22 આરબ દેશો પેલેસ્ટાઈનની સાથે, ઈઝરાયેલ પર નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
22 આરબ દેશો પેલેસ્ટાઈનની સાથે, ઈઝરાયેલ પર નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો 1 - image

image : Socialmedia

કૈરો,તા.12 ઓક્ટોબર 2023,ગુરૂવાર

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે 22 આરબ દેશોના સમૂહ આરબ લીગે ઈઝરાયેલની ટીકા કરી છે.

હમાસે કરેલા આતંકી હુમલા બાદ વળતા પ્રહાર રૂપે ગાઝા પટ્ટીમાં ખાવા પીવાનો અને વીજળીનો સપ્લાય બંધ કરી દેવાયો છે ત્યારે હવે આરબ દેશો પેલેસ્ટાઈન અને હમાસના સમર્થનમાં બોલી રહ્યા છે. ઈજિપ્તમાં આરબ લીગની બેઠક યોજાઈ હતી. જેમાં આરબ દેશોના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો.

આરબ દેશોએ ઈઝરાયેલને વીજળી પાણી કાપી નાંખવાના નિર્ણયને પાછો લેવા માટે અપીલ કરી છે. કારણકે તેનાથી ગાઝાની હાલત બદતર બની ચૂકી છે. બીજી તરફ ઈઝરાયેલના હવાઈ હુમલા હજી પણ યથાવત છે.

આરબ દેશોએ કહ્યુ હતુ કે, ઈઝરાયેલ ગાઝા ફરતેની ઘેરાબંદી હટાવે તેમજ ગરીબ તેમજ ગીચ વસતી વાળા વિસ્તારોમાં વીજળી પાણીનો સપ્લાય ફરી શરૂ કરે. ઈઝરાયેલે જે નિર્ણય લીધો છે તે અન્યાયી છે. અમે પેલેસ્ટાઈનના લોકોની સાથે ઉભા છે. ઈઝરાયેલ ગાઝામાં નરસંહાર કરી રહ્યુ છે અને તેને તરંત રોકવામાં આવે.

આરબ લીગમાં જે 22 દેશો છે તેમાંસાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઇરાક, જોર્ડન, કુવૈત, લેબનોન, લિબિયા, મોરિટાનિયા, મોરોક્કો, ઓમાન, પેલેસ્ટાઇન, કતાર, સોમાલિયા, સુદાન, સીરિયા, ટ્યુનિશિયા, સંયુક્ત આરબ અમીરાત, યમન, અલ્જીરિયા, બહેરીન, કોમોરોસ અને જીબૂતીનો સમાવેશ થાય છે.

ઈજિપ્તમાં આરબ લીગની બેઠક પેલેસ્ટાઈનના કહેવા પર યોજવામાં આવી હતી. આરબ દેશોએ પેલેસ્ટાઈનને પૂર્ણ રાષ્ટ્રનો દરજ્જો આપવા માટે પણ માંગ કરીને કહ્યુ હતુ કે, ઈઝરાયેલે પેલેસ્ટાઈનના લોકોને તેમના અધિકારોથી વંચિત રાખીને તેમના પર સતત કબ્જો જમાવી રાખ્યો છે.


Google NewsGoogle News