'અમે ખુશ છીએ અને દુઃખી પણ...' ઈઝરાયલે મુક્ત કરેલા પેલેસ્ટિની કેદીઓના પરિજનોની જાણો પ્રતિક્રિયા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધ વિરામ સંધિ હેઠળ શુક્રવારે ઇઝરાયેલે 39 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા
Image Social Media |
તા. 25 નવેમ્બર 2023, શનિવાર
Israel vs Hamas war : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધ વિરામ સંધિ હેઠળ શુક્રવારે ઇઝરાયેલે 39 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા છે. બીજી તરફ હમાસે 13 ઇઝરાયેલ નાગરિકોએ મુક્ત કર્યા છે. આ સાથે જ 11 વિદેશી બંધકોને પણ મુક્ત કરવામાં આવ્યા છે. પેલેસ્ટાઈનના કેદીઓને મુક્ત કરવા ઓર તેમના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી આ સાથે જ તેઓ તે લોકો માટે પણ દુખી છે જેમણે ગાઝા પટ્ટીમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
પેલેસ્ટિનિયનોએ કહ્યું- ગાઝામાં જે થઈ રહ્યું છે તેનાથી દુઃખી
મુક્ત કરાયેલી પેલેસ્ટિનિયન મહિલા મરાહ બીરની માતા સાવસાન બીરે કહ્યું, 'આનાથી વધુ ખુશીની વાત નથી. જો કે, ગાઝામાં જે થઈ રહ્યું છે તેનાથી અમે પણ દુઃખી છીએ. તમને જણાવી દઈએ કે 2015માં 24 વર્ષીય મરાહને છરી વડે હુમલાના કેસમાં આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હવે મુક્ત થનાર કેદીઓમાં મારાહ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે સમજૂતી હેઠળ આગામી ત્રણ દિવસમાં વધુ 100 લોકોને મુક્ત કરવામાં આવશે અને જો યુદ્ધવિરામ લંબાય તો વધુ લોકોને મુક્ત કરવામાં આવી શકે છે.
લોકોએ વેસ્ટ બેંકની સડકો પર ઉજવણી કરી
ઇઝરાયેલ દ્વારા મુક્ત કરાયેલા લોકોનું સ્વાગત કરવા અને મુક્ત કરાયેલા કેદીઓની મુક્તિની ઉજવણી કરવા પશ્ચિમ કાંઠે બેટોનિયામાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સમય દરમિયાન, લોકોએ મુક્ત થયેલા કેદીઓને તેમના ખભા પર લઈ ગયા. લોકો પાસે પેલેસ્ટાઈન અને હમાસના ઝંડા હતા. કેટલાક લોકો હમાસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. મુક્ત કરવામાં આવેલ 17 વર્ષીય લેથ ઓથમેને કહ્યું કે તે સમજાવી શકતો નથી કે તે કેટલો ખુશ છે. ઓથમાને કહ્યું કે 'જેલની અંદરની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.'
હમાસ દ્વારા મુક્ત કરાયેલા ઈઝરાયેલના નાગરિકોની સારવાર ચાલુ
હમાસ દ્વારા મુક્ત કરાયેલા ઇઝરાયેલ અને વિદેશી નાગરિકોને મધ્ય ઇઝરાયેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે. જે હૉસ્પિટલમાં મુક્ત કરાયેલા લોકોને રાખવામાં આવ્યા છે તેના ડિરેક્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તમામ બંધકોની તબિયત સારી છે.