‘21 દિવસ યુદ્ધ રોકી દો તો...’ અમેરિકા-ફ્રાન્સની વિનંતી છતાં નેતન્યાહુ ન માન્યા, સેનાને આપ્યો મોટો આદેશ
Israel-Hezbollah War: ઇઝરાયેલી સેના લેબેનોનમાં ગ્રાઉન્ડ એટેક કરવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન, અમેરિકા અને ફ્રાન્સ સહિત વિશ્વના ઘણા દેશોએ ઇઝરાયેલ અને હિઝબુલ્લાને 21 દિવસ માટે યુદ્ધવિરામની અપીલ કરી હતી, પરંતુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે ગુરુવારે (26 સપ્ટેમ્બર) જણાવ્યું કે, યુદ્ધવિરામનો પ્રસ્તાવ અમેરિકા અને ફ્રાન્સનો છે. વડાપ્રધાને હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. વડાપ્રધાને ઈઝરાયેલની સેનાને હિઝબુલ્લા સામેની લડાઈ પૂરી તાકાત સાથે ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
યુદ્ધ કોઈના હિતમાં નથી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત અન્ય કેટલાક દેશોએ તેમના સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, 'યુદ્ધ ઈઝરાયેલ અને લેબેનોન બંનેમાંથી કોઇના પણ હિતમાં નથી.' આ ઉપરાંત તેમણે રાજદ્વારી ઉકેલ માટે હિઝબુલ્લા અને ઈઝરાયેલને તાત્કાલિક 21 દિવસના યુદ્ધવિરામ માટે અપીલ પણ કરી હતી. જો કે, ઇઝરાયેલે અમેરિકા અને ફ્રાન્સના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે.
આ દેશોએ કરી અપીલ
જે દેશોએ ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે 21 દિવસના યુદ્ધવિરામની અપીલ કરી છે તેમાં અમેરિકા, ફ્રાન્સ, જાપાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)નો સમાવેશ થાય છે. પરંતુ ઈઝરાયેલે હજુ સુધી આ પ્રસ્તાવ પર કોઇ પ્રતિક્રિયા ન આપી તેના સૈનિકોને હુમલો ચાલુ રાખવા આદેશ આપ્યા છે. આ અઠવાડિયે લેબેનોનમાં ઇઝરાયેલના હુમલામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલની સેના દક્ષિણ લેબનોન પર સતત બોમ્બમારો કરી રહી છે.
આ પણ વાંચોઃ ચીન તરફી મુઈજ્જુના તમામ કાવાદાવા નિષ્ફળ, હજારો ભારતીય સહેલાણીઓનો થયો મોહભંગ