100 વૉર પ્લેન, F-35 ફાઈટર જેટ...2000 કિ.મી. દૂરથી ઈઝરાયલે ઈરાનને હચમચાવી મૂક્યું
Israel vs Iran War Updates | ઈઝરાયલે શનિવારે વહેલી સવારે ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો. ઈઝરાયલી સેનાએ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે ઈરાનના સૈન્ય મથકો સહિત તેહરાન અને આસપાસના શહેરો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના સ્થાનિક મીડિયા અનુસાર ઈઝરાયલની સેનાએ ઈરાન પર હુમલો કરવા માટે 100થી વધુ ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. ઈઝરાયલની આ કાર્યવાહીને ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે કરવામાં આવેલા હુમલાના જવાબ તરીકે જોવામાં આવી રહી છે.
અમેરિકા આ ઓપરેશનમાં સામેલ નહોતું
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર શનિવારના હુમલામાં 100 થી વધુ ઈઝરાયેલી લડાકૂ વિમાનોએ ભાગ લીધો હતો. 2000 કિમી દૂરથી કરવામાં આવેલા આ હુમલામાં F-35 ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર હુમલા પહેલા અમેરિકાને જાણ કરવામાં આવી હતી પરંતુ તે ઓપરેશનમાં સામેલ નહોતું.
'પરમાણુ સ્થળો અને તેલ ક્ષેત્રો પર કોઈ હુમલો નહીં'
ઈઝરાયલી મીડિયા અનુસાર એક ઈઝરાયલી અધિકારીએ કહ્યું કે ઈઝરાયલે ઈરાની પરમાણુ સ્થળો અથવા તેલ ક્ષેત્રો પર કોઈ હુમલા નથી કર્યા. તેનું ધ્યાન લશ્કરી ઉદ્દેશ્યો પર છે. ઈઝરાયલની સેનાએ પણ પુષ્ટિ કરી છે કે તેઓ સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવી રહ્યા છે.
તો પછી ક્યાં હુમલા કર્યા?
અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, 'અમે એવી વસ્તુઓને ટાર્ગેટ કરી રહ્યા છીએ જે ભૂતકાળમાં અમારા માટે ખતરો બની શકે છે અથવા ભવિષ્યમાં ખતરો બની શકે છે.' ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓ સામે ઈઝરાયલની કાર્યવાહીને સમર્થન આપતી વખતે જો બાઈડેનની અમેરિકન સરકારે ઈઝરાયલને આવા લક્ષ્યો પર હુમલો ન કરવા વિનંતી કરી હતી.