ઈઝરાયેલે બંધકોની મુક્તિના બદલામાં બે મહિનાના યુધ્ધ વિરામનો પ્રસ્તાવ મુકયો
image : Twitter
તેલ અવીવ,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે ઈઝરાયેલે યુધ્ધ વિરામનો પ્રસ્તાવ મુકયો છે.
ઈઝરાયેલ દ્વારા આ પહેલ કરવામાં આવી છે અને આ પ્રસ્તાવમાં ઈઝરાયેલે બે મહિના માટે જંગ રોકવાની તૈયારી બતાવી છે. ઈઝરાયેલે હમાસ સાથેના જંગમાં મધ્યસ્થી કરી રહેલા કતાર અને ઈજિપ્ત થકી હમાસને ઉપરોક્ત પ્રસ્તાવ મોકલ્યો છે.
આ વાતની જાણકારી ઈઝરાયેલના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ આપી હતી. ઈઝરાયેલે યુધ્ધ રોકવા માટે જે પ્રસ્તાવો મોકલ્યો છે તેમાં ગાઝામાં બંધક બનાવાયેલા તમામ નાગરિકોને મુક્ત કરવા માટેની માંગ મુકવામા આવી છે.
ઈઝરાયેલની સરકાર પર બંધકોને છોડાવવા માટે તેમના પરિવારજનોનુ દબાણ વધી રહ્યુ છે. તેઓ ઈઝરાયેલમાં રસ્તા પર ઉતરીને દેખાવો પણ કરી રહ્યા છે. સોમવારે બંધકોના પરિવારજનો સંસદમાં ચાલી રહેલી નાણાકીય સમિતિની બેઠકમાં ઘૂસી ગયા હતા અને તેમણે કહ્યુ હતુ કે, ગાઝામાં બંધકોની હત્યા થઈ રહી છે અને અહીંયા તમે ઉપરા છાપરી બેઠકો યોજી રહ્યા છો.
રવિવારે રાત્રે પણ બંધકોના પરિવારજનોએ ઈઝરાયેલ સરકાર સામે ઉગ્ર વિરધ પ્રદર્શન કર્યુ હતુ.
ઈઝરાયેલ સરકાર દ્વારા બે મહિના કરતા વધારે સમયથી હમાસ સામે જંગ છેડવામાં આવ્યો છે. આમ છતા હજી સુધી તમામ બંધકોને છોડાવવામાં ઈઝરાયેલની સેનાને અને સરકારને સફળતા મળી નથી અને આ જ કારણોસર હવે ઈઝરાયેલ સરકાર બંધકોની મુક્તિના બદલામાં યુધ્ધ વિરામનો પ્રસ્તાવ મોકલવા માટે મજબૂર બની હોવાનુ મનાઈ રહ્યુ છે.