‘રશિયા હમાસ આતંકીઓને તુરંત બહાર કાઢે’ મોસ્કોમાં હમાસની મીટિંગ મામલે ભડક્યું ઈઝરાયેલ, પુતિનના ખાસ દૂતે આપી સ્પષ્ટતા
ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું કે, રશિયા હમાસના આતંકવાદીઓને તુરંત હાંકી કાઢે
મોસ્કોમાં હમાસ પ્રતિનિધિમંડળની બેઠક મુદ્દે રશિયાએ પોતાનો બચાવ કર્યો
જેરુસલેમ, તા.27 ઓક્ટોબર-2023, શુક્રવાર
ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે હમાસનું પ્રતિનિધિમંડળ 26મી ઓક્ટોબરે રશિયા પહોંચ્યું હતું, જેમાં ઈરાન (Iran)ના મંત્રી પણ હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)ના વિશેષ દૂત મિખાઈલ બોગદાનોવ (Mikhail Bogdanov) અને વિદેશ બાબતોના ઉપમંત્રી પણ બેઠકમાં હાજર હતા. ત્યારે આ બેઠકને લઈ ઈઝરાયેલ ખુબ જ ગુસ્સે ભરાયું છે અને તેણે વિરોધ નોંધાવ્યો છે. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે રશિયા સરકારને વિનંતી કરી રહ્યા છે કે, તેઓ હમાસના આતંકવાદીઓને તુરંત હાંકી કાઢે. ઈઝરાયેલના આ નિવેદન બાદ રશિયાએ પણ પ્રતિક્રિયા આપી છે.
મોસ્કોમાં હમાસ પ્રતિનિધિમંડળની બેઠક મુદ્દે રશિયાએ પોતાનો બચાવ કર્યો
રશિયાએ કહ્યું કે, ઈઝરાયેલ-પેલેસ્ટાઈની યુદ્ધમાં તમામ પક્ષો સાથે સંપર્ક રાખવો જરૂરી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે (Dmitry Peskov) કહ્યું કે, હમાસના પ્રતિનિધિમંડળ અને ઈરાનના મંત્રીએ રશિયાના વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી, જોકે ક્રેમલિનનો તેમની સાથે સંપર્ક થયો નથી. ઉપરાંત હમાસના પ્રતિનિધિમંડળને આમંત્રણ આપવાના નિર્ણયનો પણ બચાવ કરવામાં આવ્યો છે.
મોસ્કોમાં યોજાયેલ બેઠકમાં શું લેવાયો નિર્ણય ?
ઉલ્લેખનિય છે કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે પેલેસ્ટાઈનું સમર્થન કરતા અગાઉ રશિયાએ કહ્યું હતું કે, ‘સ્વતંત્ર સંપ્રભુ’ પેલેસ્ટાઈની રાજ્યનું નિર્માણ એક જરૂરીયાત છે. દરમિયાન રશિયામાં યોજાયેલ બેઠક બાદ ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું હતું કે, હમાસ બંધક બનાવાયેલા લોકોને છોડવા અને તેમને ઈરાનને સોંપવા માટે તૈયાર છે. હમાસના પ્રતિનિધિમંડળે રશિયાના રાષ્ટ્રપતિના વલણની પણ પ્રશંસા કરી છે અને રશિયાની રાજનીતિની સક્રિય ભૂમિકાને પણ સ્વિકારી છે.
યુદ્ધમાં અત્યાર સુધીમાં 7000થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈઝરાયેલે હમાસ શાસિત ગાઝા (Gaza)માં હુમલા શરૂ કર્યા બાદ અહીં 2900થી વધુ સગીરો, 1500થી વધુ મહિલાઓ સહિત 7000થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. હમાસે 7 ઓક્ટોબરે દક્ષિણી ઈઝરાયેલમાં હુમલો શરૂ કર્યો હતો, ત્યારબાદ ઈઝરાયેલો વળતો જવાબ આપી વિનાશકારી હવાઈ હુમલા શરૂ કર્યા. ઈઝરાયેલના વળતા હુમલાના કારણે ગાઝામાં સામાન્ય લોકોની સ્થિતિને લઈને વિશ્વભરની ચિંતાઓ વધી રહી છે. તો ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું કે, હમાસના વરિષ્ઠ અધિકારીઓના હાથ 1400થી વધુ ઈઝરાયેલીઓના ખૂનથી રંગાયેલા છે, જેમની હત્યા કરવામાં આવી અને તેમને સળગાવી દેવામાં આવ્યા. ઉપરાંસ હમાસ શિશુઓ, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 220થી વધુ ઈઝરાયેલીઓના અપહરણ માટે પણ જવાબદાર છે.