ઈઝરાયલ-ઈરાન વચ્ચે તંગદિલી વધી, અમેરિકાએ મોકલ્યું યુદ્ધ જહાજ, સેનાને સુરક્ષા વધારવા આદેશ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ-ઈરાન વચ્ચે તંગદિલી વધી, અમેરિકાએ મોકલ્યું યુદ્ધ જહાજ, સેનાને સુરક્ષા વધારવા આદેશ 1 - image


- અમેરિકાનું પ્રચંડ વિમાન વાહક જહાજ, થીઓડોર-રૂઝવેલ્ટ પરના વિમાનો ઇઝરાયલ અને મ.પૂ.ના અમેરિકી થાણાને રક્ષવા આકાશ-સ્થિત થશે

નવી દિલ્હી : અમેરિકાએ ગલ્ફ ઓફ ઓમાનમાં તેના પ્રચંડ વિમાન વાહક જહાજ થીયોડોર રૂઝવેલ્ટ રવાના કરી દીધુ હતું. આ જહાજ ઉપરથી ઉડનારા યુદ્ધ-વિમાનો ઇઝરાયલ તથા મધ્ય પૂર્વ સ્થિત અમેરિકી થાણાઓને રક્ષવા આકાશ સ્થિત થવા તૈનાત કરાયા છે. ઇઝરાયલ-ઇરાન વચ્ચે વધી રહેલી તંગદિલીના અનુસંધાનમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.

સોમવારે આ પ્રચંડ વિમાન વાહક જહાજ ગલ્ફ ઓફ ઓમાનમાં અજ્ઞાાત સ્થળે પહોંચી ગયુ છે, ત્યાંથી તેના ફાઇટર જેટસ એફ/એ-૧૮ તથા જાસૂસી વિમાન E-25 હવે આકાશ સ્થિત થઈ ગયા છે. તેમ એક વરિષ્ઠ અધિકારીએ અનામી રહેવાની શર્તે જણાવ્યું હતું.

અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉઇડ ઓસ્ટિને તે વિસ્તારમાં અમેરિકાની હાજરી વધારવા સેનાઓને આદેશ આપી દીધો છે. કારણ કે લેબેનોનમાં હીઝબુલ્લાહના ટોચના કમાન્ડર તથા હમાસના ટોચના નેતાની ઇરાનમાં થયેલી હત્યામાં ઇઝરાયલનો હાથ હોવાની શંકાથી ઇરાન કે તેના વડે પુષ્ટ પામેલા હીઝબુલ્લાહ અને હમાસના જૂથો ક્યારે ઇઝરાયલ પર તૂટી પડે તે કહી શકાય તેમ નથી.

જો કે નેવીના યુદ્ધ-વિમાનોની કાર્યવાહી માત્ર ટૂંક સમય પૂરતી જ રહેશે. હવે પછીની કાર્યવાહી ચાલાસ્કા સ્થિત અમેરિકી વાયુ દળની સ્કવૉડ્રન્સ મધ્યપૂર્વ તરફ રવાના થઇ ચૂકી છે. હવે પછીનો હવાલો તે સંભાળી લેનાર છે.

ઉલ્લેખનીય તો તે છે કે વિમાન વાહક જહાજ આલાસ્કાથી મ.પૂ.માં આવી પહોંચેલા વિમાનો કેટલો સમય રોકાશે તેની કોઈ સમય મર્યાદા નિશ્ચિત થઇ શકે તેમ નથી. કારણ કે તેનો આધાર આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવો વળાંક લે છે તેની ઉપર જ રહેલો છે.

વાસ્તવમાં ઇરાક સ્થિત અમેરિકી થાણા ઉપર થયેલા રોકેટ હુમલામાં પાંચ અમેરિકન સૈનિકો અને બે કોન્ટ્રેકટરોને ઇજા થયા પછી અમેરિકા ખરેખરું ધૂંધવાયું છે. સહજ છે કે તે સાતેય ઇજાગ્રસ્તોને અલ-માસદ એરબેઝ સ્થિત મિલિટરી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

છેલ્લા કેટલાયે સપ્તાહો સુધી શાંત રહ્યા પછી ઇરાનથી પુષ્ટિ પામેલા ઇરાકી આતંકીઓએ પણ હવે હુમલા શરૂ કરી દીધા છે અને ઇરાક તથા સીરીયામા રહેલા અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવી રહ્યા છે. પરિણામે અમેરિકાએ પણ શ્રેણીબદ્ધ એર સ્ટ્રાઇકસ શરૂ  કરી દીધી છે.

તમામ ઇસ્લામિક લડાયક જૂથોનાં એક અમ્બ્રેલા-ઓર્ગેનાઇઝેશન જે ઇસ્લામિક રેઝિસ્ટન્સી ગુ્રપ તરીકે ઓળખાવે છે તેણે જુદા જુદા સ્થળોએ શ્રેણીબદ્ધ હુમલાઓ ચાલુ જ રાખ્યા છે. તેઓ ગાઝામાં હમાસ ઉપર હુમલા કરતાં ઇઝરાયલ અને તેના પાલક રાષ્ટ્ર અમેરિકા ઉપર ખુન્નસે ભરાયા છે. તેઓ અમેરિકી સેનાને મધ્ય પૂર્વમાંથી ફેંકી દેવા માગે છે.


Google NewsGoogle News