પેજર બ્લાસ્ટ પછી અમેરિકા પણ ફફડી ગયું, ચીન પર પ્રતિબંધોની તૈયારી; જાણો શું છે કારણ
Pager Blast : તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા લેબેનોનમાં જે પ્રકારે સિલસિલાબંધ પેજર બ્લાસ્ટ અને વોકી-ટોકી બ્લાસ્ટ કરવામાં આવ્યા, એ જોઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા જાસૂસીનું કામ થઈ શકે છે, એ તો વર્ષોથી જાણીતી બાબત છે, પરંતુ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે બોમ્બ ધડાકા કરીને જાનમાલની ખુવારી પણ કરી શકાય છે, એ દુનિયાએ પહેલીવાર જાણ્યું. લેબેનીઝ જૂથ હિઝબુલ્લાહના લડવૈયાઓને નિશાન બનાવીને કરાયેલા હુમલાઓમાં ડઝનેક લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા. ટેક્નોલોજીનો આવો ખતરનાક અને લોહીયાળ ઉપયોગ જોઈને અમેરિકા પણ ફફડી ગયું છે.
આ કારણસર અમેરિકા ફફડી ગયું છે
વોકીટોકી અને પેજર જેવા નાનનડા ડિવાઇસ વડે આટલી હદે બોમ્બ ધડાકા કરી શકાતા હોય તો પછી મોટા વાહનો વડે તો કેટલી હદે તારાજી સર્જી શકાય? વિદેશથી આયાત થતા વાહનોમાં સલામતીનો શો ભરોસો? બસ, આવા જ વિચારે અમેરિકા ફફડી ગયું છે, કેમ કે અમેરિકા પોતાના કટ્ટર સ્પર્ધક ચીન પાસેથી લાખોની સંખ્યામાં વાહનો ખરીદે છે. ન કરે નારાયણ ને ચીન-અમેરિકા વચ્ચે કોઈ મુદ્દે અંટસ પડી ને ચીનથી આયાત કરેલા વાહનોમાંય લેબેનોનમાં થયું એમ બોમ્બ ધડાકા થયા તો? બોમ્બ ધડાકો ન સહી ચીને કારમાં લગાડેલ સોફ્ટવેર જ કરપ્ટ કરી નાંખ્યા તો? વાહનો ચાલકોના કાબૂમાં ન રહે અને અકસ્માત પર અકસ્માત… અમેરિકાનો આવો ડર વાજબી છે.
આ પણ વાંચો : પેજર-વોકીટોકી બ્લાસ્ટના લીધે ઇરાનમાં ડર ફેલાયો
આ દિશામાં શું પગલું ભરશે અમેરિકા?
દેશમાં ચાલતા આયાતી વાહનોમાં ચાઇનીઝ સોફ્ટવેર અને હાર્ડવેર પર પ્રતિબંધ મૂકવાનું અમેરિકા વિચારી રહ્યું છે. અમેરિકન રસ્તાઓ પર દોડતા લગભગ તમામ વાહનોમાં ઓનબોર્ડ નેટવર્ક હાર્ડવેર હોય છે જે ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરે છે. એની મદદથી વાહનની અંદર અને બહાર બંને રીતે ઉપકરણ સાથે ડેટા શેર કરી શકાય છે. ચીનની ઓટો અને ટેક કંપનીઓ યુએસમાં વાહનોનું પરીક્ષણ કરતી વખતે સંવેદનશીલ ડેટા એકત્રિત કરી લે અને ભવિષ્યમાં એનો ઉપયોગ અન્ય કામ માટે કરે, એવી શક્યતા ખરી. એ જ કારણસર ફેબ્રુઆરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન પાસેથી ખરીદેલા વાહનોના સુરક્ષા જોખમોની તપાસનો આદેશ આપ્યો હતો.
ચીન જરાય ભરોસાપાત્ર નથી
અમેરિકા વર્ષોથી ચીન પર આરોપ લગાવતું આવ્યું છે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને ચીન અમેરિકાની જાસૂસીનું કામ કરે છે. ચીન આવા આરોપોને નકારતું આવ્યું છે. ગયા વર્ષે એક બ્રિટિશ મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુપ્તચર અધિકારીઓને ચીની સ્પાયવેર વિશે શંકા હતી, જેથી તેમણે સરકારી અને રાજદ્વારી વાહનોની તપાસ કરાવી હતી. તપાસમાં એક સિમ કાર્ડ મળ્યું હતું જે વાહનનું લોકેશન ગુપ્તરીતે બીજે સ્થાને મોકલી શકવાની ક્ષમતા ધરાવતું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે એ ઉપકરણ ચીનના સપ્લાયર પાસેથી ખરીદવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ઈરાનને યુદ્ધમાં ધકેલવાનું કાવતરું ઘડી રહ્યું ઈઝરાયલ: ઈરાની પ્રમુખ પેજેશ્કિયનનું નિવેદન
આસાન નથી રોકથામ
દુનિયામાં દરરોજ લાખો-કરોડોની માત્રામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોની હેરફેર થતી હોય છે ત્યારે પ્રત્યેક દેશ માટે પ્રત્યેક કન્ટેનરમાંની પ્રત્યેક ચીજ ખોલીને એની ઝીણવટપૂર્વક તપાસ કરવાનું કામ પ્રેક્ટિકલી શક્ય નથી. એમ કરવામાં સમય અને નાણાંનો પુષ્કળ વ્યય થાય એમ છે, અને સપ્લાય ચેઇનમાં ભંગ થવાનું જોખમ પણ વધે છે, જેની પ્રતિકૂળ અસર આખી દુનિયા પર પડી શકે એમ છે.
ઘરઆંગણે મબલખ માત્રામાં ઉત્પાદન કરતું ચીન માલસામાનના વૈશ્વિક વ્યાપારમાં મોટી હિસ્સેદારી ધરાવે છે. ચીનની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર અમેરિકા સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવે એવી શક્યતા ઓછી છે. હા, બહાર આવતા માલસામાનના શિપમેન્ટની તપાસ વધારી શકાય ખરી.
પેજર બ્લાસ્ટથી ચીન પણ ચિંતામાં
પેજર બ્લાસ્ટ બાદ અમેરિકા સતર્ક થઈ ગયું છે તો ચીન પણ સાવધ થઈ ગયું છે. અમેરિકા અને તાઈવાન જેવા દેશોમાંથી આવતી ઈલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન પ્રોડક્ટ્સને ચીન પણ ઉપયોગમાં લે છે, તેથી ચીન હવે એ બાબતે શંકાશીલ બની રહ્યું છે કે, ક્યાંક એ પ્રોડક્ટ્સ દ્વારા ચીનની જાસૂસી તો નથી કરવામાં આવી રહી-ને! ચીનનો બહોળો વર્ગ માને છે કે ઈઝરાયેલે લેબેનોનમાં જે કાંડ કર્યો એમાં ઈઝરાયેલ સાથે તાઈવાન અને એના કાયમના સાથી એવા અમેરિકાની પણ મિલિભગત છે. તેથી આજે લેબેનોનમાં જે બન્યું એ ભવિષ્યમાં ચીનમાં પણ બની શકે, એવી ચિંતા ચીનને સતાવી રહી છે.
અ બધી બબાલમાં કોણ સાચું ને કોણ ખોટું એ તો ભગવાન જાણે, પણ એ હકીકત છે કે ઈઝરાયેલે દુનિયાને દેખાડેલો તબાહીનો નવો રસ્તો અખત્યાર કરવામાં હવે ખમતીધર દેશો પાછળ નહીં રહે. આજે નિર્દોષ જણાતા ઉપકરણ કે વાહનના સોફ્ટવેર કે હાર્ડવેરમાં એવી કંઈક છેડછાડ કરવામાં આવી શકે જેનો ઉપયોગ ભવિષ્યમાં મોટો વિનાશ સર્જવા માટે થઈ શકે. જૈવિક હથિયારો અને ન્યુક્લિઅર બોમ્બનો ભય ઓછો હતો તે માનવજાત હવે આ નવો રાક્ષસ પેદા કરી બેઠી છે!