નેતન્યાહુએ જીદ છોડી, આખરે થયું યુદ્ધવિરામ, કઈ વાત પર થઈ સમજૂતી, હમાસ પણ તૈયાર
Israel-Hamas War : ઈઝરાયલ અને હમાસ વચ્ચે આઠ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ બાદ રાહતના અહેવાલો સામે આવ્યા છે. દક્ષિણ ગાઝાના રાફા શહેરમાં ચાલી રહેલા નરસંહાર વચ્ચે બંને દેશોએ કત્લેઆમ રોકવાનો નિર્ણય કર્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu)એ આદેશ કર્યા બાદ ઈઝરાયલી સેના અને હમાસે યુદ્ધ અટકાવી દીધું છે. સેનાએ જાહેરાત કરી છે કે, શહેરમાં વધુમાં વધુ માનવીય સહાયતા પહોંચાડવા માટે એક દિવસ હુમલો નહીં કરવામાં આવે.
ઈઝરાયલ-હમાસ વચ્ચે રફામાં ‘વ્યૂહાત્મક યુદ્ધવિરામ’
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ કહ્યું કે, જ્યાં સુધી આગામી આદેશ જાહેર ન થાય ત્યાં સુધી રાફા શહેર (Rafah City)માં સવારે 8.00થી સાંજે 7.00 વાગ્યા સુધી ‘વ્યૂહાત્મક યુદ્ધવિરામ (Strategic Cease Fire)’ રહેશે. બીજીતરફ આ માટે હમાસ પણ સંમત થયું છે.
યુદ્ધમાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુના મોત
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ-હમાસ વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં મોટાભાગે નિર્દોષ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. યુદ્ધના કારણે અત્યાર સુધીમાં લગભગ 40 હજારથી વધુ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. ગાઝાના ઘણા લોકો પોતાનો જીવ બચાવી રાફા શહેરની રાહત શિબિરોમાં શરણ લઈ રહ્યા છે, ત્યારે ઈઝરાયલ ઘણા દિવસથી આ શિબિરોને નિશાન બનાવી રહ્યું છે. બીજીતરફ ઈઝરાયલે દાવો કર્યો છે કે, હમાસના આતંકવાદીઓ પેલેસ્ટાઈનીઓના વેશમાં રાહત શિબિરોમાં શરણ લઈ રહ્યા છે અને તેઓ જ અમારા નિશાન પર છે.
માનવીય સહાયતા પહોંચાડવા ‘યુદ્ધવિરામ’ જાહેર કરાયું
IDFએ જણાવ્યું છે કે, ‘માનવીય સહાય લઈને આવેલા ટ્રકોને ઇઝરાયેલ દ્વારા નિયંત્રિત કેરેમ શાલોમ આંતરછેદ સુધી પહોંચવા દેવા માટે વ્યૂહાત્મક યુદ્ધવિરામ જાહેર કરાયો છે. આ ટ્રકો ગાઝાના અન્ય ભાગોમાં સહાય પહોંચાડવા માટે કેરેમ શાલોમથી સલાહ-એ-દિન હાઈવે સુધી સુરક્ષિત રીતે પહોંચી શકશે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) અને આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ સાથે સંકલન કરી સંઘર્ષ દરમિયાન વ્યૂહાત્મક યુદ્ધવિરામ જાહેર કરાયો છે.’ ઉલ્લેખનીય છે કે, કેરેમ શાલોમ માર્ગ પરથી જ ઇઝરાયેલી સેનાને સહાય અને પુરવઠો પહોંચાડવામાં આવે છે.