'16 વર્ષ બાદ હમાસે ગાઝા પર નિયંત્રણ ગુમાવી દીધું...' ઈઝરાયલના સંરક્ષણમંત્રી ગેલન્ટનો મોટો દાવો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને દોઢ મહિનો થવા આવ્યો
અત્યાર સુધી ગાઝામાં ઈઝરાયલના હુમલાને કારણે 11240 લોકોના મોત થયા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે દોઢ મહિનો થવા આવ્યો છે ત્યારે ગાઝામાં ઇઝરાયેલના હુમલાને કારણે 11,240 લોકોના મોત થયા છે. જેમાં 4630 બાળકોનો સમાવેશ થાય છે. ગાઝા પર હુમલાના કેટલાક દિવસો બાદ ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટે દાવો કર્યો છે કે હમાસે ગાઝા પરનું નિયંત્રણ ગુમાવી દીધું છે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રીનું મોટું નિવેદન
અહેવાલ મુજબ, ઇઝરાયેલના સંરક્ષણમંત્રીએ કહ્યું કે હમાસ હવે ગાઝાની પટ્ટી પર નિયંત્રણ ગુમાવી ચૂક્યું છે જેના પર તેણે 16 વર્ષથી કબજો જમાવ્યો હતો. હમાસના લડાકૂઓ દક્ષિણ તરફ ભાગી રહ્યા છે. હમાસના ઠેકાણા હવે નાગરિકો લૂંટી રહ્યા છે. ગેલન્ટે કોઈપણ પુરાવા આપ્યા વિના કહ્યું કે ગાઝાના નાગરિકોને સરકાર (હમાસ સરકાર)માં કોઈ વિશ્વાસ નથી.
અલ-શિફા હોસ્પિટલમાંથી ખરાબ સમાચાર
ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ-શિફા કેટલાક દિવસોથી યુદ્ધનું કેન્દ્ર બની છે. ઈઝરાયેલ પર આ હોસ્પિટલ પર હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તે હોસ્પિટલની આસપાસ હમાસના લડાકૂઓને નિશાન બનાવી રહી છે. સેનાએ દાવો કર્યો છે કે હમાસ હોસ્પિટલની નીચે તેનું કમાન્ડ સેન્ટર ચલાવી રહ્યું છે.
પાયાની સુવિધાઓની અછત વર્તાઈ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માહિતી અનુસાર ઈઝરાયેલના હુમલામાં હોસ્પિટલની ત્રણ નર્સોના મોત થયા હતા. જ્યારે હમાસના આરોગ્ય મંત્રાલયની માહિતી અનુસાર અલ શિફા હોસ્પિટલ પર થયેલા હુમલાને કારણે 6 પ્રિમેચ્યોર બાળકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે બાળકોના મોત પાછળનું કારણ ઈંધણ અને વીજળીનો અભાવ હતો. આ સમસ્યા ઈઝરાયેલના હુમલાને કારણે સર્જાઈ છે.