ઈઝરાયલે ગાઝાની મસ્જિદ પર કરી એર સ્ટ્રાઈક, 18નાં મોત, યુદ્ધને એક વર્ષ પૂરું થતાં લોકો એકઠાં થયા હતા
Israel-Hamas War: એક તરફ ઈઝરાયલની સેના હિઝબુલ્લાહ વિરુદ્ધ સતત હુમલા કરી રહી છે. બીજી તરફ ગાઝામાં પણ હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝાની એક મસ્જિદ પર રવિવારે (છઠ્ઠી ઓક્ટોબર) વહેલી સવારે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. પેલેસ્ટાઈનની હોસ્પિટલે આ અંગે મહિતી આપી છે.
યુદ્ધની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી માટે લોકો એકઠા થયા હતા
આ હુમલો મધ્ય ગાઝા પટ્ટીમાં દીર અલ-બલાહમાં અલ-અક્સા હોસ્પિટલ નજીકની એક મસ્જિદ પર થયો હતો. ઈઝરાયલ સાથેના યુદ્ધની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પેલેસ્ટિનિયન પ્રદેશોમાં લોકો એકઠા થયા હતા ત્યારે આ હુમલો થયો હતો. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા પર ઇઝરાયલના લશ્કરી હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 42,000 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
આ પણ વાંચો: મુંબઈની હચમચાવતી ઘટના, ઈમારતમાં ભીષણ આગને પગલે 2 બાળકો સહિત 5 જીવતાં ભડથું
ઉલ્લેખનીય છે કે, સાતમી ઓક્ટોબર 2023ની રાત્રે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા. જ્યારે 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ હુમલા બાદ ઇઝરાયલે હમાસ સામે યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 42,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.