39000 મોત, 17000 બાળકો અનાથ થયા બાદ પણ ઈઝરાયલનું નવું ફરમાન, ગાઝાવાસીઓમાં ફફડાટ
image:ians |
Israel Hamas War: ઈઝરાયલ દ્વારા ગાઝામાં હમાસ વિરુદ્ધ સતત સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. જો કે, ઈઝરાયલના સૈનિકો દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારત અને અમેરિકા સહિત વિશ્વના ઘણાં દેશોએ ગાઝામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકો પર ચિંતા વ્યક્ત કરી છે. આ દરમિયાન ઈઝરાયલે ગાઝામાં ફરમાન જાહેર કર્યું છે કે, 'લોકોએ ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવું.'
ખાન યુનિસમાં ઈઝરાયલી સેનાની કાર્યવાહી
ઈઝરાયલી સેના ખાન યુનિસ શહેરમાં હમાસના આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં મુવાસીના ભાગ પણ સામેલ છે. મુવાસીમાં ઘણાં કેમ્પ બનાવવામાં આવ્યા છે, જ્યાં હજારો લોકો રહે છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 'ખાન યુનિસની આસપાસના વિસ્તારોમાં ઈઝરાયલના હવાઈ હુમલામાં 70 લોકો માર્યા ગયા હતા.'
17,000 બાળકો અનાથ બન્યા છેઃ પેલેસ્ટાઈન
પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝામાં યુદ્ધને કારણે અત્યાર સુધીમાં 39,100થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. યુનાઈટેડ નેશન્સે ફેબ્રુઆરીમાં અંદાજ લગાવ્યો હતો કે આ પ્રદેશમાં લગભગ 17,000 બાળકો અનાથ થયા છે.
આ પણ વાંચો: દુનિયાના સૌથી ખતરનાક શહેરોની યાદીમાં પાકિસ્તાનનું આ શહેર બીજા ક્રમે, તો પહેલા ક્રમે કયું? જાણો
ઉલ્લેખનીય છે કે સાતમી ઓક્ટોબર 2023માં દક્ષિણ ઈઝરાયલ પર હમાસના આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા. હમાસે લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 115 લોકો હજુ પણ ગાઝામાં છે, જેમાંથી ત્રીજા ભાગના લોકો માર્યા ગયા છે.