ઈઝરાયેલમાં બંધકોને છોડાવવાની માંગ ઉગ્ર બની, પીએમ ઓફિસ બહાર 30000 લોકોના દેખાવો
હજારો લોકોએ તેલ અવીવથી પીએમ ઓફિસ સુધી રેલી કાઢી
Israel Hamas War : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેડાયેલા જંગમાં 43 દિવસ પછી પણ હમાસે બંધક બનાવેલા ઈઝરાયેલી નાગરિકોને ઈઝરાયેલ છોડાવી શક્યુ નથી અને તેના પગલે ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂની સરકારને હવે ઘરઆંગણે લોકોના વિરોધનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
પીએમ ઓફિસ બહાર 30000 લોકોના દેખાવો
શનિવારે બંધકોના પરિવારજનોએ જેરુસલેમમાં પીએમ ઓફિસની બહાર દેખાવો કર્યા હતા અને તેમાં 30000 લોકો સામેલ થયા હતા.દેખાવકારોએ બંધકોને તરત જ છોડાવવા માટે સરકાર સમક્ષ માંગ કરી હતી અને તેમણે એક જ વાત કરી હતી કે, બંધકોને છોડાવવા માટે ઈઝરાયેલે જે પણ પગલા ભરવા હોય તે ભરવા જોઈએ.જો પીએમ નેતાન્યાહૂ આવુ કરવાનો ઈનકાર કરશે તો અમે ગાઝા સુધી રેલી કાઢીશું.
હજારો લોકોએ તેલ અવીવથી પીએમ ઓફિસ સુધી રેલી કાઢી
આ દેખાવોમાં સામેલ થયેલા હજારો લોકોએ તેલ અવીવથી પીએમ ઓફિસ સુધી રેલી કાઢી હતી.ઉલ્લેખનીય છે કે, હમાસના કબ્જામાં હજી પણ 200 કરતા વધારે ઈઝરાયેલી નાગરિકો હોવાનુ અનુમાન છે અને આ પૈકી બે મહિલાઓને બાદ કરતા એક પણ વ્યક્તિને હમાસે છોડી નથી. રેલીમાં સામેલ અને એક બંધકની માતા એવી એક મહિલાએ કહ્યુ હતુ કે, અમે પાંચ દિવસ સુધી પગપાળા ચાલીને અહીંયા આવ્યા છે અને મારા આખા શરીરમાં દર્દ થઈ રહ્યુ છે પણ દિલમાં જે દર્દ છે તેટલુ દર્દ શરીરના કોઈ હિસ્સામાં થઈ રહ્યુ નથી.જો મારે મારા બાળકોને છોડાવવા માટે ગાઝા સુધી માર્ચ કરવી પડશે તો પણ હું તૈયાર છું.