યુધ્ધના કારણે ગાઝામાં ભૂખમરાનુ સંકટ, દર 10માંથી નવ નાગરિકને રોજ ભોજનના ફાંફા
Image Source: Twitter
ગાઝા, તા. 10 ડિસેમ્બર 2023
હમાસ સામે ઈઝરાયેલે શરુ કરેલા યુધ્ધમાં ગાઝા પટ્ટીમાં ભારે તબાહી મચી છે. યુધ્ધના કારણે ગાઝામાં મરનારા નાગરિકોની સંખ્યા 17,700નો આંકડો વટાવી ચુકી છે તેવુ હમાસનુ કહેવુ છે અને તેમાં પણ બે તૃતિયાંશ તો મહિલાઓ અને બાળકો છે.
બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ સહાયતા અધિકારીએ કહ્યુ છે કે, યુધ્ધના કારણે ગાઝામાં ભૂખમરાનુ સંકટ ઘેરુ બન્યુ છે. પચાસ ટકા વસતી ભૂખે મરવા માટે મજબૂર છે.
યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કાર્લ સ્કાઉનુ કહેવુ છે કે, રાહત સામગ્રીનો માત્ર એક ટકો જ ગાઝા પટ્ટીમાં પહોંચ્યો છે. ગાઝામાં રહેતા 10માંથી નવ નાગરિકોને રોજ ખાવાનુ મળી રહ્યુ નથી. ગાઝાની વિકટ સ્થિતિના કારણે ત્યાં રાહત સામગ્રી પહોંચાડવી લગભગ અશક્ય બની ગયુ છે.
જાન માલની ભારે ખુવારી વચ્ચે ઈઝરાયેલે ફરી કહ્યુ છે કે, જ્યાં સુધી બાકીના ઈઝરાયેલી બંધકોની ઘર વાપસી નહીં થાય ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે.
ઈઝરાયેલનુ કહેવુ છે કે, 140 કરતા વધારે બંધકો હજી પણ હમાસના કબ્જામાં છે. બીજી તરફ ઈઝરાયેલની સેનાના એક અધિકારીએ બ્રિટિશ મીડિયાને કહ્યુ હતુ કે, કોઈ પણ નાગરિકની મોત અમારા માટે દર્દનાક છે પણ અમારી પાસે કોઈ વિકલ્પ નથી. અમે પોતે ગાઝા પટ્ટીમાં શક્ય હોય તેટલી મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. જોકે સારી વાત એ છે કે, હમાસના આતંકીઓ હવે સરેન્ડર કરી રહ્યા છે. જે તેમનુ નેટવર્ક તુટી પડવાની અણી પર હોવાની નિશાની છે.