'ઈઝરાયલે માનવીના હાડકાં પણ પીગાળી દે તેવા ફોસ્ફરસ બોમ્બ ઝિંક્યા', હમાસનો આરોપ, US ચિંતિત
લેબેનોન ઉપર પણ બોમ્બ ઝિંકાયા હોવાનો દાવો
બોમ્બની લપેટમાં આવનારા વ્યક્તિના તમામ અંગો જેવા કે હાર્ટ, કિડની લીવર ધીમે ધીમે ફેલ થવા લાગે છે
image : Twitter |
Israel vs Hamas war | ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધને કારણે દરરોજ મૃત્યુઆંક વધતો જઈ રહ્યો છે અને યુદ્ધ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. એક તરફ હમાસના લડાકૂઓ સંપૂર્ણ તાકાત સાથે લડી રહ્યા છે તો બીજી બાજુ ઈઝરાયલનું સૈન્ય ગાઝામાં ઘૂસીને હુમલા કરી રહ્યું છે. જોકે આ સૌની વચ્ચે ચિંતાજનક અહેવાલ એ છે કે આ યુદ્ધમાં ખતરનાક હથિયારો અને બોમ્બનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.
ઈઝરાયલ પર મોટો આરોપ, અમેરિકા પણ ચિંતિત
ઈઝરાયલ પર વ્હાઈટ ફોસ્ફરસ હથિયારોના (Israel Used White Phosphorus Weapon) ઉપયોગનો આરોપ લાગ્યો છે. તેને લઈને અમેરિકા પણ ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ગાઝામાં ઈઝરાયલના હુમલામાં 18000થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ગાઝામાં હોસ્પિટલોમાં જગ્યા ખૂટી પડી છે, લોકોને ભોજન મળી રહ્યું નથી. જ્યારે બીજી બાજુ ઈઝરાયલ હવાઈ અને જમીની એમ બંને જગ્યાએથી હુમલા કરી રહ્યું છે.
લેબેનોન ઉપર પણ બોમ્બમારો કર્યો
માહિતી અનુસાર લેબેનોનના હિઝબુલ્લાહ સંગઠને આ યુદ્ધમાં હમાસને સાથ આપ્યો હતો પરંતુ આરોપ છે કે ઈઝરાયલે સફેદ ફોસ્ફરસ બોમ્બ ઝિંકીને તેને શાંત કરી દીધો છે. આ સાથે હમાસે પણ પ્રતિબંધિત ફોસ્ફરસ બોમ્બ ઈઝરાયલ દ્વારા ઉપયોગમાં લેવાયાનો આરોપ મૂક્યો છે.
અમેરિકાએ શું કહ્યું?
ઘાતક બોમ્બના ઉપયોગ વિશે અમેરિકાએ કહ્યું કે અમે આ અહેવાલોને લઈને ચિંતિત છીએ અને આ મામલે માહિતી એકઠી કરી રહ્યા છીએ. સાચા ઉદ્દેશ્ય અને કાયદા હેઠળ જ સફેદ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ થાય તે અંગે અમેરિકા સંપૂર્ણ ધ્યાન આપી રહ્યું છે.
કેવો હોય છે આ બોમ્બ?
ફોસ્ફરસ એક એવો ઘાતક કેમિકલ હથિયાર છે જે મીણ જેવો હોય છે. રબર અને વ્હાઈટ ફોસ્ફરસ મિલાવીને ઘાતક હથિયાર બનાવાય છે. જો ક્યાંક વ્હાઈટ ફોસ્ફરસ બોમ્બ ઝિંકવામાં આવે તો ત્યાં આગ ઝડપથી ફેલાય છે. આ હથિયાર જેમ જેમ ઓક્સિજનના સંપર્કમાં આવે છે તેમ તેમ આગ ફેલાતી જાય છે. તે ઓક્સિજનને સંકોચી લે છે અને પાણી નાખો તોય આગ ઓલવાતી નથી. જો કોઈ વ્યક્તિ તેની લપેટમાં આવતા બચી પણ જશે તોય શ્વાસ લેવામાં એવી તકલીફ થશે કે તે મરી જ જશે. આ હથિયાર એટલો ઘાતક છે કે માનવીના હાડકાં પણ ઓગાળી દે છે. તે કોઈ કામની રહેતી નથી. તે વ્યક્તિના તમામ અંગો જેવા કે હાર્ટ, કિડની લીવર ધીમે ધીમે ફેલ થવા લાગે છે.