ઈઝરાયલનું નરમ વલણ, બંધકોની મુક્તિ માટે ડીલ કરવા તૈયાર, હજારો સૈનિકોને ગાઝાથી પાછા બોલાવશે
ઈઝરાયલ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે જ કરાયેલા ભીષણ હુમલામાં 35 પેલેસ્ટિનીઓના મોત
હમાસ સાથે ડીલ કરવા મધ્યસ્થી કતાર અને ઈજિપ્ત સાથે બેઠક કરવા મોસાદ પ્રમુખને સરકારે આપી લીલીઝંડી
Israel vs Hamas war | નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઈઝરાયલી યુદ્ધ કેબિનેટની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવયું કે બંધકોની મુક્તિ માટે કતાર અને ઈજિપ્તના મધ્યસ્થીઓ સાથે ચર્ચાને આગળ વધારવા માટે આ પગલું ભરાયું છે. સાથે જ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા અપહરણ કરી લેવાયેલા ઈઝરાયલના લગભગ 50 બંધકોની મુક્તિની સંભાવનાઓ વધી ગઈ છે.
સરકારે આપી મંજૂરી
ગુપ્તચર એજન્સી મોસાદના પ્રમુખ ડેવિડ બર્નિયાને બંધકોની મુક્તિ માટે ચર્ચા કરવા સરકારે લીલીઝંડી આપી દીધી છે. જોકે હમાસ દ્વારા મંત્રણાથી પીછેહઠ કરવા અને યુદ્ધની પૂર્ણ સમાપ્તિ પર ભાર મૂકવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે હમાસની ઓફરને ઈઝરાયલે નકારી કાઢી હોવાનો દાવો કરાયો છે. સંરક્ષણ મંત્રાલયના સુત્રોએ કહ્યું કે હમાસ વાતચીત કરવા તૈયાર છે કેમ કે આ સંગઠને દેશ સાથે યુદ્ધમાં તેના અનેક લડાકૂઓના મૃત્યુ જોયા છે.
5 લડાકૂ બ્રિગેડની વાપસી થશે
બીજી બાજુ ઈઝરાયલી સૈન્યએ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહેલા હજારો સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. આઈડીએફએ રવિવારે કહ્યું કે અમે 5 લડાકૂ બ્રિગેડને પરત બોલાવી રહ્યા છીએ જેથી સૈનિકોને આગળની લડાઈ માટે મજબૂત કરી શકાય.
નવા વર્ષે પણ બોમ્બમારો યથાવત્
બીજી બાજુ નવા વર્ષની શરૂઆતમાં જ ઈઝરાયલે ગાઝા પર બોમ્બમારો કરવાનું ચાલુ રાખ્યું હતું. જેના પગલે ગાઝામાં 35 પેલેસ્ટાઈનના નાગરિકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે ડઝનેક ઘાયલ થયા હતા.