યુધ્ધ વિરામ બાદ ઈઝરાયેલ ફરી યુધ્ધ શરુ કરવા માટે તૈયારઃ પીએમ નેતાન્યાહૂ
image : Twitter
તેલ અવીવ,તા.30 નવેમ્બર 2023,ગુરૂવાર
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનો યુધ્ધ વિરામ લંબાશે કે નહીં તેની અટકળો વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ઈઝરાયેલ યુધ્ધ ચાલુ રાખવા તૈયાર હોવાનો સંકેત આપ્યો છે.
નેતાન્યાહૂએ કહ્યુ હતુ કે, છેલ્લા કેટલાક દિવસોથી સતત સવાલ પૂછાઈ રહ્યો છે કે, બંધકોની વાપસી બાદ ઈઝરાયેલ ફરી યુધ્ધ શરુ કરશે તો...મારો જવાબ સ્પષ્ટ છે કે, હા અમે ફરી યુધ્ધ શરુ કરવા જઈ રહ્યા છે. બંધકો મુકત કરાશે તે પછી અમે લશ્કરી અભિયાન ફરી શરુ કરીશું.
નેતાન્યાહૂએ કહ્યુ હતુ કે, એવી કોઈ સ્થિતિ નથી કે અમારે છેવટ સુધીની લડાઈમાંથી પીછેહઠ કરવી પડે. આ મારી નીતિ છે અને મારી કેબિનેટ પણ તેની સાથે સંમત છે. સમગ્ર સરકારનો આ નીતિને સપોર્ટ છે. સૈનિકો પણ લડાઈ અટકાવવા નથી માંગતા.
બીજી તરફ હમાસે પણ એક નિવેદન આપતા કહ્યુ છે કે, સંઘર્ષ વિરામની સમાપ્તિ બાદ ઉભી થનારી શક્યતાઓને લઈને અમે તૈયારી કરી દીધી છે. જો ઈઝરાયેલ હુમલો કરશે તો અમે વળતો જવાબ આપીશું અને જો ઈઝરાયેલ શાંતિ રાખશે તો અમે પણ શાંત રહીશું.
બુધવારે રાત્રે ગાઝામાંથી ઈઝરાયેલના 16 લોકોને મુક્ત કરવામાં આવશે. અત્યાર સુધી હમાસે 97 લોકોને મુકતા કર્યા છે પણ હજી તેની પાસે બીજા 159 નાગરિકો બંધક હોવાનુ અનુમાન થઈ રહ્યુ છે.