Israel-Hamas War : ગાઝામાં ફસાયેલ વિદેશી નાગરિકોને રાહત, ઈજિપ્તે રફા બોર્ડર ખોલી ઘણા લોકોને આપી એન્ટ્રી

યુદ્ધ બાદ ઈજિપ્તની રફા બોર્ડર માત્ર ગાઝામાં માનવીય સહાય પહોંચાડવા ખોલાઈ હતી, હવે વિદેશી નાગરિકોને અપાઈ એન્ટ્રી

કતાર અને અમેરિકાએ સમજુતી હેઠળ ઈજિપ્ત, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરાવ્યા બાદ ખોલાઈ ઈજિપ્તની રફા બોર્ડર

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
Israel-Hamas War : ગાઝામાં ફસાયેલ વિદેશી નાગરિકોને રાહત, ઈજિપ્તે રફા બોર્ડર ખોલી ઘણા લોકોને આપી એન્ટ્રી 1 - image

જેરુસલેમ, તા.01 નવેમ્બર-2023, બુધવાર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)ને આજે 27મો દિવસ છે, ત્યારે યુદ્ધ વચ્ચે ઈજિપ્તે (Egypt) મોટી ભૂમિકા નિભાવી છે. અત્યાર સુધી ગાઝા (Gaza)માં માનવીય સહાયતા માટે રફા બોર્ડર (Rafah Border) ખોલવામાં આવી હતી, હવે આ બોર્ડર પરથી ગાઝામાં ફસાયેલ વિદેશી નાગરિકોની પ્રથમ બેંચ ઈજિપ્ત પહોંચી છે. આ બેંચમાં મહિલાઓ, વૃદ્ધો, બાળકો સહિત યુવાઓ પણ સામેલ છે. યુદ્ધ શરૂ થયા બાદ ઈજિપ્તે પ્રથમવાર લોકો માટે રફા બોર્ડર ખોલી પોતાના દેશમાં પ્રવેશની મંજૂરી આપી છે.

એક માત્ર રફા બોર્ડર પરથી પહોંચાડાય છે ગાઝામાં સહાય

વાસ્તવમાં રફા સરહદ ઈજિપ્ત અને ગાઝા પટ્ટી વચ્ચે એકમાત્ર ક્રોસિંગ પોઈન્ટ છે. આ સરહદ પરથી ગાઝાથી ઈજિપ્ત અને ઈજિપ્તથી ગાઝા સરળતાથી આવન-જાવન કરી શકાય છે. યુદ્ધ શરૂ થયા બાદ ઈજિપ્તે રફા સરહદ પર લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે રફા બોર્ડર પરથી વિવિધ દેશોની સહાય ગાઝામાં મોકલાઈ રહી છે.

માત્ર આ લોકોને જ રફા બોર્ડર ક્રોસ કરવાની મંજૂરી

ઉલ્લેખનિય છે કે, સમજુતી હેઠળ કતાર અને અમેરિકાએ ઈજિપ્ત, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરી છે. સમજુતી હેઠળ ગાઝામાંથી મર્યાદિત લોકોને કાઢવાની મંજૂરી અપાઈ છે. સૂત્રોના દાવા મુજબ સમજુતી મુજબ માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા લોકો અને ગંભીર ઈજાગ્રસ્તોને જ બોર્ડર ક્રોસ કરવાની મંજૂરી અપાશે. જોકે કેટલા લોકોને ગાઝામાંથી બહાર કાઢવામાં આવશે, તેની કોઈ માહિતી સામે આવી નથી.

ઈઝરાયેલનો ગાઝામાં આક્રમક હુમલો

હમાસના ઈઝારાયેલ પર હુમલા બાદ ઈઝરાયેલી સેના આક્રમક જવાબ આપી રહી છે. ઈઝરાયે-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં મોટાપાયે ખુવારી સર્જાઈ છે. વડાપ્રધાન બેન્જામિન નેત્યાન્યાહુ (PM Benjamin Netanyahu)એ પણ હમાસને ખતમ કરવાની ચેતવણી આપી છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના સતત હુમલામાં અત્યાર સુધીમાં 3500 બાળકો સહિત 8500થી વધુ લોકોના મોત અને 2100થી વધુ પેલેસ્ટાઈનીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. ગાઝાના અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલામાં ધરાશાઈ થયેલ ઈમારતોના કાટમાળ નીચે 1000થી વધુ લોકો હજુ પણ લાપતા છે. ઈઝરાયેલે 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ગાઝા પર 18000 ટનથી વધુ વિસ્ફોટક સામગ્રીથી હુમલો કર્યો છે.


Google NewsGoogle News