કોણ છે આ 26 વર્ષની યુવતી, ઈઝરાયલે મારી ગોળી તો અમેરિકા અને તુર્કીની સરકારો ભડકી
Israel-Palestine War: ઇઝરાયેલી સૈનિકો ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર સતત હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન, ઇઝરાયેલના વેસ્ટ બેંકમાં વિરોધ કરી રહેલી એક તુર્કી-અમેરિકન વિદ્યાર્થિનીની ઇઝરાયલી સૈનિકોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના પર અમેરિકા અને તુર્કી બંને દેશો ઇઝરાયેલ પર ભડક્યા છે. વ્હાઇટ હાઉસે વિદ્યાર્થિનીના મૃત્યુ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. બીજી તરફ તુર્કીએ આ ઘટના માટે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુને જવાબદાર ઠેરવ્યા છે.
અધિકારીઓએ આપી માહિતી
પેલેસ્ટાઇનના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી સૈનિકોએ ઇઝરાયેલના કબજા હેઠળના વેસ્ટ બેંકમાં વિરોધ કરી રહેલી તુર્કી-અમેરિકન મહિલાની ગોળી મારીને હત્યા કરી હતી. મહિલાને માથામાં ગોળી વાગી હતી, જેના કારણે તેનું તરત જ મોત થયું હતું. નોંધનીય છે કે 26 વર્ષીય એસેનુર આઈગી છેલ્લા કેટલાક મહિનાઓથી ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઇ રહી હતી. તેની પાસે અમેરિકા અને તુર્કી બંને દેશોની નાગરિકતા હતી.
અમેરિકા અને તુર્કી બંને ભડક્યા
વિદ્યાર્થિનીની હત્યા પર અમેરિકા અને તુર્કી ઇઝરાયેલ પર ભડક્યા છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, તે આઇગીના મૃત્યુના સમાચારથી ખૂબ જ પરેશાન છે અને તેણે ઇઝરાયેલને તપાસ કરવા કહ્યું છે. બીજી તરફ, તુર્કીના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેને માથામાં ગોળી વાગી હતી અને તેના મૃત્યુ માટે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર જવાબદાર છે.