિશ્વનું ત્રીજું પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી આ ઘટનાના વિરોધમાં હમાસ નામના આતંકવાદી સંગઠને ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ પર રોકેટ વડે હુમલા કરવામાં આવ્યા.

દરમિયાન, એ પણ નોંધનીય છે કે 2016 માં યુનેસ્કોએ અલ અક્સા મસ્જિદ પર યહૂદીઓના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે અલ અક્સા મસ્જિદ પર યહૂદીઓના કોઈપણ ધાર્મિક તત્વના પુરાવા મળ્યા નથી, તેથી આ યહૂદીઓનો કોઈ અધિકાર નથી. 

આ વિવાદ બાબતે પેલેસ્ટાઇનનો પક્ષ 

લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા પેલેસ્ટાઈનની ઈચ્છા છે કે ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠાનો સમગ્ર વિસ્તાર પેલેસ્ટાઈનને મળે અને આ વિસ્તાર પેલેસ્ટાઈનના શાસનમાં આવે.  

જેરુસલેમને બાબતે પેલેસ્ટાઈનનો મત છે કે જેરુસલેમને પશ્ચિમ અને પૂર્વ એમ બે ભાગમાં વહેંચવામાં આવવું જોઈએ. અલબત્ત, પશ્ચિમી ભાગ પર ઈઝરાયેલનું નિયંત્રણ સુનિશ્ચિત કરવું જોઈએ, પરંતુ જેરુસલેમનો આખો પૂર્વી ભાગ પેલેસ્ટાઈનને આપવો જોઈએ અને તેને પેલેસ્ટાઈનની રાજધાની તરીકે સ્વીકારવી જોઈએ.

આ વિવાદ બાબતે ઇઝરાયેલનો પક્ષ 

ઇઝરાયેલ એવું ઈચ્છે છે કે જેરુસલેમ માત્ર ઇઝરાયેલ જ તાબા હેઠળ આવે. તેમજ જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે સ્વીકારવામાં આવે અને ઇઝરાયેલને એક યહૂદી દેશ તરીકે વિશ્વમાં માન્યતા મળે. ઈઝરાયેલ દેશ જેરુસલેમ પર પોતાનો કોઈ પણ દાવો છોડવા તૈયાર નથી. હાલમાં ઈઝરાયેલની રાજધાની 'તેલ અવીવ' છે, પરંતુ ઈઝરાયેલ જેરુસલેમને વહેલી તકે મુખ્ય રાજધાની બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેરુસલેમ, ખાસ કરીને પૂર્વ જેરુસલેમ, યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ત્રણેય ધર્મોના લોકો માટે પવિત્ર સ્થળ છે. આ ધાર્મિક કારણ પણ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષનું એક મુખ્ય કારણ છે.

આ સંઘર્ષ પર ભારતની સ્થિતિ

આ સંઘર્ષ દરમિયાન ભારતે હંમેશા પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું છે. UNમાં જ્યારે પણ આ સંઘર્ષ સંબંધિત વિવાદ ઊભો થયો છે ત્યારે ભારતે પેલેસ્ટાઈનના પક્ષમાં મતદાન કર્યું છે. અહીં નોંધનીય બાબત એ છે કે 1992 AD પહેલા ભારતના ઇઝરાયેલ સાથે કુટનૈતિક સંબંધો ન હતા. 1992 AD માં પ્રથમ વખત, ભારતે ઇઝરાયેલ સાથે તેના કુટનૈતિક સંબંધોની શરૂઆત કરી. બંનેના વિવાદ પર ભારતનું મત બંને દેશને હિંસા છોડીને શાંતિથી વાતચીત કરીને સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. 


Google NewsGoogle News