હમાસના આતંકીઓનો સામનો કરનાર ઈઝરાયેલની મહિલા સૈનિકની 16 વર્ષના કિશોરે ચાકુ મારી હત્યા કરી
image : Twitter
તેલ અવીવ,તા.8 નવેમ્બર 2023,બુધવાર
હમાસ અને ઈઝરાયેલના જંગ વચ્ચે ઈઝરાયેલની સેનાની એક મહિલા સૈનિક રોઝ લુબિનની સરેઆમ 16 વર્ષના કિશોરે ચાકુ મારીને હત્યા કરી નાંખી છે.
રોઝ 2019માં અમેરિકાથી ઈઝરાયેલ આવી હતી અને 2022માં તે ઈઝરાયેલી સેનામાં સામેલ થઈ હતી. તે અન્ય બે સૈનિકો સાથે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેના પર ચાકુ વડે હુમલો થયો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં હોસ્પિટલમાં તેનુ મોત થયુ હતુ.
રોઝ ઓટાફ વિસ્તારના કિબુત્ઝમાં રહેતી હતી. સાત ઓકટોબરે હમાસે આતંકી હુમલો કર્યો ત્યારે તેણે બહાદુરીપૂર્વક હમાસના આતંકીઓનો સામનો કરીને કિબુત્ઝના મુખ્ય પ્રવેશ દ્વારની રક્ષા કરી હતી. જેથી આતંકીઓ અંદર ના પ્રવેશી શકે.
આ અથડામણ પછી પણ તે હમાસ સામેના ઓપરેશનમાં સામેલ થવા માટે ઈચ્છુક હતી અને તેણે આરામ કરવાની ઓફર પણ ઠુકરાવી દીધી હતી. રોઝના માતા પિતા તેમજ ચાર ભાઈ બહેનો અમેરિકાના જ્યોર્જિયામાં રહે છે. તે એકલી જ ઈઝરાયેલ આવી હતી અને ગત વર્ષે જ સેનામાં જોડાઈ હતી.
ઈઝરાયેલી સેનાના અધિકારીના કહેવા પ્રમાણે રોઝ હંમેશા કોઈ પણ મિશન કે ઓપરેશનમાં ભાગ લેવા માટે તત્પર રહેતી હતી. તેણે ફિટનેસ ટ્રેનર તરીકેનો પણ કોર્સ કર્યો હતો. તેના પિતાએ જ્યારે મળવા આવ્યા ત્યારે તેમણે કહ્યુ હતુ કે, મારી દીકરી ઈઝાયેલમાં જ રહેવા માંગે છે અને હવે તેને અહીંથી અ્મેરિકા પાછી લઈ જવી શક્ય નથી.
તેના સબંધીઓએ સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે, રોઝે પોતાના કિબુત્ઝમાં રહેતા બે બાળકોને પણ દત્તક લીધા હતા અને ઈઝરાયેલની રક્ષા કરવાનુ સપનુ લઈને તે અમેરિકાથી ઈઝરાયેલ આવીને અહીંયા સ્થાયી થઈ હતી. અમારા માટે તેનુ નિધન ક્યારેય ના પૂરાય તેવી ખોટ સાબિત થશે.