Israel Hamas War: 'ગાઝામાં રક્તપાત માટે અમેરિકા જવાબદાર', પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસનો મોટો આરોપ
Israel Hamas War : ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને પેલેસ્ટાઈન રાજ્યના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ગાઝામાં રક્તપાતને લઈને અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે. તેમણે ગાઝામાં માનવીય યુદ્ધવિરામની માંગ કરનારા UNSCના પ્રસ્તાવ પર અમેરિકાના વીટોને પેલેસ્ટાઈન વિરૂદ્ધ યુદ્ધ અપરાધ ગણાવ્યો છે.
પેલેસ્ટાઈનની રાષ્ટ્રપતિ ઓફિસ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં મહમૂદ અબ્બાસે અમેરિકન વલણને આક્રામક અને અનૈતિક, તમામ માનવીય સિદ્ધાંતો અને મૂલ્યોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે અને ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના રક્તપાત માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ હમાસમાં ચાલી રહેલા યુદ્ધમાં તાત્કાલિક માનવીય યુદ્ધવિરામના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફગાવી દેવાયો છે. અમેરિકાએ શુક્રવારે UNSCના આ પ્રસ્તાવ વિરૂદ્ધ પોતાના વીટો પાવરનો ઉપયોગ કરી દીધો.
આંતરરાષ્ટ્રીય અધિકારી સમૂહોએ અમેરિકાની ટીકા કરી
આ પહેલા વિશ્વ નેતાઓ, આંતરરાષ્ટ્રીય અધિકાર સમૂહો અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ ગાઝામાં તાત્કાલિક માનવીય યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવનો વીટો કરવા અને યુદ્ધને રોકવામાં નિષ્ફળ રહેવા માટે અમેરિકાની ટિકા કરી છે. જેમાં 7 ઓક્ટોબરથી 17,400થી વધુ પેલેસ્ટાઈનના લોકો અને ઈઝરાયલના 1,100 લોકોના મોત થયા છે.
યુદ્ધવિરામનો પ્રસ્તાવ ન થઈ શક્યો પસાર
જણાવી દઈએ કે, સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા પ્રસ્તાવ પર વીટો કરવા અને બ્રિટનની ગેરહાજરી રહ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં શુક્રવારે પ્રસ્તાવ પાસ ન થઈ શક્યો. UNSCના 15 સભ્યોમાંથી બાકીના 13એ સંયુક્ત અરબ અમીરાત દ્વારા રાખવામાં આવેલા પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું.
ઈઝરાયલે રાખ્યો પોતાનો પક્ષ
પેલેસ્ટાઈનના વડાપ્રધાન મોહમ્મદ શતયેહે કહ્યું કે વીટો અપમાનજનક છે અને કબજાવાળા રાજ્યને નષ્ટ કરવા અને વિસ્થાપિત કરવા માટે આપવામાં આવેલ વધુ એક ખાલી ચેક છે. હમાસે અમેરિકાના વીટોની આકરી નિંદા કરતા કહ્યું કે, તેઓ વોશિંગટનના પગલાને અનૈતિક અને અમાનવીય માને છે. ત્યારે ઈઝરાયલના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત ગિલાદ એર્દાને મતદાન બાદ UNSCને સંબોધિત ન કરી, પરંતુ એક નિવેદનમાં તેમણે કહ્યું કે, યુદ્ધવિરામ માત્ર તમામ બંધકોની વાપસી અને હમાસના વિનાશની સાથે જ સંભવ થશે.