Get The App

'શેમ ઓન યુ...' નારાજ ઈઝરાયલીઓની નેતન્યાહૂ સામે નારેબાજી, યુદ્ધથી બંને દેશોની પ્રજા કંટાળી

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
'શેમ ઓન યુ...' નારાજ ઈઝરાયલીઓની નેતન્યાહૂ સામે નારેબાજી, યુદ્ધથી બંને દેશોની પ્રજા કંટાળી 1 - image


- બંધકોને હજુ સુધી છોડાવી નથી શક્યા, 'શેમ ઓન યુ'નો સૂત્રોચ્ચાર થતાં નેતન્યાહુએ ભાષણ અધવચ્ચે પડતું મુકવું પડયું

- ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામનેઈ બીમાર હોવાથી પુત્ર મોજતબા ઉત્તરાધિકારી બને તેવી શક્યતા હોવાનો દાવો

- ઈઝરાયલના હુમલાએ ઈરાનમાં પરમાણુ પ્લાન્ટનો નાશ કરવા સહિત મોટાપાયે નુકસાન કર્યું ઃ નેતન્યાહુ

- ઇઝરાયલે હુમલો કરીને મોટી ભૂલ કરી છે, દુશ્મન જાણતો નથી કે આપણે કેટલા શક્તિશાળી છીએ ઃ ખામનેઈ

Iran vs Israel War Updates : ગાઝામાં હમાસના આતંકીઓ સામે ઈઝરાયલનું યુદ્ધ મધ્ય-પૂર્વમાં વધુ વિસ્તર્યું છે અને હવે ઈરાન પણ ઈઝરાયલના હુમલાની ઝપેટમાં આવી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ઈરાન પર શનિવારે થયેલા હુમલાને સફળ ગણાવ્યા હતા. જોકે, આ અંગે ભાષણ આપતી વખતે નેતન્યાહુ વિરુદ્ધ જ ઈઝરાયલની પ્રજાએ 'શેમ ઓન યુ'નો સૂત્રોચ્ચાર કરતા તેમણે ભાષણ પડતુ મુકવું પડયું હતું. બીજીબાજુ ઈરાનમાં પણ ટોચના ધાર્મિક વડા આયાતોલ્લાહ ખામનેઈ પદ પરથી દૂર થઈ રહ્યા હોવાના અહેવાલો છે. આ માટે તેમની કટ્ટરવાદી વિચારસરણી સામે પ્રજાનો રોષ કારણભૂત હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

હમાસના આતંકીઓએ ગયા વર્ષે ઈઝરાયલ પર અચાનક હુમલો કરીને 1200 લોકોને મારી નાંખ્યા હતા અને 250 લોકોના અપહરણ કરી ગાઝામાં લઈ ગયા હતા. એક વર્ષ થઈ જવા છતાં ઈઝરાયલ હજુ સુધી તેના બંધક નાગરિકોને હમાસના આતંકીઓ પાસેથી છોડાવી શક્યું નથી. જોકે, ઈરાનના 1 ઑક્ટોબરના હુમલાના જવાબમાં ઈઝરાયલે શનિવારે વહેલી સવારે ઈરાનના ત્રણ સ્થળો પર 100થી વધુ ફાઈટર જેટ્સથી હુમલા કરી મોટું નુકસાન પહોંચાડયું હતું.

હમાસના આતંકીઓના ઈઝરાયલ પર હુમલાને એક વર્ષ પૂરું થયું છે ત્યારે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં યોજાયેલી સભાને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સંબોધન કરી રહ્યા હતા. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું. તેમણે કહ્યું, ઈરાન પર શનિવારે વહેલી સવારે થયેલા હુમલાએ તેનું લક્ષ્ય પૂરું કર્યું છે. ઈરાનને મોટાપાયે નુકસાન થયું છે. જોકે, આ જ સમયે કેટલાક લોકોએ 'શેમ ઓન યુ'નો સૂત્રોચ્ચાર કર્યો હતો, જેથી નેતન્યાહુએ તેમનું ભાષણ અધવચ્ચે રોકવું પડયું હતું.

નેતન્યાહુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારા લોકો હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો હતા. આ દેખાવોમાં હમાસના આતંકીઓએ અપહ્યત કરેલા ઈઝરાયલી નાગરિકોના પરિવારજનો પણ જોડાયા હતા. તેઓ હમાસના આતંકી હુમલાને રોકી નહીં શકવા માટે નેતન્યાહુને જવાબદાર માને છે.  હમાસના આતંકીઓએ જેમના અપહરણ કર્યા છે તે લોકોના પરિવારજનો પણ આ દેખાવોમાં જોડાયા હતા. આમ, બંધકોને છોડાવવામાં નિષ્ફળતા બદલ નેતન્યાહુ વિરુદ્ધ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.

બીજીબાજુ ઈરાન પર ઈઝરાયલના હુમલાના 24 કલાક પછી તહેરાનમાં તેના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામનેઈ નિવૃત્ત થઈ રહ્યા હોવાના સમાચારે ભારે હોબાળો મચાવી દીધો છે. એટલું જ નહીં ઉતાવળે ખામનેઈના ઉત્તરાધિકારીની શોધખોળ પણ શરૂ કરી દેવાઈ છે. સૂત્રો મુજબ આયાતોલ્લાહ ખામનેઈની કટ્ટર વિચારસરણી મુદ્દે સ્થાનિક પ્રજામાં ભારે રોષ ફેલાયેલો છે. જોકે, કેટલાક સૂત્રોનો દાવો છે કે ઈરાનના ૮૫ વર્ષીય સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામનેઈ ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. તેથી તેમના ઉત્તરાધિકારીની શોધ કરાઈ રહી છે.

અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરાયો છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામનેઈ ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. હવે તેમના બીજા સૌથી મોટા પુત્ર મોજતબા ખામનેઈને ઉત્તરાધિકારી બનાવાય તેવી શક્યતા છે. આયાતોલ્લાહ ખામનેઈના ઉત્તરાધિકારીની પસંદગીમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ પણ મહત્વની ભૂમિકા ભજવશે.

દરમિયાન આયાતોલ્લાહ ખામનેઈએ રવિવારે કહ્યું હતું કે, ઈઝરાયલે તેના હુમલામાં ઈરાનને થયેલા નુકસાન અંગે વધારીને વાત ના કરવી જોઈએ અને ઈરાને આ હુમલાને ઓછો આંકવો જોઈએ નહીં. આ હુમલા પછી ઈરાન કેવો જવાબ આપશે તે દેશની સરકાર નક્કી કરશે. જોકે, ઈઝરાયલે ઈરાની રાષ્ટ્ર અને તેના યુવાનોની ઈચ્છાશક્તિ અને પહેલની અવગણના ના કરવી જોઈએ. ઈરાનના વિદેશ મંત્રાલયે પણ આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યા હતા. ઈરાનના અધિકારીએ કહ્યું કે, ઈઝરાયલના હુમલાના પગલે તેમની પાસે જવાબ આપવાનો અધિકાર છે. જોકે, ઈરાનના સૈન્યે અગાઉથી જ કહ્યું છે કે ગાઝા અને લેબનોનમાં સીઝફાયર કોઈપણ જવાબી હુમલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે.


Google NewsGoogle News