Get The App

એકબીજાના લોહીના તરસ્યા ઈરાન-ઈઝરાયલ એક સમયે એક હતા, આ કારણસર હાથ મિલાવ્યા હતા

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
એકબીજાના લોહીના તરસ્યા ઈરાન-ઈઝરાયલ એક સમયે એક હતા, આ કારણસર હાથ મિલાવ્યા હતા 1 - image


Israel-Iran Relation: મિડલ ઈસ્ટમાં તણાવ ચરમ સીમા પર પહોંચી ગયો છે. ઈરાને મંગળવારે ઈઝરાયલ પર લગભગ 200 જેટલી મિસાઈલો ઝીંકી છે, જેમાં હાઈપરસોનિક હથિયાર પણ સામેલ છે. હવે ઈઝરાયલે પણ કસમ ખાધી છે કે, ઈરાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. જોકે, આ બંને દેશો વચ્ચેના સબંધો પહેલાથી ખરાબ નહોતા. આ વાત સાંભળવામાં ભલે અકલ્પનીય લાગે પણ ઈઝરાયલ અને ઈરાને એક દુશ્મન દેશ સામે લડવા માટે અમેરિકાની મદદથી હાથ મિલાવ્યા હતા. 1960ના દાયકામાં ઈઝરાયલ અને ઈરાન બંનેનો એક દુશ્મન હતો ઈરાક. જ્યારે ઈઝરાયલ આરબ દેશો સામે સંઘર્ષમાં વ્યસ્ત હતું ત્યારે ઈરાક તેની સુરક્ષા અને પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓને જોતા શાહના નેતૃત્વ હેઠળ ઈરાન માટે સીધો ખતરો હતો. ત્યારબાદ તે સમયની સૌથી ગુપ્ત ભાગીદારી માટે એક આધાર તૈયાર થયો હતો. 

આ ભાગીદારીમાં ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ અને ઈરાનની સિક્રેટ પોલીસ 'SAVAK' સામેલ હતી. બંનેએ ઈરાકી શાસન સામે કુર્દ વિદ્રોહીઓને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઈરાકના આરબ નેતૃત્વની નબળાઈ તરીકે જોવામાં આવતા આ કુર્દ જૂથો ઈરાકી સરકારને અંદરથી નબળી બનાવવા માટે જરૂરી હતા. ગુપ્ત ગઠબંધન કોડ-નામ ટ્રાઈડેન્ટના ગઠન બાદ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચી ગયા હતા જેમાં તુર્કી પણ સામેલ હતું. 1958ની શરૂઆતમાં ટ્રાઈડેન્ટની મદદથી આ ત્રણ જૂથોએ ઘણી ગુપ્ત માહિતીની આપલે કરી હતી. જેમ-જેમ સબંધો પરિપક્વ થતાં ગયા તેમ-તેમ ઈઝરાયલ અને ઈરાન વધુ નિકટ આવતા ગયા. 

શાહની મહત્ત્વાકાંક્ષા અને ઈઝરાયલનો પ્રભાવ

ઈરાનના શાહ મોહમ્મદ રઝા પહલવી ન માત્ર સહિયારા ભૌગોલિક રાજકીય હિતોથી પ્રેરિત હતા પરંતુ અમેરિકામાં ઈઝરાયલના પ્રભાવથી પણ પ્રેરિત હતા. શાહે ઈઝરાયલને અમેરિકા સાથેના સંબંધો સુધારવાના માધ્યમ તરીકે જોયું. ખાસ કરીને કેનેડી વહીવટીતંત્ર દ્વારા તેમના શાસન વિશે ચિંતા વ્યક્ત કર્યા બાદ આ વધુ જરૂરી બની ગયુ હતું. ઈઝરાયલી-ઈરાની સંબંધો ઈરાનની પશ્ચિમ સાથે પોતાને જોડવાની વ્યૂહરચનાનો એક ભાગ બની ગયો. પરિણામે 1960 ના દાયકાના મધ્ય સુધીમાં તેહરાનમાં એક કાયમી ઈઝરાયલી પ્રતિનિધિમંડળની સ્થાપના કરવામાં આવી હતી, જે દૂતાવાસ તરીકે કાર્યરત હતું. જો કે, આ સબંધમાં પણ કેટલીક જટિલતાઓ હતી. શાહ આરબ દુનિયામાં વ્યાપક ઈઝરાયલ વિરોધી ભાવનાથી વાકેફ હતા. તેમણે ઈરાનના ઈઝરાયલ સાથે સબંધોનો જાહેરમાં ઈનકાર કર્યો.

ઈરાક વિરુદ્ધ સાથે મળીને કામ કરવામાં બંનેને ફાયદો

ઈરાનમાં 1979ની ઈસ્લામિક ક્રાંતિએ દેશના રાજકીય પરિદ્રૃશ્યને ખૂબ જ બદલી નાખ્યું અને તેને એક ઈઝરાયલ વિરોધી ઈસ્લામિક પ્રજાસત્તાકમાં પરિવર્તિત કરી દીધું. તેમ છતાં આયાતુલ્લાના સત્તામાં આવ્યા બાદ પણ નવા શાસને ઈઝરાયેલ સાથે ગુપ્ત સહયોગ ચાલુ રાખ્યો હતો. જેમ-જેમ ઈરાન-ઈરાક યુદ્ધ (1980-1988) આગળ વધ્યું તેમ-તેમ બંને દેશોએ સદ્દામ હુસૈનના ઈરાક સામે સાથે મળીને કામ કરવામાં જ ફાયદો જોયો. ઈઝરાયલ દ્વારા ઈરાનને હથિયારોનો જથ્થો મોકલવો, ખાસ કરીને વડાપ્રધાન મેનાચેમ બેગિન દ્વારા 1980માં લશ્કરી સાધનોના વેચાણને મંજૂરી આપ્યા બાદ ઈરાકની તાકાતને નબળી પાડવાનો એક ઈરાદા પૂર્વકનો નિર્ણય હતો. આ ગુપ્ત હથિયારોનો સોદો અમેરિકી નીતી છતાં કરવામાં આવ્યો હતો જેમાં તેહરાનમાં બંધક બનાવવામાં આવેલા અમેરિકન લોકોની મુક્તિ સુધી ઈરાનને સૈન્ય સહાયતા આપવા પર રોક લગાવવામાં આવી હતી. ઈઝરાયલી સૈન્ય સહાયતાના બદલામાં આયાતુલ્લા અલી ખામનેઈ શાસને મોટી સંખ્યામાં ઈરાની યહૂદીઓને ઈઝરાયલ અથવા અમેરિકામાં રહેવાની મંજૂરી આપી હતી. 

ઓપરેશન ફ્લાવર

ઈઝરાયલ-ઈરાની ભાગીદારી પરંપરાગત હથિયારોના સોદાથી આગળ વધી ગઈ હતી. સૌથી મહત્ત્વાકાંક્ષી યોજનાઓ પૈકીની એક ઓપરેશન ફ્લાવર હતું, જે એક ગુપ્ત કરોડો ડોલરની યોજના હતી જે 1977માં શાહના શાસન દરમિયાન શરૂ થઈ હતી. આ સોદા હેઠળ ઈરાને 1978માં ઈઝરાયલને 260 મિલિયન ડોલર તેલ મોકલીને મોટી એડવાન્સ પેમેન્ટ કરી હતી, જેમ કે 1986ના ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો. મિસાઈલ કાર્યક્રમ પર કામ 1979માં ઈસ્લામિક ક્રાંતિ સુધી ચાલુ રહ્યું, ત્યારબાદ ખામનેઈ શાસને અચાનક સહયોગ અટકાવી દીધો. ઓક્ટોબર 1980માં જ્યારે ઈરાને ઈરાક સામે યુદ્ધ કર્યું ત્યારે ઈઝરાયલે ગુપ્ત રીતે ઈરાનને અમેરિકન બનાવટના F-4 ફાઈટર પ્લેન માટે 250 વધારાના ટાયર પણ આપ્યા હતા. 

દુશ્મનીની શરૂઆત

1990ના દાયકા સુધીમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સહયોગનો યુગ લગભગ સમાપ્ત થઈ ગયો હતો. ભૌગોલિક રાજકીય પરિબળો  જેવા કે આરબ સમાજવાદ, સોવિયેત પ્રભાવ અને ઈરાકનો ખતરો જે એક સમયે તેમને એક એકજૂથ કરતા હતા તે ગાયબ થઈ ગયા હતા, જેના કારણે સહયોગનું કોઈ કારણ નહોતું બચ્યું. ત્યારબાદ ઈરાને ઈઝરાયલ વિરોધી વિચારધારા અપનાવી. ઈરાને ઈઝરાયલ સાથેના સંઘર્ષમાં હિઝબુલ્લાહ અને હમાસ જેવા જૂથોને સમર્થન આપ્યું. 2000ના દાયકાની શરૂઆતમાં ઈરાનના પ્રમુખ મહમૂદ અહમદીનેજાદની ચૂંટણી, નરસંહારનો ઈનકાર અને ઈઝરાયલ વિરુદ્ધ આક્રમક નિવેદનોએ તણાવમાં વધારો કર્યો. ત્યારબાદ ઈરાન આ ક્ષેત્રમાં ઈઝરાયલનો સૌથી પ્રમુખ વિરોધી બની ગયું. હવે મિડલ ઈસ્ટના આ બંને દેશો સંપૂર્ણ રીતે યુદ્ધની કગાર પર છે. 


Google NewsGoogle News