ઈઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ વિરામ થયો પરંતુ બંનેને અબજો ડોલર્સનું નુકસાન થયું છે
- લેબેનોનમાં તો તબાહી મચી ગઈ છે : 99,000 થી વધુ નિવાસ સ્થાનો નાશ પામ્યા : 376નાં મોત થયા
નવી દિલ્હી : ઈઝરાયલ સામેનાં યુદ્ધમાં લેબેનોનમાં ૯૯૦૦૦ થી વધુ નિવાસસ્થાો તૂટયાં છે કે નાશ પામ્યા છે. તેથી તેને આશરે ૨.૮ અબજ ડોલરથી વધુ નુકસાન થયું છે. લેબેનોનમાં ઓછામાં ઓછા ૩૭૬ લોકો માર્યા ગયા છે અને ૧૫૬૯૯ થી વધુ ઇજાગ્રસ્ત થયા છે તેમ તેના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. જો કે ૨૪ નવેમ્બરે પ્રસિદ્ધ કરાયેલા આ આંકડામાં સૈનિકો અને નાગરિકો વચ્ચેનો તફાવત દર્શાવવામાં આવ્યો નથી. જયારે હિઝબુલ્લાહના કેટલા આતંકીઓ માર્યા ગયા છે. તેનો સ્પષ્ટ આંક પણ પ્રસિદ્ધ થયો નથી. તેલ અવિવ યુનિવર્સિટીને મળેલા આંકડા પ્રમાણે હિઝબુલ્લાહ આતંકીઓ પૈકી ૨૪૫૦ના મૃત્યુ થયા છે.
હિઝબુલ્લાહના હુમલામાં ઉત્તર ઈઝરાયલ અને ગોલન હાઈટસમાં મળી ૪૫ ઈઝરાયલીઓના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. જયારે ઉત્તર ઈઝરાયલમાં તેના ૭૩ સૈનિકો માર્યા ગયા છે, તેમ ઈઝરાયલી સત્તાવાળાઓએ જ જણાવ્યું છે.
બૈરૂતનાં દક્ષિણનાં પહાંઓ હિઝબુલ્લાહની કોઠી માનવામાં આવે છે. ત્યાં ઈઝરાયલી હુમલામાં ૨૮૨ મકાનો તૂટી ગયા છે તેમ અમેરિકન યુનિવર્સિટી, બૈરૂત અર્બન સેલ જણાવે છે.
હિઝબુલ્લાહના અન્ય મથકો બેક્કા વેલી અને દક્ષિણ લેબેનોનમાં પણ હતા. તે ઉપર પણ ઈઝરાયલે મિસાઈલ તેમજ યુદ્ધ વિમાનોથી બોંબ વર્ષા કરી હતી. ત્યાં કેટલા મૃત્યુ પામ્યા તેનો આંક મળી શક્યો નથી.
આ યુદ્ધમાં ખેતીવાડીને પણ ભારે નુકસાન થયું છે તેમ કહેતા વર્લ્ડ બેન્કનો રિપોર્ટ જણાવે છે કે તે નુકસાનનો આંક કુલ મળી ૧૨૪ મિલિયન ડોલર્સ જેટલો થવાની ગણતરી છે. તે પૈકી ૧૧૦ મિલિયન ડોલર્સનું નુકસાન, પાક નાશ પામવાથી અને દુધાળા ઢોરના મૃત્યુથી તથા ખેડૂતો, ભૂમિ છોડી બીજે ચાલ્યા ગયા હોવાથી થયું છે.
ઈઝરાયલને પણ આ યુદ્ધથી ભારે નુકસાન થયું છે. તેમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. દક્ષિણ લેબેનોનને સ્પર્શીને રહેલા ઈઝરાયલના ઉત્તરના વિસ્તારમાં ૫૫૦૦૦ એકરમાં રહેલો વન વિભાગ નાશ પામ્યો છે. નવેમ્બર ૧૮ સુધીમાં ઉત્તર ઈઝરાયલમાંથી ૮૮૬૦૦૦ થી વધુ નાગરિકો વિસ્થાપિત થઈ ગયા છે. તેઓ અત્યારે લગભગ નિર્વાસિત બની ગયા છે, તેમ યુનાઈટેડ નેશનલ હાઈકમિશનર ફોર રેફયૂજીઝ (યુએનએચસીઆર) જણાવે છે.
આ સંસ્થાનો રિપોર્ટ વધુમાં જણાવે છે કે, લેબેનોનમાંથી ઓછામાં ઓછા ૫૪૦૦૦૦ થી વધુ લોકો સીરીયા નાસી છૂટયા છે.
વર્લ્ડ બેન્કનો ૧૪ નવે.નો પ્રાથમિક અહેવાલ જણાવે છે કે, લેબેનોનને ૮.૫ અબજ ડોલરનું નુકસાન થયું છે.