'અમે નિર્દોષ લોકોને મરતા જોવા માગતા નથી..' અલ શિફા હોસ્પિટલમાં ભયાનક સ્થિતિ, અમેરિકાએ શું કહ્યું?

અમેરિકાએ કહ્યું - તમામ દર્દીઓને સુરક્ષા આપવામાં આવે, ગોળીબાર કે હુમલા ન થવા જોઈએ

ઈઝરાયલી સૈન્યની કાર્યવાહી વચ્ચે અલ શિફા હોસ્પિટલમાં સેંકડો માસૂમ લોકો જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
'અમે નિર્દોષ લોકોને મરતા જોવા માગતા નથી..' અલ શિફા હોસ્પિટલમાં ભયાનક સ્થિતિ, અમેરિકાએ શું કહ્યું? 1 - image


Israel Hamas War। ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ઇઝરાયેલી સૈનિકો દ્વારા સૈન્ય કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. ઈઝરાયેલનો દાવો છે કે હમાસે અલ-શિફા હોસ્પિટલને (Al-Shifa Hospital) કમાન્ડ સેન્ટર બનાવી રાખ્યું છે. હજારો પેલેસ્ટિનિયન ઘાયલોની વચ્ચે હમાસના લડવૈયાઓ હોસ્પિટલમાં છુપાયેલા છે. દરમિયાન અમેરિકાએ હોસ્પિટલમાં હાજર નિર્દોષ લોકો અને દર્દીઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં ઈઝરાયલને કહ્યું હતું કે અમે અલ શિફા હોસ્પિટલ સહિત કોઇપણ હોસ્પિટલને નિશાન બનતી કે નિર્દોષ લોકોને મરતા ન જોઇ શકીએ. આ સાથે અમેરિકાએ હોસ્પિટલને નિશાન બનાવીને હવાઈ હુમલા કરવાની પણ ઈઝરાયલને કડક શબ્દોમાં ના પાડી હતી. 

ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ સામે અનેક સંકટ 

યુદ્ધને કારણે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાં ન તો વીજળી છે અને ન તો ડૉક્ટરો પાસે સારવાર માટે જરૂરી મેડિકલ સંસાધનો. અલ શિફા હોસ્પિટલમાં સેંકડો માસૂમ લોકો જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. અલ શિફાની સ્થિતિ પર અમેરિકા સહિત સમગ્ર વિશ્વ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે.

હોસ્પિટલોમાં હાજર દર્દીઓની સુરક્ષા કરવામાં આવે : અમેરિકા

વ્હાઇટ હાઉસે મોડી રાત્રે કહ્યું કે હોસ્પિટલમાં હાજર દર્દીઓની દરેક કિંમતે સુરક્ષા કરવી જોઈએ. જો કે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ હોસ્પિટલમાં ઇઝરાયેલના સૈન્ય ઓપરેશન અંગે જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ આ ઓપરેશન વિશે ચર્ચા કરશે નહીં. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે કહ્યું કે અમે કોઈપણ હોસ્પિટલ પર હવાઈ હુમલાનું સમર્થન કરતા નથી. અમે હોસ્પિટલોમાં ગોળીબાર કે નિર્દોષ લોકોને મરતા જોવા માંગતા નથી. હોસ્પિટલોમાં હાજર દર્દીઓની સુરક્ષા કરવામાં આવે.

હોસ્પિટલ હુમલા માટે જો બાયડેન જવાબદારઃ હમાસ

દરમિયાન હમાસે બુધવારે કહ્યું કે અમેરિકાની જાહેરાતે ઇઝરાયેલને હોસ્પિટલ પર હુમલો કરવા માટે "લીલી ઝંડી" આપી દીધી છે. આ સાથે હમાસે ઇઝરાયેલ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનને આ ઈઝરાયલી સૈન્ય ઓપરેશન માટે સંપૂર્ણપણે જવાબદાર ગણાવ્યા છે. ગાઝામાં હાજર નાગરિકોના જણાવ્યા અનુસાર, હાલમાં હજારો લોકો હોસ્પિટલમાં હાજર છે.


Google NewsGoogle News