ગાઝામાં ચાલી રહેલા યુધ્ધને અટકાવવા માટે ઈઝરાયેલને સમજાવે ભારતઃ ઈરાનના રાષ્ટ્રપતિ
image : twitter
તહેરાન,તા.7 નવેમ્બર 2023,મંગળવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનુ યુધ્ધ રોકવામાં ઈરાને અત્યાર સુધીમાં કરેલા તમામ પ્રયાસો નિષ્ફળ પૂરવાર થયા છે. હવે ઈરાનના રાષ્ટ્રપતિએ ભારતને આ યુધ્ધ રોકવા માટે ઈઝરાયેલને સમજાવવા માટે અપીલ કરી છે.
મળતી વિગતો પ્રમાણે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રઈસીએ સોમવારે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ આતંકી ઘટનાઓ, હિસા તેમજ આમ નાગરિકોના મોત પર ચિંતા વ્યક્ત કરી હતી.
ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીએ પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, ઈઝરાયેલ દ્વારા ગાઝામાં થઈ રહેલી કાર્યવાહીન રોકવા માટે ભારતે પોતાની તમામ ક્ષમતાઓનો ઉપયોગ કરવો જોઈએ. ઈરાન દ્વારા અત્યાચારનો ભોગ બનેલા ગાઝાના લોકોને કોઈ પણ પ્રકારની સહાયતા પૂરી પાડવાના પ્રયાસનુ સમર્થન કરવામાં આવી રહ્યુ છે. પેલેસ્ટાઈનના લોકોનો જે પ્રકારે હત્યાકાંડ આચરવામાં આવી રહ્યો છે તે જોઈને દુનિયાના તમામ તટસ્થ દેશો નારાજ છે અને આ પ્રકારના નરસંહારના પરિણામ બહુ ખરાબ હશે.
આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ પેલેસ્ટાઈન મુદ્દે ભારતે પહેલેથી જે વલણ અપનાવ્યુ છે તેના પર કાયમ હોવાનુ કહ્યુ હતુ.
વાતચીત દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિએ ઈરાનના ચાબહાર પોર્ટ સહિતની યોજનાઓ પરના આર્થિક સહકારને ભારત મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
પીએમ મોદીએ પણ વાતચીત દરમિયાન આતંકી ઘટનાઓ, હિંસા તેમજ સામાન્ય માણસોના મોત પર ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે સાથે કહ્યુ હતુ કે, પશ્ચિમ એશિયા વિસ્તારમાં લોકોને માનવીય સહાયતા મળે તેમજ આ વિસ્તારમાં શાંતિ સ્થપાય તે જરુરી છે. સાથે સાથે ચાબહાર પોર્ટ ડેવલપમેન્ટ માટે બંને દેશો વચ્ચે થઈ રહેલી પ્રગતિ પણ નોંધપાત્ર છે.