મિડલ ઈસ્ટમાં સ્થિતિ સ્ફોટક બનવાના એંધાણ, અમેરિકા બીજા 900 સૈનિકો અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરશે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
મિડલ ઈસ્ટમાં સ્થિતિ સ્ફોટક બનવાના એંધાણ, અમેરિકા બીજા 900 સૈનિકો અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરશે 1 - image

image : Twitter

વોશિંગ્ટન,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો જંગ વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે છે તેવો ડર અમેરિકાને લાગી રહ્યો છે. જેના પગલે અમેરિકાએ પોતાના 900 સૈનિકોને પશ્ચિમ એશિયામાં તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલા અમેરિકા મિડલ ઈસ્ટમાં પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર તો ઈઝરાયેલને મદદ કરવા માટે તૈનાત કરી જ ચુકયુ છે અને હવે વધારાના સૈનિકો પણ ઉતારી રહ્યુ છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં 6500 કરતા વધારે લોકોના મોત થઈ ચુકયા છે. બંનેમાંથી કોઈ પક્ષ ઝુકવા માટે તૈયાર નથી. ઈસ્લામિક દેશોની ધમકીને અવગણીને ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત બોમ્બ વરસાવી રહ્યુ છે. ગઈકાલે તો ઈઝારાયેલના ટેન્ક અને સેના બોર્ડર ક્રોસ કરીને ગાઝામાં ઘુસી હતી અને તબાહી મચાવીને પરત ફરી હતી.

આ સંજોગોમાં મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધારે સ્ફોટક બને તેમ લાગી રહ્યુ છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે કહ્યુ છે કે, આ જંગની વચ્ચે અમેરિકા દ્વારા 900 સૈનિકોને પશ્ચિમ એશિયામાં તૈનાત કરવામાં આવશે.

પેન્ટાગોનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ રાઈડરે કહ્યુ હતુ કે, સાથે સાથે એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે તેમણે આ સૈનિકો અને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ ક્યાં તૈનાત કરાશે તે જણાવ્યુ નહોતુ. તેમણે કહ્યુ હતુ કે, આ સૈનિકો ઈઝરાયેલ નથી જવાના પણ પશ્ચિમ એશિયામાં પહેલેથી મોજૂદ અમેરિકાની સેનાની સુરક્ષા મજબૂત કરવામાટે મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં પશ્ચિમ એશિયામાં 2000 સૈનિકોની તૈનાતી કરવાની તૈયારી થઈ રહી છે.

તેમણે કહ્યુ હતુ કે, 17 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર વચ્ચે અમેરિકા અને તેના સહયોગી દળો પર ઈરાકમાંથી 12 વખત અને સિરિયામાંથી ચાર વખત હુમલા થયા છે.

સાથે સાથે પેટ રાઈડરે કહ્યુ હતુ કે, અમેરિકા ઈઝરાયેલની સુરક્ષાને વધારવા માટે બે વધારાની આયરન ડોમ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરાવશે.


Google NewsGoogle News