'ઈઝરાયલે કરેલી એર સ્ટ્રાઈક સફળ, ઈરાનને થયું મોટાપાયે નુકસાન', બોલ્યા પીએમ નેતન્યાહૂ
Israel Attack On Iran : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન પર કરાયેલી એર સ્ટ્રાઈકને સફળ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, હુમલાનો જે પણ ઉદ્દેશ્ય હતો, તે પૂરો થયો. હાલમાં જ ઈઝરાયલે ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર ઈરાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલા પર ઈરાને કહ્યું કે, તેને વધારે નુકસાન થયું નથી, પરંતુ ઈઝરાયલના વડાપ્રાધાને તેનો ઈન્કાર કરવો પડ્યો.
ઓપરેશનથી ઈઝરાયલની સુરક્ષા અને ભાવિ વ્યૂહરચના મજબૂત
વડાપ્રધાન નેતન્યાહુએ તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ સફળતા તરીકે રજૂ કર્યું અને કહ્યું કે, આ ઓપરેશનથી ઈઝરાયલની સુરક્ષા અને ભાવિ વ્યૂહરચના મજબૂત થઈ છે. આ હુમલો ઈઝરાયલની સુરક્ષા માટે સીધો ખતરો ગણતા ઈરાનના મુખ્ય વિસ્તારો પર કરવામાં આવ્યો.
ઈઝરાયલ પોતાની રક્ષા માટે આવશ્યક પગલા લેશે
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું માનવું છે કે, આ હુમલો મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધારી શકે છે. પરંતુ, નેતન્યાહૂએ જોર દઈને કહ્યું કે, આ ઓપરેશન માત્ર આત્મરક્ષાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો. ઈઝરાયલ પોતાની રક્ષા માટે આવશ્યક પગલા લેશે.
ઈરાને આ મામલાની નિંદા કરી અને આરોપ લગાવ્યો કે, ઈઝરાયલ આ પ્રકારના હુમલાથી પ્રાદેશિક અસ્થિરતાને પ્રોત્સાહન આપે છે. નિષ્ણાતો પ્રમાણે, આ ઘટનાથી ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના લાંબા ગાળાના વ્યૂહાત્મક યુદ્ધનો આ માત્ર એક ભાગ છે.
આ પણ વાંચો : વધુ એક મહાયુદ્ધના ભણકારા? USની ચેતવણી છતાં પીછેહટ કરવા તૈયાર નથી ઈરાન, ઈઝરાયલ પણ તૈયાર
ઈરાનના વિદેશ મંત્રાલયે હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે, દેશ બહારથી કરાતા હુમલાની સામે રક્ષા કરવા માટે હકદાર છે. તેઓ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે તેમની જવાબદારી સારી રીતે સમજે છે.