ઈઝરાયલને લેબેનોનના સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની ચીનની સલાહ, નસરલ્લાહના મોત બાદ ડ્રેગનનું દોઢ ડહાપણ
Israel-Hezbollah War : ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે હાલ મહાયુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે, ત્યારે ઈરાન, સાઉદી અરેબિયા અને પેલેસ્ટાઈનના મિત્ર કહેવાતા ચીને ઈશારા ઈશારામાં ઈઝરાયલને ચેતવણી આપી હોય તેવું જોવા મળી રહ્યું છે. યુદ્ધ નિયંત્રણ બહાર જાય તે પહેલા ચીનના વિદેશ મંત્રાલયે તુરંત યુદ્ધ અટકાવવાના રસ્તાઓ પર વિચારણા કરવા માટે આહવાન કર્યું છે.
યુદ્ધ અટકાવવા તાત્કાલીક કાર્યવાહીની જરૂર : ચીન
થોડા દિવસો પહેલા લેબનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ બ્લાસ્ટ’ થયા બાદ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સ્થિતિ અતિશય વણસી ગઈ છે. ઈઝરાયલી સેનાના હુમલામાં લેબનોન સ્થિત હિઝબુલ્લાહના ખાસ કહેવાતા અનેક કમાન્ડરોના મોત થયા છે. ઈઝરાયલી સેના હિઝબુલ્લાહના એક પછી એક અનેક કમાન્ડરોને નિશાન બનાવી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ચીન કરેલી અપીલ વિશેષરૂપે ઈઝરાયલ અને અન્ય સંબંધીત પક્ષો માટે છે, જેઓએ તણાવ ઓછો કરવા માટે તાત્કાલીક કાર્યવાહી કરવાની જરૂરીયાત પર ભાર મુક્યો છે.
ચીને લેબેનોનનો પક્ષ લઈ કડક વલણ અપનાવ્યું
ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સતત મિસાઈલ હુમલા, એરસ્ટ્રાઈકની ઘટનાઓ બન્યા બાદ ચીને લેબેનોનનો પક્ષ લીધો છે અને તેણે લેબેનોનની સંપ્રભુતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડતી કોઈપણ કાર્યવાહી વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવનારા અને ક્ષેત્રીય દુશ્મની વધારતા પગલાઓની કડક શબ્દોમાં ટીકા કરી છે. ચીનની સરકારે આવી કોઈપણ કાર્યવાહી વિરુદ્ધ ચેતવણી આપી છે, જેના કારણે વઘુ તણાવ વધી શકે છે.
ચીને હનીયાની હત્યાની કડક શબ્દોમાં ટીકા કરી
તહેરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હનીયાની હત્યા થઈ હતી, જેની ચીને કડક શબ્દોમાં ટીકા કરી છે. ચીને ચેતવણી આપી છે કે, હત્યાના કારણે તણાવ વધુ વધી શકે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ચીને લેબેનોન સ્થિત તેના નાગરિકોને તણાવથી બચવાની પણ સપાહ આપી છે. ઈઝરાયલ-લેબનોન સરહદ પર વધતી હિંસાને ધ્યાને રાખી ચીની દૂતાવાસે ચાઈનીઝ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સલાહ આપી છે.
આ પણ વાંચો : નસરલ્લાહના મૃત્યુ બાદ હવે હિઝબુલ્લાહની કમાન કોણ સંભાળશે? જાણો કોનું નામ સૌથી આગળ
ચીનની મધ્ય પૂર્વ પર ખાસ નજર
મધ્ય પૂર્વમાં ચીનની ભાગીદારી વધી છે. ગત વર્ષે ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક શાંતિ જેવા મહત્ત્વના કરારો થયા હતા, જેમાં ચીને મધ્યસ્થતાની મહત્ત્વની ભૂમિકા નાભીવી હતી. આ ઉપરાંત પલેસ્ટાઈની જૂથોને એક કરવા માટેના પ્રયાસોના ભાગરૂપે ચીને જુલાઈમાં ફતહ અને હમાસ સહિત 14 જૂથોની યોજાયેલી એક બેઠકની યજમાની કરી હતી. આમ ચીન ઈરાન, સાઉદી અરેબિયા અને પેલેસ્ટાઈનનું મિત્ર બનીને ઉભરી આવ્યું હતું. ચીનના મધ્ય પૂર્વ તરફેણના પ્રયાસો જોતા એવું લાગી રહ્યું છે કે, ચીન મધ્યપૂર્વમાં મુખ્ય ખેલાડી બનવા માટે વ્યાપક વ્યૂહરચના પર કામ કરી રહ્યો છે.