Get The App

ગાઝાના શરણાર્થી શિબિર પર ઈઝરાયલનો મોટો હુમલો, 50 લોકોના મોત, હમાસનો વધુ પ્રમુખ ઠાર મરાયો

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
Israel Attack on Gaza


Israel Attack on Gaza : ઈઝરાયલની ગાઝા પટ્ટીમાં સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે વધુ એક હુમલામાં પેલેસ્ટાઈનના 50 લોકોના મોત થયા. જ્યારે હમાસના આતંકીઓ સાથેની સીધી લડાઈ વચ્ચે ઈઝરાયલી સેનાએ મંગળવારે ઉત્તર ગાઝાના જબાલિયા વિસ્તારમાં ચોતરફ ધાક જમાવી દીધી છે.

ઈઝરાયલી સેનાએ હમાસની એરિયલ યૂનિટના પ્રમુખના મોતની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, સમેર અબૂ દક્કા સપ્ટેમ્બરમાં હવાઈ હુમલામાં ઠાર મરાયો. પેલેસ્ટાઈન સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, જબાલિયાના અલ-ફાલુઝા નજીક ઈઝરાયલના હુમલામાં 17 લોકોના મોત થયા. ગાઝાના આઠ શરણાર્થી શિબિરોમાં જબાલિયા સૌથી મોટું છે. ખાન યૂનિસના બાની સુહૈલામાં એક ઘર પર મિસાઈલ હુમલામાં 10 લોકોના મોત થયા.

ગાઝા શહેરના સબરામાં ત્રણ ઘર ધ્વસ્ત

હવાઈ હુમલામાં ગાઝા શહેરના સબરામાં ત્રણ ઘર ધ્વસ્ત થયા. સ્થાનિક ઈમરજન્સી સેવા વિભાગે જણાવ્યું કે, અહીં બે મૃતદેહ મળી આવ્યા અને 12 લોકોની શોધખોળ ચાલી રહી છે. જ્યારે મધ્ય ગાઝાના નુસરત શિબિરમાં એક ઘર પર હુમલામાં આઠ લોકોના જીવ ગયા. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, અલ-ફાલુઝામાં ઈજાગ્રસ્તોની મદદ દરમિયાન ઈઝરાયલી હુમલામાં એક ડોક્ટરનું મોત થઈ ગયું.

એમ્બ્યુલન્સના આવવાથી અનેક સ્વાસ્થ્યકર્મી ઈજાગ્રસ્ત

આ પ્રકારે ઉત્તર ગાઝામાં હુમલાની ઝપેટમાં એક એમ્બ્યુલન્સ આવતા અનેક સ્વાસ્થ્યકર્મી ઈજાગ્રસ્ત થઈ ગયા. છેલ્લા 10 દિવસોથી જબાલિયા ઈઝરાયલી હુમલાના કેન્દ્રમાં છે. આ વચ્ચે, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારી કાર્યાલયે કહ્યું કે, 'એવું લાગે છે કે ઈઝરાયલી સેના ઉત્તર ગાઝાની બાકી ગાઝા પટ્ટીથી નસ્તેનાબૂદ કરવા માગે છે.'

ત્યારે, ઈઝરાયલના તેલ અવીવમાં મંગળવારે એક હાઈવે પર બંદૂકધારીએ કારો પર ફાયરિંગ કર્યું. જેમાં એક પોલીસ કર્મચારીનું મોત થઈ ગયું અને ચાર લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.

ઈઝરાયલને પીડા આપીશું : હિઝબુલ્લાહના ઉપ પ્રમુખ નઈમ કાસિમ

હિઝબુલ્લાહના ઉપ પ્રમુખ નઈમ કાસિમે ઈઝરાયલને પીડા આપવાની ધમકી આપવાની સાથે જ યુદ્ધ વિરામની અપીલ કરી છે. ઈરાન સમર્થિત આ સંગઠનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દક્ષિણ લેબેનોનમાં બંને વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. કાસિમે કહ્યું કે, 'સમાધાન યુદ્ધ વિરામ છે. અમે નબળા પડવાની સ્થિતિમાં આવું નથી કહી રહ્યા. જો ઈઝરાયલ એવું નથી ઈચ્છતું તો અમે તેને શરૂ રાખીશું.'

ઈઝરાયલ અમેરિકાનું સાંભળશે પરંતુ નિર્ણય ખુદ લેશે : નેતન્યાહૂ

ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના કાર્યાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, 'તેમનો દેશ અમેરિકાનું સાંભળશે, પરંતુ પોતાના રાષ્ટ્રહિત અનુસાર ખુદ નિર્ણય લેશે.' જણાવી દઈએ કે, એક ઓક્ટોબરના રોજ ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યો હતો.



Google NewsGoogle News