Get The App

મોસાદના પાંચ દિલધડક ઓપરેશન, લેબેનોનના પેજર બ્લાસ્ટથી માંડીને પરમાણુ વિજ્ઞાનીઓની હત્યા

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
મોસાદના પાંચ દિલધડક ઓપરેશન, લેબેનોનના પેજર બ્લાસ્ટથી માંડીને પરમાણુ વિજ્ઞાનીઓની હત્યા 1 - image


Israeli Espionage Operations: લેબનોનમાં અંદાજે 3000 પેજર્સ વિસ્ફોટ પામ્યા, એમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા અને 4000 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી આખી દુનિયા ચોંકી ગઈ છે. આના માટે શંકાની સોય ફરી એકવાર વિશ્વની સૌથી શક્તિશાળી જાસૂસી સંસ્થા, ઈઝરાયેલની ‘મોસાદ’ તરફ વળી છે. 

મોસાદના કાંડ વિશેનું અનુમાન

રોયટર્સ, અલ જઝીરા અને ન્યૂયોર્ક ટાઈમ્સ જેવી મીડિયા એજન્સીઓએ દાવો કર્યો છે કે મોસાદે તાઈવાનથી લેબનોન આવતા 5000 પેજર્સનું કન્સાઈનમેન્ટ હેક કર્યું હતું. રોઇટર્સે જણાવ્યું હતું કે, ‘આ પેજર્સને ઉત્પાદન સ્તરે જ મોડિફાય કરી દેવામાં આવ્યાં હતાં. ઉપકરણની અંદર એક બોર્ડ મૂકવામાં આવ્યું હતું જેમાં વિસ્ફોટક સામગ્રી હતી, જેને કોડ સિગ્નલ દ્વારા બ્લાસ્ટ કરી શકાય એમ હતું. કોઈપણ ઉપકરણ કે સ્કેનર દ્વારા આ બોર્ડને શોધવાનું ખૂબ મુશ્કેલ છે.’ 

આ પણ વાંચો  : પેજરની જેમ મોબાઈલને પણ હેક કરી બ્લાસ્ટ થઈ શકે? જવાબ જાણી તમે પણ હચમચી જશો!

પાયાવિહીન નથી શંકા

ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ પર શંકા કરવાનું સાવ પાયાવિહીન નથી, કેમ કે મોસાદનો ઈતિહાસ આવા અનેક આશ્ચર્યજનક અને ઈન્ટેલિજન્સ ઓપરેશન્સથી ભરેલો છે. ચાલો આજે જાણીએ મોસાદના ટોપ 5 સિક્રેટ ઓપરેશન્સ વિશે, એવા ઓપરેશન્સ જેણે વિશ્વ રાજકારણની ગતિ અને દિશા બદલી નાખી હતી. 

મોસાદની ચાર પદ્ધતિ

વિરોધીઓને હંફાવવા, એમની ગણતરીઓને વિફળ બનાવવા અને ઈઝરાયલના સાર્વભૌમત્ત્વ માટે જોખમકારક પગલાંને ડામી દેવા માટે મોસાદ મુખ્યત્વે ચાર પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે. આ પદ્ધતિઓ છે-

1) તોડફોડ: દુશ્મનના પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તોડફોડ કરવી

2) હત્યા: અગ્રણી દુશ્મનોની હત્યા કરી દેવી 

3) અપહરણ: સંવેદનશીલ માલમત્તા બથાવી લેવી

4) ઘૂસણખોરી: દુશ્મન સંગઠનોમાં ઘૂસીને ગુપ્ત માહિતી મેળવવી

હવે એક નજર નાંખીએ મોસાદ દ્વારા હાથ ધરાયેલા રોમાંચક ઓપરેશન્સ પર.

1) ઑપરેશન પ્લમ્બેટ

1968માં મોસાદે પાર પાડેલા આ ઓપરેશનનો હેતુ યલોકેક યુરેનિયમને ઈજીપ્તના હાથમાં જતા અટકાવવાનો હતો. ઈઝરાયલી એજન્ટોએ મધ્યરાત્રિએ ‘સ્કાય’ નામના જહાજનું સમુદ્રની વચ્ચે અપહરણ કર્યું અને તેને ઈઝરાયલના તેલ અવીવ બંદરે લઇ ગયા. ઈઝરાયલમાં યુરેનિયમ ઉતારી લેવાયું અને પછી આ ઓપરેશનને ગુપ્ત રાખવા માટે નકલી દસ્તાવેજો આપીને જહાજને ફરીથી દરિયામાં છોડી દેવાયું. ‘ઓપરેશન પ્લમ્બેટ’ના પરિણામે ઇજિપ્તના રોકેટ પ્રોગ્રામને ભારે નુકસાન થયું હતું.

2) ઑપરેશન એન્ટેબી 

27 જૂન, 1976ના રોજ ઈઝરાયલથી ફ્રાન્સ જતી એર ફ્રાન્સ ફ્લાઇટ 139ને યુગાન્ડામાં હાઇજેક કરવામાં આવી હતી. અપહરણકારો મુસાફરોને એન્ટેબી એરપોર્ટ પર લઈ ગયા અને ત્યાં તેમને બંધક બનાવીને રાખ્યા. ઈઝરાયલ આર્મી અને મોસાદે 100 થી વધુ કમાન્ડોની એક ટીમ બનાવીને 3 જુલાઈ 1976ની રાત્રે ‘ઑપરેશન એન્ટેબી’ શરૂ કર્યું. યુગાન્ડાના રાષ્ટ્રપતિ ઈદી અમીનનો કાફલો આવી રહ્યો હોય તેવો દેખાવ કરવા માટે ઈઝરાયેલી કમાન્ડો કાળા રંગની મર્સિડીઝ અને કેટલીક લેન્ડ રોવર્સમાં એરપોર્ટ પર પહોંચ્યા. બંધકોને જ્યાં રાખવામાં આવ્યા હતા કમાન્ડો સીધા એ ટર્મિનલ પર ગયા. માત્ર 90 મિનિટની અંદર તેમણે તમામ આતંકવાદીઓ અને યુગાન્ડાના 45 સૈનિકોને મારી નાખ્યા. 102 બંધકોને સુરક્ષિત બચાવી લેવાયા. ઓપરેશન અત્યંત ઝડપ અને ચોક્કસ લક્ષ્ય સાથે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. 

3) ઓપરેશન ઓપેરા 

1980ના દાયકામાં જ્યારે ઈરાકે પરમાણુ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે ઈઝરાયેલ તરત જ સતર્ક થઈ ગયું હતું. મોસાદના એજન્ટોએ ઈરાકમાં ઘૂસીને ગુપ્ત રાહે નિર્માણાધીન પ્લાન્ટ ‘ઓસિરાક પરમાણુ રિએક્ટર’ની સંપૂર્ણ માહિતી મેળવી લીધી. એ પછી ઈઝરાયલી એરફોર્સ મેદાને પડ્યું. એમણે પરમાણુ રિએક્ટર પર હવાઈ હુમલો કરીને રિએક્ટરનો નાશ કર્યો, જે ‘ઓપરેશન ઓપેરા’ તરીકે ઓળખાયો. આ હુમલાને કારણે ઈરાકની પરમાણુ મહત્વાકાંક્ષાઓ ઘણા વર્ષો સુધી પાછળ ધકેલાઈ ગઈ હતી. 

4) ઓપરેશન સ્ટક્સનેટ 

આરબ દેશોમાં કોઈપણ દેશ પરમાણુ શક્તિથી સજ્જ થવાની કોશિશ કરે એટલે ઈઝરાયેલના પેટમાં તેલ રેડાય. એમાંય ઈરાન ઈઝરાયલ માટે સૌથી મોટો ખતરો ગણાય છે. વર્ષ 2010 માં ‘ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી’ના નિરીક્ષકો ઈરાનમાં ‘નાતાન્ઝ યુરેનિયમ સંવર્ધન પ્લાન્ટ’ની મુલાકાતે ગયા હતા. તેમણે જોયું કે યુરેનિયમ ગેસને સમૃદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવાતા સેન્ટ્રીફ્યુજ સતત નિષ્ફળ થઈ રહ્યા હતા. એનું કારણ સંપૂર્ણપણે રહસ્યમય હતું. વૈજ્ઞાનિકો સમજી ન શક્યા કે આમ શા માટે થઈ રહ્યું હતું. 

પાછળથી ખ્યાલ આવ્યો હતો કે સ્ટક્સનેટ (Stuxnet) એક ખતરનાક કમ્પ્યુટર વાયરસ હતો, જે મોસાદ અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો હતો. એ વાયરસે ઈરાનના સેન્ટ્રીફ્યુજને એ રીતે નુકસાન પહોંચાડ્યું હતું કે જેથી સેન્ટ્રીફ્યુજ હદથી વધુ ઝડપથી ફરે અને નિષ્ફળ જાય. ‘ઓપરેશન સ્ટક્સનેટ’ દ્વારા ઈઝરાયલે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અટકાવી પાડ્યો હતો.

લગભગ 1000 જેટલા સેન્ટ્રીફ્યુજને નુકસાન પહોંચાડી દેનાર વાયરસ ઈરાનના અત્યંત સુરક્ષિત પરમાણુ પ્લાન્ટમાં રખાયેલા કોમ્પ્યુટરમાં કઈ રીતે પહોંચી ગયો, એ રહસ્ય આજ સુધી રહસ્ય જ રહ્યું છે. એને મોસાદની જડબેસલાક કારીગરી કહીશું?

5) પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા

મોહસેન ફખરીઝાદેહ ઈરાનના ટોચના પરમાણુ વિજ્ઞાની હતા. એમને લીધે ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવામાં સફળતા મળી જાય એમ હતું, તેથી ઈઝરાયલે વિજ્ઞાનીની હત્યા કરાવી દીધી. વર્ષ 2020માં AI ફીચરથી સજ્જ અને સેટેલાઇટથી નિયંત્રિત રિમોટ મશીનગન વડે એમની હત્યા કરવામાં આવી હતી. પૂર્વી તેહરાનમાં એમની કાર પર ગોળીઓનો વરસાદ વરસાવીને એમને યમસદને પહોંચાડી દેવાયા હતા. ઈરાને હત્યાનો સીધો આરોપ ઈઝરાયેલ પર લગાવ્યો હતો.


Google NewsGoogle News