ઈઝરાયેલના હજારો સૈનિકો શોધી રહ્યા છે પણ હમાસે બંધક બનાવેલા 240 લોકોનો કોઈ અતો પતો નથી
image : Twitter
તેલ અવીવ,તા.3 નવેમ્બર 2023,નવેમ્બર
ગાઝામાં બંધક બનાવાયેલા 240 નાગરિકોનો હજી સુધી ઈઝરાયેલને કોઈ અતો પતો મળ્યો નથી.
તેમને છોડાવવા માટે ઈઝરાયેલની સેના ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહી છે અને હમાસના ઘણા આશ્રય સ્થાનો ઈઝરાયેલની આર્મીએ બરબાદ કરી નાંખ્યા છે પણ હજી સુધી જેમનુ અપહરણ કરાયુ હતુ તે લોકોની ભાળ મળી નથી. અમેરિકા પણ આ બંધકોની તપાસ કરી રહી છે પણ જાણે બંધક બનાવાયેલા લોકો ગાયબ થઈ ગયા છે.
હવે મોટો સવાલ એ ઉભો થયો છે કે, તો પછી આ બંધકો ગયા ક્યાં?હમાસે સાત ઓક્ટોબરે કરેલા આતંકી હુમલામાં ઈઝરાયેલના ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. તેમને ગાઝામાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. 25 દિવસ પછી પણ તેમનો કોઈ અતો પતો મળ્યો નથી. હાલમાં ઈઝરાયેલે પોતાના હજારો સૈનિકો તેમજ ટેન્કો જેવા વાહનોને ગ્રાઉન્ડ ઓપરેશન માટે ગાઝામાં ઉતાર્યા છે.
ઈઝરાયેલની જાસસી સંસ્થા મોસાદ તેમજ સિન બેટની ટીમો પણ પોતાના નેટવર્ક થકી બંધકોની માહિતી મેળવવા માટે પ્રયાસો કરી રહી છે. બંધકોની ભાળ મેળવવા માટે ઈઝરાયેલે હાઈ ટેક ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે. આ માટે બોર્ડર પર ઈઝરાયેલે કમાન્ડ સેન્ટર ઉભા કર્યા છે.
અમેરિકન સ્પેશ્યલ ફોર્સીસ પણ તેમની જાણકારી મેળવવા માટે મેદાનમાં આવી છે. ઈઝરાયેલે પકડેલા હમાસના લોકોની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના ફોન પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
ઈઝરાયેલ બંધકોની ભાળ મેળવવા માટે યુએનના અધિકારીઓ તેમજ ગાઝામાં કામ કરી રહેલા રેડક્રોસના કાર્યકરો પર પણ દબાણ કરી રહ્યુ છે.