War Update| હમાસે 17 બંધકો છોડ્યાં, બદલામાં 39 પેલેસ્ટિની મુક્ત, યુદ્ધવિરામ આગળ વધ્યું
હમાસે મુક્ત કરેલા બંધકોના બીજા જથ્થામાં 13 ઈઝરાયલી અને 4 થાઈ નાગરિક
આ મુક્ત કરાયેલા લોકોની તેમના પરિજનો સાથે મુલાકાત કરાવાઈ
image : IANS |
Israel vs Hamas war | ઈઝરાયલ અને હમાસ વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતી હેઠળ હમાસે ઈઝરાયલી બંધકોના બીજા ગ્રૂપ (Israel Hostages Relesed) ને પણ મુક્ત કરી દીધો છે. અહેવાલ અનુસાર હમાસની કેદમાંથી મુક્ત કરાયેલા લોકોમાં 13 ઈઝરાયલી અને 4 થાઈ નાગરિકો સામેલ છે.
પરિજનો સાથે કરાવાઈ મુલાકાત
એક મહત્ત્વપૂર્ણ સમજૂતી હેઠળ આ મુક્ત કરાયેલા લોકોની તેમના પરિજનો સાથે મુલાકાત કરાવાઈ હતી. કતાર અને ઈજિપ્તની મધ્યસ્થતાને કારણે આ સમજૂતી સફળ રહી છે. આ સમજૂતી હેઠળ બંને તરફથી કેટલીક શરતોનું પાલન કરવાનું જરૂરી છે. જે હેઠળ 50 ઈઝરાયલી બંધકોના બદલામાં 150 પેલેસ્ટિની કેદીઓને ઈઝરાયલે મુક્ત કરવા પડશે.
રેડ ક્રોસ સમિતિને સોંપાયા ઈઝરાયલી બંધક
ટેલિવિઝન ફૂટેજમાં ઈજિપ્ત તરફથી બંધકોને ગાઝા છોડ્યા પછી રાફાહ સરહદ પાર કરતા બતાવાયા છે. હમાસે શનિવારે મોડી રાતે રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિને આ બંધકો સુપરત કર્યા હતા. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું કે મુક્ત કરાયેલા 13 ઈઝરાયલીઓમાંથી 6 મહિલાઓ અને સાત બાળકો તથા કિશોર સામેલ છે.
ઈઝરાયલે 39 પેલેસ્ટિનીઓને મુક્ત કર્યા
ઈઝરાયલે બંધકોના બદલામાં 33 સગીરો સહિત કુલ 39 પેલેસ્ટિની કેદીઓને મુક્ત કર્યા હતા. એક બસમાં તેમને વેસ્ટ બેન્કના બેતુનિયા શહેર લઈ જવાતી બસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાર દિવસ માટે યુદ્ધવિરામની સમજૂતી થઈ છે.