ઈઝરાયલનો લેબેનોન અને ગાઝામાં ભયાનક બોંબમારો, 70થી વધુના મોત
Israel's Horrific Bombings In Lebanon And Gaza : ઈઝરાયલની સેનાએ છેલ્લા 24 કલાકમાં લેબેનોન અને ગાઝામાં ઘણી જગ્યાએ તાબડતોડ હુમલા કરીને અનેક જગ્યાએ બોંબમારો કર્યો છે. આ હુમલામાં બંને સ્થળોએ 70થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે, આ હુમલાઓમાં હમાસ અને હિઝબુલ્લાહના ઘણા ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા છે અને ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.
ઈઝરાયલના હુમલા સામે અનેક આરોપ
પરંતુ ઈઝરાયલના આ હુમલાઓ પર આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે, તેણે માનવતાવાદી ક્ષેત્ર જાહેર કરેલા વિસ્તારોને પણ નિશાનો બનાવ્યો. જ્યારે લેબેનોને પણ આવો જ આરોપ લગાવ્યો હતો કે, ઈઝરાયલે કોઈપણ ચેતવણી વિના હવાઈ હુમલા કર્યાં, જેમાં અનેક નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા.
ગાઝામાં 46 લોકોના મોત
ઈઝરાયલની સેનાએ ગાઝામાં હવાઈ હુમલો કરવાથી 46 લોકોના મોત થયા. ફિલિસ્તીનમાં ચિકિત્સા અધિકારીઓને જણાવ્યું કે, ઈઝરાયલી સેનાએ એક કાફેટેરિયાને નિશાનો બનાવીને હુમલો કર્યો, જેમાં 11 લોકોના મોત થયા. આ કાફેટેરિયા ઈઝરાયલ દ્વારા જાહેર કરાયેલ માનવતાવાદી ઝોનમાં હતું. જ્યારે ગાઝાના બેત હનૂનમાં ઈઝરાયલે એક ઘરને નિશાને બનાવી હુમલો કરતાં 15 લોકોના મોત નીપજ્યાં. આ સિવાય અન્ય એક હુમલામાં 20 લોકોના મોત થયા.
બુધવારે હિજબુલ્લાહે ઈઝરાયલના હાઈફામાં એક નર્સરી સ્કૂલ પર ડ્રોન હુમલો કર્યો. આ હુમલો થયો, ત્યારે સ્કૂલના બાળકો ત્યાં હાજર હતા. પરંતુ સમય રહેતા તમામ બાળકો બંકરમાં જતા રહેતા મોટી જાનહાની ટળી હતી. હિઝબુલ્લાહના નાહયાન શહેરમાં પણ મિસાઈલ હુમલો કરતા બે લોકોના મોત નીપજ્યાં.
લેબેનોનમાં 33 લોકોના મોત
આ હુમલાઓ પછી, ઈઝરાયલે હિઝબુલ્લાહ સામે બદલો લીધો અને લેબેનોનમાં તેના અનેક ઠેકાણાઓ પર હુમલો કરતાં 33 લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બેરૂતમાં જ ઈઝરાયલની સેનાએ હિઝબુલ્લાહનો ગઢ ગણાતા ડાહ્યાનને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલા પહેલા ઈઝરાયલે ચેતવણી જાહેર કરી હતી. જ્યારે આ હુમલામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની સચોટ માહિતી મળી નથી. પરંતુ ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે, આ હુમલામાં હિઝબુલ્લાહમાં અનેક વિસ્તારોમાં ધ્વસ્ત થયા છે. લેબેનોનમાં બીજા ઈઝરાયલ હુમલાની માહિતી આપતાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ હુમલામાં 11 લોકોના મોત થયા છે જે કોઈ ચેતવણી આપ્યા વગર કરવામાં આવ્યો હતો.