ઈઝરાયલે ગાઝામાં વરસાવ્યો 'કહેર', 178ના મોત, 589 ઘાયલ, ખાન યુનિસ શહેરને ખાલી કરવા આપી ધમકી
એક દિવસ પહેલા જ યુદ્ધવિરામનું સમાપન થઈ ગયું હતું
ઈઝરાયલ પર રોકેટમારો પણ કરાવાયો
image : IANS |
Isreal vs Hamas war | ઈઝરાયલ અને હમાસ વચ્ચે શુક્રવારે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયા બાદ ઈઝરાયલી સૈન્યએ ગાઝા પટ્ટી પર ભારે બોમ્બમારો કર્યો હતો. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ બોમ્બમારામાં ગાઝાના 178 પેલેસ્ટિની નાગરિકોએ જીવ ગુમાવ્યા અને 589 લોકો ઘવાયા હતા.
યુદ્ધવિરામ બાદ ઈઝરાયલે ફરી હુમલા શરૂ કર્યા
શુક્રવારની સવારે એક સપ્તાહના યુદ્ધવિરામનો અંત આવ્યા બાદ ઈઝરાયલી સુરક્ષાદળોએ ગાઝામાં ફરી સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. બોમ્બમારા વચ્ચે ઈઝરાયલી સૈન્યએ ગીચ વસતી ધરાવતા દક્ષિણ ગાઝામાં આવેલા ખાન યુનિસ શહેરમાં પેમ્ફ્લેટ વરસાવીને લોકોને શહેર ખાલી કરવા ધમકાવ્યા હતા. તેમાં શહેરને ખતરનાક યુદ્ધ ક્ષેત્ર ગણાવ્યો હતો. તેનાથી સંકેત મળી રહ્યા છે કે ઈઝરાયલ તેના આક્રમણને વ્યાપક બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
ઈઝરાયલ પર રોકેટમારો
બીજી બાજુ ઈસ્લામિક ઈસ્લામિક જેહાદની સશસ્ત્ર શાખાએ ઈઝરાયલ તરફ અનેક રોકેટ ઝિંક્યાનો દાવો કર્યો છે. એક નિવેદનમાં આ જૂથે જણાવ્યું કે ગાઝામાં પેલેસ્ટિનીઓના ઈઝરાયલ દ્વારા કરાઈ રહેલા નરસંહારના જવાબમાં અમે ઈઝરાયલના તેલ અવીવ, અશદોદ અને અશ્કલોન શહેરમાં રોકેટમારો કર્યો હતો.
બ્લિંકનનો હમાસ પર આરોપ
બીજી બાજુ અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે પેલેસ્ટિની આતંકી સમૂહ હમાસ તેના વાયદાથી ફરી ગયો જેના લીધે યુદ્ધવિરામમાં અડચણો પેદા થઇ અને તેનું સમાપન થઈ ગયું. તેમણે કહ્યું કે મેં સ્પષ્ટ કરી દીધું છે કે યુદ્ધવિરામના અંત બાદ એ જરૂરી છે કે ઈઝરાયલ ગાઝામાં નાગરિકોની સુરક્ષા કરે અને આગળ માનવીય સહાય ચાલુ રાખે.