સારું થયુ હમાસના આતંકીઓના હાથે તેનુ મોત થયુ, આઠ વર્ષની બાળકીના પિતાએ દીકરીની હત્યાનુ સ્વાગત કર્યુ

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
સારું થયુ હમાસના આતંકીઓના હાથે તેનુ મોત થયુ, આઠ વર્ષની બાળકીના પિતાએ દીકરીની હત્યાનુ સ્વાગત કર્યુ 1 - image

તેલ અવીવ,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર

ઈઝરાયેલ પરના હુમલા દરમિયાન હમાસના આતંકીઓએ સેંકડો ઈઝરાયેલીઓની હત્યા કરી હતી અને તેમાં એક આઠ વર્ષની બાળકી એમિલીનો પણ સમાવેશ થતો હતો.

દીકરીની હત્યા થઈ હોવાનુ જાણ્યા બાદ તેના પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. પોતાની પુત્રીની મોત પર પિતા કેમ રાહત અનુભવતા હતા તે જાણીને હૈયુ ચીરાઈ જશે.

એમિલી આયરલેન્ડની નાગરિક છે. તેના પિતાનુ નામ થોમસ હેન્ડ છે. ઈઝરાયેલના બીરી કિબુત્ઝમાં તેઓ હતા ત્યારે હમાસનો આતંકી હુમલો થયો હતો. તેમને આ વાતની ખબર પડી ત્યારે તેમણે દીકરીના મોતનુ સ્વાગત કર્યુ હતુ અને કહ્યુ હતુ કે, દીકરીનુ મોત હમાસની કેદની ભયાનકતાના મુકાબલે તો તેના માટે આશીર્વાદ સમાન જ છે.

અમેરિકન ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં થોમસે કહ્યુ હતુ કે, જ્યારે મને ખબર પડી કે એમિલીનુ મોત થય છે ત્યારે અમે રાહત અનુભવી હતી. ભાવુક બનેલા પિતાએ આગળ કહ્યુ હતુ કે, જો તે જીવતી રહી હોત તો શક્ય છે કે હમાસના આતંકીઓ તેનુ અપહરણ કરીને ગાઝામાં લઈ ગયા હોત. બધા જાણે જ છે કે ગાઝામાં તેઓ શું કરત..તે મોત કરતા પણ ખરાબ હોત. ત્યાં ખાવાનુ નથી...પાણી નથી...એક અંધારા ઓરડામાં તેને પૂરી રાખવામાં આવી હોત અને ભગવાન જ જાણે છે કે, એક રુમમાં કેટલા કેદીઓને પૂરવામાં આવ્યા હોત...પળે પળ તે ભયના ઓથાર હેઠળ જીવી રહી હોત એટલે મને લાગે છે કે, તેના માટે મોત આશીર્વાદ બનીને આવ્યુ હતુ.

એમિલીના પિતાનુ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. જે પણ આ નિવેદનનો વિડિયો જુએ છે તે બે ઘડી સ્તબ્ધ થઈ જાય છે અને એક પિતાની વેદના વિડિયો જોનારાને પણ અંદરથી હચમચાવી નાંખે છે.

જાણીતા લેખિકા સુનંદા વશિષ્ઠે એમિલીના પિતાનો વિડિયો શેર કરીને કહ્યુ છે કે, અમે કાશ્મીરમાં રહેતા હતા અને આતંકીઓ જ્યારે હુમલો કર્યો હતો ત્યારે મારા દાદાએ પણ મને કહ્યુ હતુ કે, હું આતંકીઓના હાથમાં તને જવા દવા કરતા મારી નાંખવાનુ વધારે પસંદ કરીશ.


Google NewsGoogle News