Get The App

આતંકવાદીઓને ગુપ્ત સ્થળે કેમ દફન કરાય છે? લાદેનને પણ અમેરિકાએ દરિયાના પેટાળમાં દફનાવી દીધો હતો

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
આતંકવાદીઓને ગુપ્ત સ્થળે કેમ દફન કરાય છે? લાદેનને પણ અમેરિકાએ દરિયાના પેટાળમાં દફનાવી દીધો હતો 1 - image


Israel-Hezbollah Conflict : ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષમાં એક અઠવાડિયા અગાઉ ઉગ્રવાદી સંગઠનના લીડર હસન નસરલ્લાહને મારી નંખાયો છે. હવે હિઝબુલ્લાહ દ્વારા નસરલ્લાહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એવી અટકળો છે કે ભૂતપૂર્વ ચીફને ઈરાકના કરબલામાં, ઈરાનના નજફમાં કે પછી લેબેનોનમાં ક્યાંક દફનાવવામાં આવશે. નસરલ્લાહને ક્યાં દફનાવાય છે એના પર માત્ર આરબ દેશોની જ નહીં, અમેરિકાની પણ ચાંપતી નજર છે. નસરલ્લાહનો મૃતદેહ અમેરિકા તો દફનાવવાનું નથી, છતાં એનું દફનસ્થળ જાણવા માટે અમેરિકા ઉત્સુક છે, અને એનું ચોક્કસ કારણ છે. ચાલો, એ કારણ જાણવા ઈતિહાસની ગર્તામાં સહેજ ઊંડા ઉતરીએ.

આ કારણસર નસરલ્લાહનું દફનસ્થળ મહત્ત્વનું છે

કોઈપણ ટોચનો આતંકવાદી માર્યો જાય ત્યારે એને જ્યાં દફનાવાય એ સ્થળ બીજા હજારો-લાખો આતંકવાદીઓ માટે શહીદ-સ્મારક બની જતું હોય છે. એ સ્થળમાંથી નવા આતંકવાદીઓ પ્રેરણા લેતા હોય છે, એ સ્થળ દેખાડીને લીડરો તેમના ઉગ્રવાદી શિષ્યોને લડવા માટે પાનો ચઢાવતા હોય છે અને એ સ્થળે નવાનવા ષડયંત્રો રચવામાં આવતા હોય છે. આમ, ટોચનો આતંકવાદી મર્યા પછી પણ આતંકવાદની આગમાં ઈંધણ પૂરવાનું કાર્ય કરતો રહેતો હોય છે. અને એ માટે નિમિત્ત બનતું હોય છે એનું દફન સ્થળ, એનું શહીદ-સ્મારક.

આ પણ વાંચો : ‘દુનિયાભરના મુસ્લિમો ઈઝરાયલ સામે એક થાઓ’, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું આહવાન

દફન-સ્થળ ગુપ્ત રાખતું અમેરિકા 

આતંકી નેતાનું દફન સ્થળ શહીદ-સ્મારક બનીને બીજા આતંકીઓને પ્રેરણા પૂરી ન પાડે, એ માટે જ અમેરિકા આતંકવાદી નેતાના મૃતદેહને અજાણી જગ્યાએ લઈ જઈને તેના અંતિમ સંસ્કાર ગુપ્ત રીતે કરી દેતું હોય છે. ભૂતકાળમાં એકથી વધુ વખત અમેરિકાએ આ વ્યૂહરચના અમલમાં મૂકી છે. ચાલો જોઈએ એવા થોડા ઉદાહરણ.

ઓસામા બિન લાદેનના કિસ્સામાં શું બન્યું હતું?

મે, 2011માં અમેરિકા (America)ના નૌકાદળે એક ગુપ્ત ઓપરેશન કરીને પાકિસ્તાનમાં છુપાઈ બેઠેલા ઓસામા બિન લાદેન (Osama Bin Laden)ને મારી નાખ્યો હતો. એની હત્યા કર્યા પછી તરત જ એ લાદેન જ છે-ને, એની ખાતરી કરવા માટે સ્થળ પર જ મૃતદેહનું ડીએન પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એ ખાતરી થયા પછી અમેરિકન કમાન્ડો મૃતદેહને બેગમાં પેક કરીને અફઘાનિસ્તાન લઈ ગયા હતા, જ્યાંથી તેને એક યુદ્ધજહાજમાં મૂકીને સમુદ્રમાં લઈ જવાયો હતો. 

ઈસ્લામિક પરંપરા મુજબ કરાયા હતા અંતિમ સંસ્કાર 

અમેરિકાએ જણાવ્યું હતું કે દફન કરતાં પહેલાં લાદેનના મૃતદેહને સ્નાન કરાવાયું હતું. પછી એને સફેદ કફન ઓઢાડાયું હતું. અનુવાદક દ્વારા અરબી ભાષામાં પ્રાર્થના કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતદેહને બોક્સમાં બંધ કરીને સમુદ્રમાં દફન કરવામાં આવ્યો હતો. બોક્સને 150 કિલો વજનની લોખંડની સાંકળોથી બાંધવામાં આવ્યું હતું, જેથી મૃતદેહ ફૂલીને સમુદ્રસપાટી પર તરી ન આવે.

આ કારણસર લાદેનને દરિયાને હવાલે કર્યો હતો

અમેરિકન સરકારને ડર હતો કે જો લાદેનને ઈસ્લામિક રીવાજો મુજબ જમીનમાં દફનાવવામાં આવશે તો એનું દફનસ્થળ ઉગ્રવાદીઓ માટે સ્મારક બની જશે. એને જોઈજોઈને નવા આતંકવાદીઓ પેદા થશે, એમને પાનો ચઢશે, તેથી અગમચેતી વાપરીને અમેરિકાએ લાદેનનું કોઈ સ્મૃતિસ્થળ જ ન રહે એ માટે એને સાગરપેટાળમાં પધરાવી દીધો હતો. 

આ પણ વાંચો : ઈઝરાયલે કરી મોટી ભૂલ? સીરિયામાં ઈરાનને નિશાન બનાવવા જતાં રશિયાના એરબેઝ પર કરી એરસ્ટ્રાઈક!

બગદાદીનો મૃતદેહ પણ દરિયામાં ગાયબ

ઈસ્લામિક સ્ટેટ (ISIS) ના નેતા અબુ બકર અલ બગદાદીની કથિત આત્મહત્યા બાદ અમેરિકન કમાન્ડો ગ્રૂપે તેના મૃતદેહને પણ દરિયામાં પધરાવી દીધો હતો. ઓક્ટોબર, 2019 સીરિયામાં ઓપરેશન હાથ ધરીને અમેરિકન સ્પેશિયલ ફોર્સે આતંકવાદીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ધરપકડથી બચવા માટે બગદાદીએ પોતાની જાતને વિસ્ફોટકથી ઉડાવી દીધી હતી. જે લાશ હાથ લાગી હતી એ વ્યક્તિ બગદાદી જ હોવાની પુષ્ટિ કરવા માટે સ્થળ પર જ ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પુષ્ટિ થયા બાદ તેના મૃતદેહને પણ લાદેનની જેમ જ અજ્ઞાત સ્થળે દરિયામાં પધરાવી દેવામાં આવ્યો હતો.

ઝરકાવી બાબતે ભારે ગુપ્તતા જાળવી રાખી છે

ઈરાકમાં અલ-કાયદાના નેતા અબુ મુસાબ અલ ઝરકાવીનો કિસ્સો પણ અલગ નથી. જૂન, 2006 ઝરકાવી ઈરાકના એક નાનકડા ગામમાં હોવાની બાતમી મળી હતી. અમેરિકન નેવીએ ગામ ખાલી કરાવીને હુમલો કર્યો, જેમાં ઝરકાવીનું મૃત્યુ થયું હતું. ડીએનએ તપાસ પછી એના મૃતદેહને ઈરાકમાં જ કોઈ અજ્ઞાત સ્થળે દફનાવી દેવાયો હતો. એ સ્થળ કયું હતું, એ અમેરિકાએ આજ સુધી કોઈને જણાવ્યું નથી. 

દફન વિધિ બાબતે અમેરિકાનો દાવો 

અમેરિકા હંમેશથી એવો દાવો કરતું રહ્યું છે કે, એના સૈનિકો આતંકવાદીના મૃતદેહ સાથે ક્યારેય દુર્વ્યવહાર નથી કરતા, પૂરી અદબથી ધાર્મિક વિધિઓ અનુસરીને અંતિમક્રિયા કરે છે. જોકે, આ અમેરિકા છે. એના કહ્યા પર કેટલો વિશ્વાસ મૂકવો, એય મોટો પ્રશ્ન છે. 

લાદેનને દરિયામાં દફન નહોતો કરાયો? 

અમેરિકા કહે છે કે લાદેનના મૃતદેહને વિધિપૂર્વક દરિયામાં દફનાવાયો હતો, પણ એ બાબતે એક બીજી થિયરી પણ વહેતી રહી છે, જે કહે છે કે લાદેનના શરીરના અનેક ટુકડા કરીને એને પહાડોમાં ગમેતેમ ફેંકી દેવાયા હતા. બીજા કોઈ નહીં, ખુદ અમેરિકાના જ એક ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ સીમોર હર્શએ દાવો કર્યો હતો કે, અફઘાનિસ્તાન પહોંચ્યા બાદ અમેરિકન સૈનિકોએ લાદેનના મૃતદેહ પર રાઈફલની ગોળીઓનો વરસાદ વરસાવીને એના શરીરને ક્ષતવિક્ષત કરી નાંખ્યો હતો અને પછી એના ટુકડા હિન્દુ-કુશની પહાડીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ થિયરીમાં કેટલું સત્ય છે, એય એક મોટો પ્રશ્ન ખરો.

આ પણ વાંચો : ‘અમારા પર હુમલો કર્યો તો...’ ખામેની બાદ ઈરાનના ડેપ્યુટી કમાન્ડરની ઈઝરાયલને ધમકી

આ મુદ્દે ઈઝરાયલ પણ અમેરિકાના નકશેકદમ પર

અમેરિકાની તર્જ પર ઈઝરાયલ પણ આતંકવાદીઓના મૃતદેહને અજાણ્યા સ્થળે દફનાવતું આવ્યું છે. પેલેસ્ટાઈનના હજારો આતંકીઓને આ રીતે ઠેકાણે પાડી દેવાયા છે, જેથી તેમના સમર્થકો તેમની કબરોને શહીદી-સ્મારકમાં ન ફેરવી દે. કહેવાય છે કે ઈઝરાયલમાં તો એવા ઘણાં કબ્રસ્તાન છે જે આખેઆખા આતંકવાદીઓના મૃતદેહોથી જ ભર્યા પડ્યા છે. એવા કબ્રસ્તાનોનું કોઈ નામ નથી. કબ્રસ્તાનોને અને એમાંની કબરોને પણ નંબર આપવામાં આવ્યા છે, ક્યાંય કોઈનું નામ નથી લખાયું. વર્ષ 2008 ઈઝરાયલ સરકાર અને પેલેસ્ટાઈનના હમાસ વચ્ચે અદલાબદલી થઈ હતી, જેમાં ઈઝરાયલે પોતાના કેદીઓની મુક્તિના બદલામાં પેલા નંબરિયા કબ્રસ્તાનમાંથી છેક સિત્તેરના દાયકામાં માર્યા ગયેલા આતંકવાદીઓની કબરો કાઢીને પેલેસ્ટાઈનને આપી હતી. 

ઈસ્લામમાં દરિયામાં દફન કરવાની પરવાનગી છે?

અમેરિકાએ લાદેનને દરિયામાં દફનાવ્યો એ પછી આ મુદ્દે ખાસ્સી ચર્ચા થઈ હતી. ઈસ્લામિક વિદ્વાનોના એક જૂથે કહ્યું હતું કે મુસ્લિમ વ્યક્તિનું મૃત્યુ દરિયામાં થયું હોય તો એને દરિયામાં દફનાવી શકાય; પણ જમીન પર મરનારને દરિયાને હવાલે ન કરાય. ઘણાં વિદ્વાનોએ એમ કહ્યું હતું કે ઈસ્લામ ઘણી વખત વ્યવહારુ સૂચનો આપે છે; સંજોગો પ્રમાણે દફન માટે અલગ પદ્ધતિ અપનાવવામાં કોઈ વાંધો નથી.


Google NewsGoogle News