ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં કયો દેશ કોની તરફેણમાં? આ મુસ્લિમ દેશો યહૂદી દેશના સમર્થનમાં!
Israel-Iran War : મધ્ય-પૂર્વના દેશો યુદ્ધો અને ગૃહયુદ્ધોનો લાંબો ઈતિહાસ ધરાવે છે. એ લિસ્ટમાં તાજું સ્થાન મેળવ્યું છે ઈઝરાયલ-હમાસ યુદ્ધે, જે ઑક્ટોબર 2023માં શરૂ થયું હતું અને હવે અન્ય દેશોમાં પણ ફેલાવા લાગ્યું છે. શનિવારે ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કરીને ઈરાન પણ આ યુદ્ધમાં કૂદી પડ્યું છે. અમેરિકાએ ઈરાનને ગંભીર ચેતવણી આપતાં આ જંગમાં અમેરિકી મોરચો ખુલવાના ભણકારા પણ વાગવા લાગ્યા છે. આ લડાઈમાં અમેરિકાએ ઝુકાવ્યું તો બીજા દેશો પણ વહેલા-મોડા એમાં કુદવાના જ છે. ચાલો જાણીએ કે એલાન-એ-જંગની આ સ્થિતિમાં મધ્ય-પૂર્વના અન્ય દેશો તથા વિશ્વના બીજા દેશો કોના પક્ષે છે.
યુદ્ધમાં ઈઝરાયલની ભૂમિકા અને એના સાથી દેશો
ઑક્ટોબર 2023 માં હમાસ દ્વારા થયેલા મિસાઇલ હુમલા પછી ઇઝરાયેલ બહુમુખી યુદ્ધ લડતું રહ્યું છે. ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસ, લેબનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુથી બળવાખોરો સામે લડી રહ્યું છે. હવે તેનો સીધો સંઘર્ષ ઈરાન સાથે થઈ રહ્યો છે. આ યુદ્ધમાં ઈઝરાયલના સાથી દેશો છે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જોર્ડન, સાઉદી અરેબિયા અને યુ.એ.ઈ.
યુદ્ધમાં ઈરાનની ભૂમિકા અને એના સાથી દેશો
હજુ થોડા દિવસો અગાઉ સુધી ઈરાન ઈઝરાયલ સાથે સીધા યુદ્ધમાં ઉતર્યું નહોતું. ઈરાન બીજા દેશોના ખભા પર બંદૂક રાખીને ઈઝરાયલ વિરુદ્ધ ફોડતું હતું, પરંતુ શનિવારના મિસાઈલ હુમલા પછી ઈરાન યુદ્ધમાં સક્રિય થયું છે. થોડા મહિના પહેલા ઈઝરાયલે સીરિયામાં ઈરાની દૂતાવાસ પર હુમલો કર્યો હતો, જેમાં ઈરાનના વરિષ્ઠ કમાન્ડર અને અધિકારીઓ માર્યા ગયા હતા. એ કારણે ઈરાન ગુસ્સે ભરાયું હતું અને વળતા હુમલાની તાકમાં હતું. ઈરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાનું રહસ્યમય મૃત્યુ થયું હતું, એ માટે પણ ઈરાન ઈઝરાયલને જવાબદાર માને છે. ઈઝરાયલ સામેની આરપારની લડાઈમાં ઈરાનને સીરિયા, પેલેસ્ટાઇન, લેબેનોન જેવા દેશોનો ટેકો છે. ઈરાક અને યમનના ઉગ્રવાદી સમૂહો પણ ઈરાનને પક્ષે છે.
મધ્ય-પૂર્વના ઘણા દેશો ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંતુલન જાળવી રાખવાની કોશિશ કરતા રહે છે. ચાલો જોઈએ કે મધ્ય-પૂર્વમાં બિછાયેલી યુદ્ધની ચોપાટ પર કયો દેશ કેવી ભૂમિકા ભજવી રહ્યો છે.
સાઉદી અરેબિયા
ઈઝરાયલ-હમાસના યુદ્ધથી જો કોઈને મોટું વ્યૂહાત્મક નુકસાન થયું હોય તો તે સાઉદી અરેબિયા છે. સાઉદી અરેબિયા ઇઝરાયેલ સાથે શાંતિ સ્થાપવાના માર્ગે હતું, શાંતિ સમજૂતી માટેની વાટાઘાટો લગભગ અંતિમ તબક્કામાં પહોંચી રહી હતી. એ દરમિયાન હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો અને સાઉદીની શાંતિ યોજના ખોરવાઈ ગઈ. સાઉદી અરેબિયાએ દુનિયાને દેખાડવા માટે હુમલા બદલ ઈઝરાયલની નિંદા કરી છે, પણ પડદા પાછળ એ ઈઝરાયલનું સમર્થન જ કરે છે.
જોર્ડન
સાઉદી અરેબિયાની જેમ જોર્ડન પણ ગંભીર રાજકીય સંકટમાં છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઈરાનના મિલિશિયા દળો(કટોકટીના સમયમાં લડતાં રિઝર્વ સૈનિકોનો સમૂહ)એ જોર્ડનમાં હાજર અમેરિકી સૈન્ય મથક પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ સૈનિકોના મોત થયા હતા. એ પછી જોર્ડન પણ યુદ્ધના જોખમ હેઠળ આવી ગયું હતું. જોર્ડન અને ઈઝરાયલ વચ્ચે શાંતિ કરાર હોવાથી જોર્ડન ઇઝરાયેલ તરફ ઢળેલું રહે છે.
કતાર
નાના કદનું કતાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં મધ્યસ્થી કરવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. એક તરફ કતાર ઇઝરાયેલના બંધકોને હમાસની કેદમાંથી મુક્ત કરવા માટેના પ્રયાસ પણ કરે છે, તો બીજી બાજુ કતાર (હવે માર્યા ગયેલા) હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાને પોતાની ભૂમિ પર આશ્રય પણ આપે છે. ઈઝરાયલનું ઉપરાણું લેતું કતાર ઈરાન સાથે પણ સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે.
ઈરાક
શિયા-સુન્ની મુદ્દે આમ તો ઈરાન અને ઈરાક વચ્ચે સંઘર્ષપૂર્ણ સંબંધો છે, પણ બંને દેશના ઉગ્રવાદીઓ એકમેકના દેશમાં શરણ લેતા રહે છે. અમેરિકાના લશ્કરી થાણાઓને નિશાન બનાવીને તેઓ અટકચાળા કરતા રહે છે. કેટલાક ઇરાકી સશસ્ત્ર જૂથોએ ચેતવણી આપી છે કે જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો તેઓ ઇરાક સ્થિત અમેરિકી લક્ષ્યો અને સૈન્ય દળો પર હુમલો કરતા નહીં અચકાય.
સીરિયા
સીરિયાનું સ્ટેન્ડ પણ અદ્દલ ઈરાક જેવું જ છે. સીરિયા તો જોકે ખુલ્લેઆમ ઈરાનને ટેકો આપે છે, એટલે એ વહેલુંમોડું આ યુદ્ધમાં સક્રિય થશે જ, એવું યુદ્ધ-નિષ્ણાતો કહે છે.
તુર્કીયે
મુસ્લિમ વિશ્વનું નેતૃત્વ કરવાનો ચાળો ચઢેલો હોવાથી તુર્કિયેએ આ યુદ્ધ છેડવા બદલ ઇઝરાયેલની ટીકા કરી છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન આમ પણ ઈઝરાયલ વિરોધી વલણ ધરાવે છે. ગાઝા પર ઈઝરાયલના હુમલા બાદ તુર્કીયે પેલેસ્ટાઈનને મોટાપાયે મદદ કરતું રહ્યું છે, જેને લીધે અમેરિકા સાથે પણ તુર્કીયેના સંબંધો તંગ થઈ ગયા છે. વર્ષ 2024ની શરૂઆતમાં તુર્કીયેએ ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના 30 જાસૂસોની ધરપકડ કરી હતી, ત્યારથી બંને દેશો વચ્ચે સવિશેષ બગડ્યું છે.
ઈજિપ્ત
ઈજિપ્ત અને ઈઝરાયલ વચ્ચે 1979માં શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, પરંતુ એ પછી બંનેના સંબંધ બગડ્યા હતા. હાલમાં પણ એમના સંબંધો ખોરવાયેલા જ છે. અત્યાર સુધી તો ઈજિપ્તે સ્પષ્ટપણે ઈઝરાયલ કે ઈરાન કોઈને સમર્થન આપ્યું નથી. જોકે, ઈજિપ્તે ગાઝા સાથેના આવાગમનના રસ્તા બંધ કરી દીધા છે.