ઇઝરાયલે સીરીયા પર જોરદાર હુમલા શરૂ કરી દીધા છે લેબેનોન સરહદે રહેલી શસ્ત્ર ઉત્પાદક ફેકટરી તોડી નાખી
- ગાઝા પટ્ટીમાં હમાસ લગભગ ખતમ થઇ ગયા છે
- દક્ષિણ સીરીયામાં ઇઝરાયલી હુમલામાં ૧૬નાં મોત, અસંખ્ય ઘાયલ : ઇઝરાયલે અનેક આતંકીઓનો ખાત્મો કર્યો
તેલ અવીવ : ઇઝરાયલનાં વાયુદળે કહ્યું હતું કે તેણે સીરીયામાં કરેલા હુમલામાં ૧૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતા. બીજી તરફ ઇઝરાયલ ભૂમિદળે ત્રાસવાદીઓની કેટલીયે છાવણીઓ ઉપર હુમલા કર્યા હતા અને કેટલાયે ત્રાસવાદીઓનો ખાત્મો કરી નાખ્યો હતો. તેઓ ઇઝરાયલ પર હુમલા કરવાની તૈયારી કરતા હતા. તેવી તેલ-અવીવને સ્પષ્ટ જાસૂસી માહિતી મળી ગઈ હતી. જો કે ઇઝરાયલી ભૂમિદળે કેટલા ત્રાસવાદીઓનો ખાત્મો કર્યો હતો. તેની સંખ્યા દર્શાવી ન હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે ઇઝરાયલનાં એલિટ ફોર્સે સીરીયામાં જોરદાર આક્રમણ કરી, સીરીયા-લેબેનોન સરહદે રહેલી સીરીયાની શસ્ત્ર ઉત્પાદક ફેકટરીનો નાશ કર્યો હતો. આ આક્રમણ તેણે રવિવારે કર્યું હતું પરંતુ તેના અહેવાલો હજી હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે.
સીરીયાની સ્ટેટ ન્યૂઝ એજન્સી 'સાના'એ જણાવ્યું હતું કે ઇઝરાયલ સેનાએ સીરીયાના મધ્યસ્થ ભાગમાં રહેલી લશ્કરી છાવણીઓ ઉપર પણ હુમલા કર્યા હતા. સાનાએ માત્ર આટલી જ વિગતો આપી હતી. કેટલા માર્યા ગયા અને કેટલા ઘાયલ થયા હતા. તેમ જ ઇઝરાયલી સૈન્યના કેટલાય સૈનિકો માર્યા ગયા હતા તે જણાવ્યું ન હતું.
ઇઝરાયલે હવે તેનું યુદ્ધ ઉત્તરે લેબેનોન અને સીરીયા તરફ વાળ્યું છે તેમ કહેતાં નિરીક્ષકો જણાવે છે કે ગાઝા પટ્ટી અને વેસ્ટ બેન્ક વિસ્તારમાં હમાસનો લગભગ ખાતમો થઇ ગયો હોવાથી, ઇઝરાયલે તેની તોપો સીરીયા અને દક્ષિણ લેબેનોન તરફ ફેરવી છે. ઇઝારયલને શસ્ત્રોની તો કોઈ ખેંચ નથી. અમેરિકા અને યુરોપના દેશો સ્ટીમરો ભરીને શસ્ત્રો આપે છે. અમેરિકા અને યુરોપના સ્વયં સેવકો તરીકે તેના સૈનિકો મોકલી માનવબળ પણ પૂરૂં પાડે છે.