જાણો, ઇઝરાયેલ અને ઇરાનનું યુદ્ધ ફાટી નિકળેતો કોની પાસે છે વધારે આર્થિક તાકાત ?
ઇઝરાયેલનો જીડીપી ૫૨૫ અબજ ડોલર, ઇરાનનો ૪૧૩ અબજ ડોલર
અમેરિકા અને પશ્ચિમી દેશોએ ઇરાન પર આર્થિક પ્રતિબંધો મુકયા છે
ન્યૂયોર્ક,૨ ઓકટોબર,૨૦૨૪,બુધવાર
ઇરાને ઇઝરાયેલ પર સિધો મિસાઇલ હુમલો કરતા મધ્ય પૂર્વમાં અશાંતિનો મોટો ભડકો થવાની શકયતા છે. ઇઝરાયેલ અત્યાર સુધી ઇરાન સમર્થિત હમાસ અને હિજબુલ્લાહ જેવા ધાર્મિક કટ્ટરવાદી- આતંકી સંગઠનો સામે લડાઇ લડતું હતું. લેબનોનમાં હિજબુલ્લાહનો ચીફ નસરુલ્લાહ ઇઝરાયેલના હુમલાનો ભોગ બનતા ઇરાને પણ મિસાઇલ હુમલો કરીને યુધ્ધમાં જોડાવાના સંકેતો આપ્યા છે. ઇરાન અને ઇઝરાયેલ યુધ્ધની અણી પર છે, જો બંને દેશો વચ્ચે પૂર્ણ કક્ષાનું યુધ્ધ થાયતો બંને આર્થિક રીતે કેટલા મજબૂત છે. યુધ્ધમાં કોણ વધારે ટકી શકે તેમ છે તે જાણવું રસપ્રદ છે.
ઇરાને ૨૦૦થી વધુ બેલેસ્ટિક મિસાઇલો ઇઝરાયેલ પર છોડતા ઇઝરાયેલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકા પણ સંભવિત યુધ્ધમાં ઇઝરાયેલનું રક્ષણ કરવા માટે જાગૃત થયું છે. ઇઝરાયલે ઇરાનની કાર્યવાહીનો બદલો લેવાનું નકકી કર્યુ હોવાથી આવનારો સમય દેશ અને દુનિયા માટે વધારે કપરો રહેવાનો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ થાય તો ઇરાનની ઇકોનોમિ તૂટી શકે છે.
આર્થિક પ્રતિબંધોના લીધે ઇરાનમાં લોકો પહેલાથી જ મોંઘવારીથી પરેશાન જોવા મળે છે. ઇરાનની જીડીપીની સાઇઝ ૪૧૩ અબજ ડોલર હતી જયારે ઇઝરાયેલની ઇકોનોમિની સાઇઝ ૫૨૫ અબજ ડોલર માનવામાં આવે છે. ઇરાનની વસ્તી ૯ કરોડ આસપાસ છે અને ઇઝરાયલની વસ્તી ૯૫ લાખની છે. ઇરાનની વસ્તી ઇઝરાયેલ કરતા ૧૦ ગણી વધારે છે. ઇરાનની આવકનો સૌથી મોટો સ્ત્રોત ક્રુડ તેલ છે પરંતુ અમેરિકા અને પશ્ચિમી દેશોએ ઇરાન પર આર્થિક પ્રતિબંધો મુકયા હોવાથી ક્રુડ તેલના વેચાણમાં અડચણો છે. ઇરાનનું ૯૦ ટકા જેટલું ક્રુડ ઓઇલ ચીન ખરીદે છે.
અમેરિકાની આર્થિક નાકાબંધી છતાં ચીન અને ઇરાનના વેપારમાં કોઇ જ ફરક પડયો નથી. જો કે ઇઝરાયેલ જો આક્રમણ કરશે તો ઇરાનના ક્રુડ ઓઇલના ઉત્પાદન સ્થળોને નુકસાન પહોંચાડી શકે છે. ઇરાનની ઇકોનોમિ પર ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ અને ઇસ્લામી સંગઠનોનો કબ્જો છે. આ સંગઠનનો વહિવટ ગોટાળાવાળો હોવાથી ઇકોનોમિ પારદર્શક નથી. આવા સંજોગોમાં નિષ્ણાતોનું માનવું છે કે ઇરાન લાંબા ગાળા સુધી યુદ્ધ લડી શકે તેમ નથી. ઇરાન પૂર્ણ કક્ષાનું યુદ્ધ કરવાના સ્થાને સાંકેતિક હુમલો કરતું રહેશે.
ઇરાનની કરન્સી વેલ્યુમાં ભારે ઘટાડો થયો છે. ભારતના એક રુપિયાની કિમત ૫૦૧ ઇરાની રિયાલ થાય છે. ઇરાનની જીડીપીમાં સ્રવિસ સેકટર ૪૭ ટકા. ઉધોગ ધંધા ૪૦ ટકા અને ખેતી ૧૨.૫ ટકા ભાગીદારી ધરાવે છે. બંને દેશના ડિફેન્સ બજેટમાં પણ ખૂબ તફાવત છે. ઇરાનનું ડિફેન્સ બજેટ ૯.૯ અબજ ડોલર જયારે ઇઝરાયેલનું બજેટ ૨૪.૪ અબજ ડોલર છે. ઇઝરાયેલની સરખામણીમાં ઇરાન આર્થિક દ્વષ્ટીએ લાંબા સમય સુધી યુધ્ધ લડવાની સ્થિતિ ધરાવતું નથી.