હમાસના આતંકીઓનો કાળ બની આ યુવતી, પોતાના સાથીદારો સાથે મળી 25 આંતકીઓને ઢાળી દીધા

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
હમાસના આતંકીઓનો કાળ બની આ યુવતી, પોતાના સાથીદારો સાથે મળી 25 આંતકીઓને ઢાળી દીધા 1 - image

image : twitter

તેલ અવીવ,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર

હમાસના આતંકી હુમલામાં સેંકડો ઈઝરાયેલીઓના શનિવારે મોત થયા હતા.  જોકે હમાસ માટે 25 વર્ષની ઈઝરાયેલી યુવતી ઈનબાર લીબરમેન કાળ સાબિત થઈ હતી. 

આ યુવતીએ પોતાના કેટલાક સાથીદારોની મદદથી પોતાના કિબુ્ત્ઝ(ઈઝરાયેલમાં અલગ અલગ વસાહતોમાં લોકો સંયુક્ત રીતે રહેતા હોય છે અને તેને કિબુત્ઝ કહેવામાં આવે છે)ના લોકોને હમાસના હુમલામાંથી બચાવ્યા હતા અને સાથે સાથે 25 જેટલા આતંકીઓને પણ મોતને ઘાટ ઉતારી લીધા હતા.જેમાંથી પાંચને તો એકલા લીબરમેને જ ઢાળી દીધા હતા. 

આ યુવતીની બહાદુરીની આખી દુનિયામાં ચર્ચા છે. ઈઝરાયેલની જનતાની નજરમાં આ યુવતી હીરો બનીને  ઉભરી છે. ગાઝા પટ્ટીથી થોડા જ કિલોમીટર દૂર એક કિબુત્ઝમાં ઈનબાર લીબરમેન સુરક્ષાની જવાબદારી સંભાળતી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે શનિવારે આતંકીઓએ જેવો ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો કે લીબરમેને ધડાકા સાંભળ્યા હતા. તે તરત જ એલર્ટ થઈ ગઈ હતી અને તેણે પોતાના બીજા 12 લોકો સાથે સુરક્ષાનો મોરચો સંભાળ્યો હતો. 

તેણે પોતાની ટીમના સભ્યોને એ રીતે તૈનાત કર્યા હતા કે, ચારે તરફથી કિબુત્ઝની મોરચાબંધી થઈ શકે અને આતંકીઓ હુમલો ના કરી શકે. હમાસના આતંકીઓએ જેવો કિબુત્ઝ પર હુમલાનો પ્રયાસ કર્યો કે લીબરમેન અને તેની ટીમે જોરદાર વળતો જવાબ આપ્યો હતો. 

ચાર કલાક સુધી ચાલેલા ગોળીબારમાં તેણે અને તેની ટીમે 25 આતંકીઓને યમસદન પહોંચાડ્યા હતા. આતંકીઓએ આસપાસના વિસ્તારમાં તબાહી સર્જી હતી અને સેંકડો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા પણ લીબરમેનની સૂઝબૂઝ અને વળતા આક્રમણના કારણે તેઓ તેના કિબુત્ઝને નુકસાન પહોંચાડી શક્યા નહોતા. 

સોશિયલ મીડિયા પર આ યુવતીના ફોટા વાયરલ થઈ રહ્યા છે. લોકો આ યુવતીને સન્માનિત કરવામાં આવે તેવી માંગ ઈઝરાયેલ સરકાર સમક્ષ કરી રહ્યા છે. 


Google NewsGoogle News