Israel-Hamas War : ‘ગાઝામાં ભુખ્યા મરી જશે લોકો, ખતમ થવાની તૈયારીમાં અનાજ’, યુદ્ધ વચ્ચે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની ચેતવણી

ગાઝામાં પાણીની અછત બાદ અનાજનો જથ્થો પણ ખતમ થવાની તૈયારીમાં

ગાઝામાં દુકાનોમાં માત્ર ચાર અથવા પાંચ દિવસનો જ ખાદ્યભંડાર ઉપલબ્ધ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
Israel-Hamas War : ‘ગાઝામાં ભુખ્યા મરી જશે લોકો, ખતમ થવાની તૈયારીમાં અનાજ’, યુદ્ધ વચ્ચે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની ચેતવણી 1 - image

નવી દિલ્હી, તા.17 ઓક્ટોબર-2023, મંગળવાર

ઈઝરાયેલ-હમાસ વચ્ચે 11 દિવસથી ચાલી રહેલા યુદ્ધ (Israel-Hamas War)માં અત્યાર સુધીમાં બંને તરફી કુલ 4150 લોકોના મોત નિપજ્યા છે. હમાસના અચાનક આતંકવાદી હુમલાબાદ ઈઝરાયેલ પણ જડબાતોડ કાર્યવાહી કરી રહ્યું છે. હમાસે પહેલા મિસાઈલ હુમલા કરી ઈઝરાયેલમાં ભારે ખુંવારી સર્જી, જેમાં અસંખ્ય બિલ્ડિંગો-મકાનો ધરાશાઈ થયા. આ દરમિયાન આતંકવાદીઓએ ઈઝરાયેલમાં પ્રવેશી રોડ-રસ્તે આવતા-જતા લોકો પર પણ ફાયરિંગ કરતા રહ્યા અને લોકોને બંધક બનાવ્યા, તો ઈઝરાયેલ પણ વળતી કાર્યવાહી કરી હમાસ પર ભારે પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહ્યું છે. ઈઝરાયેલ એક પછી એક હમાસના આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી રહ્યું છે. ઈઝરાયેલે ગાઝા પર હલ્લાબોલ કરતા અસંખ્ય લોકોના મોત નિપજ્યા છે. હુમલા પહેલા ઈઝરાયેલે ગાઝાના લોકોને ત્યાંથી ખસી જવા અન્ય અન્યત્ર જતા રહેવા આદેશ આપ્યો હતો, ત્યારે હવે ગાઝામાં અનાજ અને પાણીની અછત (Gaza Water-Grain Crisis)ને લઈ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (World Food Programme)નો ચોંકાવરાનો રિપોર્ટ સામે આવ્યો છે.

ગાઝામાં દુકાનોમાં માત્ર 4થી 5 દિવસનો ખાદ્યભંડાર ઉપલબ્ધ

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)એ ચેતવણી આપી છે કે, ઈઝરાયેલ-હમાસના યુદ્દ વચ્ચે ગાઝામાં પાણીની અછત ઉપરાંત અનાજ ભંડાર પણ ખતમ થઈ રહ્યો છે. ડબલ્યુએફપીના જણાવ્યા મુજબ દુકાનોમાં પણ થોડા દિવસો સુધી ચાલે તેટલો જ અનાજનો જથ્થો બચ્યો છે. એપીના અહેવલ મુજબ ડબલ્યુએફપીના પ્રવક્તા અબીર એતેફાએ કહ્યું કે, ગાઝામાં દુકાનોમાં માત્ર ચાર અથવા પાંચ દિવસનો જ ખાદ્યભંડાર ઉપલબ્ધ છે. જ્યારે ગોડાઉનોમાં 2 સપ્તાહ સુધી ચાલે તેટલો અનાજનો જથ્થો છે, પરંતુ ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે, કારણ કે તે ગોડાઉનો ગાઝા શહેરમાં છે અને ગાઝાને ખાલી કરવાનો ઈઝરાયેલે આદેશ આપ્યો છે. જો અનાજનો જથ્થો ખતમ થઈ જશે તો ત્યાં લોકો ભુખ્યા મરી જશે.

યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 4150 લોકોના મોત

ઉલ્લેખનિય છે કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને આજે 11મો દિવસ છે. પેલેસ્ટાઈન (Palestine)ના આતંકવાદી સંગઠન હમાસે 7મી ઓક્ટોબરે ઈઝરાયેલમાં ઘૂસણખોરી 1400 લોકોની નિર્મમ હત્યા કરી નાખી હતી, જ્યારે ઈઝાયેલના જવાબી હુમલામાં ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 2750થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.


Google NewsGoogle News