ગાઝા પર હુમલો થયા બાદ રશિયા જાગ્યું ! યુદ્ધ અટકાવવાની માંગ કરતો પ્રસ્તાવ UNએ ફગાવ્યો, માત્ર 4 દેશોએ સમર્થન આપ્યું
રશિયાના પ્રસ્તાવમાં ગાઝામાં નિર્દોષ લોકો પર હિંસાનો ઉલ્લેખ, જોકે હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરાયેલ હુમલાનો ઉલ્લેખ નહીં
15 સભ્યોવાળી સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવને માત્ર 4 દેશોનુંએ સમર્થન, 4 દેશોએ ફગાવ્યો, 6 દેશો ગેરહાજર રહ્યા
મોસ્કો, તા.17 ઓક્ટોબર-2023, મંગળવાર
ઈઝરાયેલ-હમાસના યુદ્ધ (Israel-Hamas War)ને આજે 11મો દિવસ છે, બંને દેશોમાં ભારે ખુંવારી સર્જાઈ છે. હમાસે શરૂ કરાયેલું યુદ્ધ તેને જ ભારે પડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. હમાસે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલ પણ આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ને મોટો ઝટકો લાગવાના અહેવાલો સામે આવ્યા છે. રશિયાએ બંને દેશોના યુદ્ધને અટકાવવા સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (United Nations Council)માં પ્રસ્તાવ રજુ કર્યો છે, જેને UNએ ફગાવી દીધો છે.
પ્રસ્તાવમાં ગાઝાનો ઉલ્લેખ, પરંતુ હમાસે ઈઝરાયેલ પર કરાયેલ હુમલાનો ઉલ્લેખ નહીં
રશિયા (Russia)એ પ્રસ્તાવમાં ગાઝામાં નિર્દોષ લોકો પર થઈ રહેલી હિંસાનો ઉલ્લેખ કર્યો છે, જેને લઈને તેણે યુદ્ધવિરામની માંગ કરી હતી. જોકે પ્રસ્તાવમાં હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલના નાગરિકો પર કરાયેલ હુમલાનો ઉલ્લેખ કરાયો નથી. આવી સ્થિતિમાં પશ્ચિમી દેશોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. 15 સભ્યોવાળી સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ પાસ કરાવવા 9 વોટની જરૂર હતી, જોકે પ્રસ્તાવને સમર્થનમાં માત્ર ચાર દેશોએ મતદાન કર્યું, જ્યારે ચાર દેશોએ તેના વિરુદ્ધ મતદાન કર્યું.
આ દેશોએ રશિયાના પ્રસ્તાવનું સમર્થન કર્યું
રશિયાના પ્રસ્તાવને સમર્થન આપનારાઓમાં ચીન (China), સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates), મોઝામ્બિક (Mozambique) અને ગૈબોન (Gabon) સામેલ છે, જ્યારે પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કરનારા દેશોમાં અમેરિકા (America), બ્રિટન (Britain), જાપાન (Japan) અને ફ્રાન્સ (France) સામેલ છે. જ્યારે મતદાન છ દેશો સામેલ થયા ન હતા.
યુદ્ધમાં 4150 લોકોના મોત
ઉલ્લેખનિય છે કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને આજે 11મો દિવસ છે. પેલેસ્ટાઈન (Palestine)ના આતંકવાદી સંગઠન હમાસે 7મી ઓક્ટોબરે ઈઝરાયેલમાં ઘૂસણખોરી 1400 લોકોની નિર્મમ હત્યા કરી નાખી હતી, જ્યારે ઈઝાયેલના જવાબી હુમલામાં ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 2750થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.